ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલ કેબિનેટ બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય
ગુજરાત સરકારે આજે શિક્ષકોની ભરતીને લઇને મહત્ત્વનો નિર્ણય કર્યો છે. ગુજરાતની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તેમજ સરકારી અને ગ્રાન્ટ-ઈન-એડ શાળાઓમાં આગામી 3 મહિનામાં 7500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવાનો શિક્ષણલક્ષી ઐતિહાસિક નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.
આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જેમાં શિક્ષણ સચિવ અને અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. આ કેબિનેટ બેઠકમાં થયેલી ચર્ચાની વિગતો આપતાં સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આગામી 3 મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશે.
ઋષિકેશ પટેલે જણાવ્યું કે, માધ્યમિક એટલે કે ઘોરણ 9 અને ઘોરણ 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ-ઇન-એડ શાળામાં 3,000 એમ કુલ 3500 TAT-1 પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે. જ્યારે ઉચ્ચર માધ્યમિક એટલે કે ઘોરણ 11 અને ઘોરણ 12 માં સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટ -ઇન–એડ શાળામાં 3250 એમ મળીને TAT-2 ના કુલ 4000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે
પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે, પ્રાથમિક શાળાના શિક્ષકોની કાયમી ભરતીના નિયમો બની રહ્યા છે, નિયમો ફાઈનલ થયા બાદ ભરતી જાહેર કરવામાં આવશે. રાજ્યની ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં TAT-Secondary અને TAT- Higher Secondary પાસ ઉમેદવારોની યોગ્યતાના આધારે કસોટી પ્રમાણે કાયમી ભરતી કરાશે. તેમણે વધુમાં કહ્યું કે, TET-1 અને TET-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા હાથ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ 1500 જેટલા HMAT પ્રિન્સીપાલની ભરતી રાજ્યની ગ્રાન્ટ ઈન એડ શાળાઓમાં કરવામાં આવી છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જણાવ્યું છે કે, છેલ્લા 10 વર્ષમાં રાજ્યમાં કુલ 18,382 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી છે અને નવી 7500 ભરતી પ્રથમ વખત કરી રહ્યા છીએ.
એક તરફ ટેટ અને ટાટના ઉમેદવારો કાયમી ભરતીને લઈ ગાંધીનગર ખાતે આંદોલન કરી રહ્યાં છે તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોની કાયમી ભરતીની જાહેરાત કરવામાં આવતા ઉમેદવારોમાં ખુશી જોવા મળી રહી છે.