‘ચિનાબ રેલવે બ્રિજઃ દુનિયાનો સૌથી ઊંચો બ્રિજ હવે ભારતમાં, બ્રિજ પર ટ્રેનનુ ટ્રાયલ કરાયુ

chinabBridge

ચીનની વુજિઆંગ નદી પર બનેલા ‘નાજીહી રેલવે બ્રિજ’નો રેકોર્ડ તોડ્યો, વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ હવે ભારતના નામે
કાશ્મીરથી કન્યાકુમારી સુધીની સફર હવે વધુ આસાન બનશે
, આગામી ચારથી પાંચ મહિનામાં આ રેલ લિંક પર મુસાફરી શરૂ થાય તેવી શક્યતા

વિશ્વના ટોચના રેલવે નેટવર્કમાં સમાવેશ પામતા ભારતીય રેલવેએ પોતાને નામે વધુ એક રેકોર્ડ નોંધાવ્યો છે. હિમાલયના પર્વતોમાં વસેલા જમ્મુના રિયાસી જિલ્લામાં થઈને વહેતી ચિનાબ નદી પર બ્રિજ બનાવવામાં આવ્યો છે જે પુલનું નામ છે ‘ચિનાબ રેલવે બ્રિજ’. આ પુલ દુનિયાનો સૌથી ઊંચો રેલવે બ્રિજ છે.

‘ચિનાબ રેલવે બ્રિજ’ નદીના પટથી 359 મીટર (1,178 ફૂટ)ની ઊંચાઈ પર બન્યો છે. 17 સ્પાનમાં વહેંચાયેલા આ પુલની લંબાઇ છે 1,315 મીટર (4,314 ફૂટ). એન્જિનિયરિંગની કમાલ એવો આ પુલ (આર્ચ બ્રિજ) એટલો મજબૂત છે કે રિક્ટર સ્કેલ પર 8 ની તીવ્રતા સુધીના ધરતીકંપને સહન કરી શકે છે. 260 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનને સહન કરી શકવાની ક્ષમતા ધરાવતો આ બ્રિજ પર આગામી ચારથી પાંચ મહિનામાં રિયાસી અને સાંગલદાન વચ્ચે રેલ મુસાફરી શરૂ થવાની શક્યતા છે.

https://x.com/rishibagree/status/1803784018044891578

ભારતીય રેલવેએ વિશ્વના સૌથી ઊંચા રેલ બ્રિજ – ચેનાબ રેલવે બ્રિજ પર ટ્રેન ઓપરેશનનું સફળતાપૂર્વક ટ્રાયલ હાથ ધર્યું છે. આ લાઇન પર ટૂંક સમયમાં રેલ સેવા શરૂ થશે. વિશ્વના સૌથી ઊંચા આર્ક બ્રિજ પર પ્રથમ વખત ટ્રેન દોડી છે. ગત રવિવારે આ માર્ગ પર ઈલેક્ટ્રીક એન્જીન દોડાવવામાં આવ્યું હતું. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. ANI દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં એક ટ્રેન ચિનાબ આર્ક બ્રિજને પાર કરતી જોવા મળી રહી છે. ત્યારે હવે ચારથી પાંચ મહિનામાં આ રેલ લિંક પર મુસાફરી શરૂ થાય તેવી શક્યતા છે.

માનવનિર્મિત આ પુલે ચીનની વુજિઆંગ નદી પર બનેલા ‘નાજીહી રેલવે બ્રિજ’નો રેકોર્ડ તોડ્યો છે, જે 310 મીટરની ઊંચાઈ ધરાવે છે. ભારતનો ‘ચિનાબ રેલવે બ્રિજ’ હવે પહેલા નંબરે બિરાજે છે. આ પુલની ઊંચાઈ પેરિસના એફિલ ટાવર (ઊંચાઈ 300 મીટર) કરતાં પણ 35 મીટર વધુ છે. 1,315 મીટર લાંબો આ પુલ એક વિશાળ પ્રોજેક્ટનો એક ભાગ છે જેનો ઉદ્દેશ્ય કાશ્મીર વેલીને ભારતીય રેલવે નેટવર્ક દ્વારા સુલભ બનાવવાનો છે.

https://x.com/AHindinews/status/1803727588801536168

આ પુલનું બાંધકામ 1997 થી શરૂ થયેલા પ્રોજેક્ટ USBRL – યુએસબીઆરએલ (ઉધમપુર શ્રીનગર બારામુલા રેલ લિંક) અંતર્ગત થયું છે. પુલનું નિર્માણકાર્ય 2002માં શરૂ થયું હતું અને એના નિર્માણમાં 30,000 મેટ્રિક ટન સ્ટિલનો ઉપયોગ થયો છે. 120 વર્ષનું આયુષ્ય ધરાવતા આ પુલનો નિર્માણખર્ચ થયો છે પૂરા 1486 કરોડ રૂપિયા.

નોંધનીય છે કે બીજી તરફ, ઉધમપુરથી કટરા અને કાશ્મીર (બારામૂલા)થી સંગલદાન (રામબન) સુધી રેલ પહેલેથી જ કનેક્ટ છે. હવે સંગલદાનથી રિયાસી વચ્ચેના 46 કિલોમીટરના સેક્શનમાં ટ્રેન દોડાવવાની તૈયારી ચાલી રહી છે. તે પછી, રિયાસીથી કટરા સુધીના 17 કિલોમીટરના ભાગનું કામ આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.

સંગલદાનથી રિયાસી વચ્ચેનો વિભાગ શરૂ કરવાથી રિયાસી દ્વારા જમ્મુ અને કાશ્મીર વચ્ચે વૈકલ્પિક સંપર્ક થઈ જશે. વેલીને કન્યાકુમારી સાથે જોડવાની આ એક મોટી ઉપલબ્ધિ હશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ રેલ લિંક સાથે, વેલી અને દેશના બાકીના ભાગો વચ્ચેની મુસાફરી આગામી ચારથી પાંચ મહિનામાં શરૂ થવાની સંભાવના છે.