શિક્ષકોની કાયમી ભરતીની માગ સાથે હજારો TET- TAT પાસ ઉમેદવારોએ ગાંધીનગરમાં સચિવાલય ખાતે કર્યુ આંદોલન

tit-tat

આગામી સમયમાં સરકાર માગ નહીં સ્વીકારે અને કરાર આધારીત ભરતી રદ કરી કાયમી ભરતીની જાહેરાત નહીં કરે તો આક્રોશ સાથે રેલી કાઢવાની અને ઉગ્ર લડત આપવાની ચીમકી ઉચ્ચારાઈ છે.

ગુજરાતમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. કાયમી ભરતીની માગ સાથે રાજ્યના હજારો TET-TAT પાસ ઉમેદવારોએ સરકાર સામે મહાઆંદોલન શરૂ કર્યું છે. આજે ગાંધીનગર સચિવાલય ખાતે હજારો ઉમેદવારોએ વિરોધ નોંધાવવા એકત્ર થયા હતા. જ્યાં સુધી સરકાર દ્વારા કાયમી ભરતીની જાહેરાત નહીં કરવામા આવે ત્યાં સુધી લડત આપવાની પણ તૈયાર બતાવી છે. મોટી સંખ્યામાં ઉમેદવારોએ વિરોધ માટે પહોંચતા ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયુ છે. પોલીસ અને આંદોલનકારી વચ્ચે ઘર્ષણ બાદ અટકાયત કરવામા આવી હતી.

રાજ્યની સરકારી- ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોની હજાર જેટલી જગ્યાઓ ખાલી છે. જેમા કાયમી ધોરણે ભરતી કરવાને બદલે રાજ્ય સરકારે જ્ઞાન સહાયક યોજના લાગુ કરી 11 મહિનાની કરાર આધારીત ભરતી કરતા TET-TAT ઉમેદવારો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્ઞાન સહાયક યોજનાની કરાર આધારિત ભરતીના વિરોધમાં હજારો ઉમેદવારોએ ગાંધીનગરમાં સચિવાલય ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે અનેક વખત રાજ્ય સરકારમાં આ ઉમેદવારો રજૂઆત કરી ચૂક્યા છે પણ કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવ્યા નથી.

આજે મોટી સંખ્યામાં હજારો ઉમેદવારોએ સચિવાલય ખાતે કાયમી ભરતીની માગ સાથે પહોંચ્યા હતા. હજારો ઉમેદવારોને જોતા ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવી દેવાયુ હત. ગાંધીનગરના પથિકાશ્રમ અને જુના સચિવાલય પાસે વિરોધ પ્રદર્શન કરાયુ હતું અને વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસે આંદોલનકારીઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી અને પોલીસવાન ભરી અને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.

આંદોલનના ભાગરૂપે આજે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને મોટી સંખ્યામાં ટેટ-ટાટ પાસ ઉમેદવારો ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. પથિકાશ્રમ એસ.ટી ડેપો પાસે મોટી સંખ્યામાં ઉમેદવારો ભેગા થયા હતા અને બેનરો સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ ‘ગુજરાત સરકાર હાય હાય’ના નારા લગાવ્યા હતા.

રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી કાયમી શિક્ષકની ભરતીની માગ સાથે ગાંધીનગરમાં એકઠા થયેલા TET-TAT પાસ ઉમેદવારોએ હલ્લાબોલ કરી સૂત્રોચ્ચાર કરતા પોલીસ દ્વારા ઉમેદવારોની અટકાયત કરવામાં આવી હતી. ઉમેદવારોએ વિરોધ કરતા પોલીસે ટીંગોટોળી કરી પોલીસનાં વાહનોમાં બેસાડ્યા હતા.ત્યારે ગાંધીનગર શહેરમાં ટેટ-ટાટના ઉમેદવારોએ ઉગ્ર વિરોધ શરૂ કર્યો છે. શહેરમાં ઉમેદવારો રસ્તાઓ રોકીને વિરોધ નોંધાવી રહ્યા છે. સત્યાગ્રહ છાવણીમાં ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. તમને જણાવી દઈએ કે પોલીસે પરવાનગી ના આપતા ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને જૂના સચિવાલય ખાતે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ઉમેદવારોના આંદોલનને હવે વિવિધ રાજકીય પક્ષોએ પણ સમર્થન જાહેર કર્યુ છે.

છેલ્લા કેટલાય સમયથી કાયમી ભરતીની માગ સાથે શિક્ષકો વિરોધ કરી રહ્યા છે. વિદ્યાસહાયકો અને શિક્ષક સહાયકો કેટલાય સમયથી માગ કરી રહ્યા છે. શિક્ષકો કાયમી ભરતી માટે શિક્ષણમંત્રીને પણ રજૂઆત કરી ચુક્યા છે. કેટલાક ઉમેદવારોની વયમર્યાદા પણ પુરી થઈ ગઈ છતા ભરતી ન થઈ હોવાના આક્ષેપ પણ કરાઈ રહ્યા છે. ત્યારે ઉમેદવારોની વયમર્યાદામાં પણ છૂટછાટ આપવાની માગ કરાઈ છે. આગામી સમયમાં સરકાર માગ નહીં સ્વીકારે અને કરાર આધારીત ભરતી રદ કરી કાયમી ભરતીની જાહેરાત નહીં કરે તો આક્રોશ સાથે રેલી કાઢવાની અને ઉગ્ર લડત આપવાની ચીમકી ઉચ્ચારાઈ છે.

ગુજરાતના ટેટ અને ટાટ પાસ યુવાઓ પોતાની યોગ્ય માંગણી કરી રહ્યા છે. આ સરકાર યુવાઓ સાથે સંવાદ પણ નથી કરી રહી. સરકાર માંગણી નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં અમદાવાદમાં આક્રોશ રેલી કાઢીશું. જેની તમામ જવાબદારી સરકારની રહેશે તેવી ચીમકી પણ આપી હતી.

રાજ્યની સરકારી- ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોથી માંડી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં સરકારે જ્ઞાન સહાયકોની યોજના અમલમાં મુકી છે. કાયમી શિક્ષક બનવા માટે ઉમેદવારોએ TET-TAT પરીક્ષા પાસ કર્યા બાદ પણ માત્ર 11 મહિના માટે કરાર આધારીત નોકરી મેળવવાની હોવાથી ગત વર્ષે ભરતીમાં પ્રાથમિકમાં હજારો ઉમેદવારો નિમણૂક બાદ હાજર થયા ન હતા. પરિણામે શિક્ષકોની જગ્યા મોટી સંખ્યામાં ખાલી પડી છે. આ વર્ષે પણ સરકાર કરાર આધારીત જ્ઞાન સહાયકોની ભરતી કરવા જઈ રહી છે અને તે માટેની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ છે. ત્યારે ટેટ-ટાટ પાસ ઉમેદવારોમાં ભારે રોષ છે.