આગામી 21 જૂને રાજ્યભરમાં 312 મુખ્ય સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે જેમાં સવા કરોડ લોકો સહભાગી થશે
દેશભરમાં 21 જૂનનાં રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. જેને લઈને વિવિધ સ્થળે યોગનાં કાર્યક્રમો પણ શરૂ થઈ ગયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં 21મી જૂને યોજાનાર 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને આખરી ઓપ અપાયો છે. આ બેઠકમાં રમત-ગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, યોગ બોર્ડના અધ્યક્ષ શીશપાલજી તથા મુખ્ય સચિવ રાજકુમાર અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જોડાયા હતા.
રાજ્યનો આ વર્ષનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠાના સરહદી ગામ અને સીમાદર્શન માટે સુપ્રસિદ્ધ નડાબેટ ખાતે યોજાવાનો છે. રાજ્યમાં અંદાજે સવા કરોડ લોકોની સહભાગીતાથી આ યોગ દિવસને ભવ્ય સફળતા અપાવવાના આયોજનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તલસ્પર્શી સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રી સમક્ષ આ બેઠકમાં યોગ દિવસના આયોજન અંગેનું પ્રેઝન્ટેશન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.
જિલ્લા કલેકટર તેમજ એસપી દ્રારા સ્થળને લઈ નિરીક્ષણ કરાયું છે,તો પાણી,પાર્કિંગ અને અન્ય બાબતોને લઈ પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. રમત-ગમત અગ્ર સચિવ શ્રી અશ્વિનીકુમારે આ પ્રેઝન્ટેશનમાં જણાવ્યું કે, ૨૧મી જૂને સવારે ૦૭:૦૦ થી ૦૭:૪૫ સુધી એટલે કે ૪૫ મિનિટ સવા કરોડ લોકો સામાન્ય યોગ પ્રોટોકોલ તાલીમમાં ભાગ લેશે.
ભારત-પાકિસ્તાન સરહદને અડીને આવેલા નડાબેટમાં યોગ અને રાષ્ટ્રભક્તિના સંયોજનથી રાજ્ય સરકાર અને BSFના સહ આયોજનમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. નડાબેટમાં યોજાનારા મુખ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, રમત-ગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવી જોડાશે. મંત્રીમંડળના મંત્રીઓ અને પદાધિકારીઓ રાજ્યના વિવિધ સ્થળે સહભાગી થશે. રાજ્યભરમાં ૮ મહાનગરપાલિકાઓ, ૩૨ જિલ્લાઓ તથા ૨૫૧ તાલુકા, ૨૦ નગરપાલિકા એમ કુલ ૩૧૨ મુખ્ય સ્થળોએ આ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
ગ્રામ પંચાયતથી લઈને મહાનગરપાલિકા સુધી શાળાઓ, કોલેજ, આઈ.ટી.આઈ, જેલ, આરોગ્ય, પોલીસ સહિતના વિભાગોમાં યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે ૦૬:૩૦ કલાકે તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે ૦૬:૪૦ કલાકે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં પ્રેરક સંબોધન કરશે અને તેનું સમગ્ર રાજ્યમાં જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ૨૦૧૪માં યુનાઇટેડ નેશન્સ દ્વારા ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે અને ૨૦૧૫ થી આ દિવસ વિશ્વના દેશોમાં ઉજવાય છે. દર વર્ષે ૨૧મી જૂને વ્યાપક લોક ભાગીદારીથી વિવિધ વિષયવસ્તુ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. તદઅનુસાર, ૨૦૨૪નો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘સ્વયં અને સમાજ માટે યોગ’ વિષયવસ્તુ સાથે યોજવાનો છે.