’10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઊજવણી ‘યોગ સ્વયં અને સમાજ માટે’ની થીમ પર થશે
30 જૂનથી ‘મન કી બાત’ કાર્યક્રમની પણ શરુઆત થશે
દેશભરમાં 21 જૂનનાં રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. PM નરેન્દ્ર મોદી આ વર્ષે યોગ દિવસના રોજ શ્રીનગરમાં થનારા આયોજનમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ ડલ લેક પાસે જ આવેલા શેર-એ-કાશ્મીર ઈન્ટરનેશનલ કૉન્ફરન્સ સેન્ટરમાં આયોજિત કરાશે. આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવે મંગળવારે આ અંગે જાણકારી આપી. PM મોદી તરીકે ત્રીજા કાર્યકાળની શરૂઆત કર્યા બાદ નરેન્દ્ર મોદીની આ પ્રથમ કાશ્મીર મુલાકાત હશે.
શ્રીનગરના દાલ તળાવના કિનારે યોગ દિવસના કાર્યક્રમની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. અધિકારીઓ સુરક્ષા વ્યવસ્થાથી માંડીને કાર્યક્રમના આયોજનમાં વ્યસ્ત છે. PM મોદી દાલ સરોવર પાસે બનેલા ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં આયોજિત કાર્યક્રમના મુખ્ય અતિથિ હશે. એક અધિકારીએ કહ્યું કે, PM મોદી 20 જૂનની સાંજે જ શ્રીનગર પહોંચશે. આ પછી તેઓ 21મી એ સવારે યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લેશે. અમે સેંકડો લોકો તેમાં ભાગ લેવાની અપેક્ષા રાખીએ છીએ. PM મોદી ની હાજરીને કારણે આ એક હાઈપ્રોફાઈલ ઈવેન્ટ છે, જેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
પ્રતાપરાવ જાધવે કહ્યું કે, આ વખતે યોગ દિવસની થીમ છે, ‘યોગ સ્વંય અને સમાજ માટે.’ જાધવે કહ્યું કે આ થીમનો અર્થ છે કે કઈ રીતે આપણે યોગથી પોતાની આંતરિક શક્તિ વધારી શકીએ છીએ અને સમાજનું કલ્યાણ પણ તેની શક્ય છે. મંત્રીએ કહ્યું કે યોગથી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ થાય છે. આ ઉપરાંત સમાજમાં સદ્ભાવને પણ પ્રોત્સાહન મળે છે. PM મોદીની મુલાકાત અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી પણ સૂત્રોનું માનીએ તો PM મોદી યોગ દિવસની ઉજવણી શ્રીનગરમાં કરશે.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ દેશના તમામ ગ્રામ પ્રધાનોને પત્ર લખ્યો છે. જેમાં તેમણે અપીલ કરી છે કે ગામોમાં દરેક વ્યક્તિ સુધી યોગ દિવસનો સંદેશ પહોંચે અને તેમાં ભાગ લેવા માટે પ્રેરિત કરે. એટલું જ નહીં આ દરમિયાન તેમણે દ્રષ્ટીહીનો માટે બ્રેલ લિપિમાં એક પુસ્તક પણ બહાર પાડ્યું જે યોગ પર આધારિત છે. આ પુસ્તક બાળકોને યોગ શીખવા અને તેનો અભ્યાસ કરવામાં મદદ કરશે. પીએમ મોદીના પ્રયાસોથી જ સંયુક્ત રાષ્ટ્ર સંઘે યોગ દિવસના પ્રસ્તાવને માન્યો હતો અને ત્યારથી જ દર વર્ષે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થાય છે.
30 જૂનથી “મન કી બાત” કાર્યક્રમ શરુ થશે
વડાપ્રધાન મોદી આ સપ્તાહે રવિવારે ફરી “મન કી બાત” કાર્યક્રમ શરુ કરશે. આગામી 30 જૂને ફરી એકવખત આકાશવાણી પર પોતાના માસિક કાર્યક્રમ “મન કી બાત”માં દેશવાસીઓ સાથે વિચાર શેર કરશે. મોદીએ મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું, તમને તે જણાવતા પ્રસન્નતા થઈ રહી છે કે ચૂંટણીના કારણે કેટલાંક મહિનાના અંતરાલ બાદ “મન કી બાત” કાર્યક્રમની ફરીથી વાપસી થઈ રહી છે. આ મહિનાનો કાર્યક્રમ 30 જૂને થશે. તમે આ કાર્યક્રમ થકી માઈગોવ ઓપન ફોરમ કે નમો એપ પર પોતાના વિચાર શેર કરી છો. તમે 1800117800 પર પોતાનો સંદેશ રેકોર્ડ પણ કરી શકો છો.
ઉલ્લેખનીય છે કે મોદીએ વર્ષ 2014માં પહેલી વખત વડાપ્રધાન બન્યા બાદ દેશવાસીઓની સાથે સંવાદ માટે આકાશવાણી પર માસિક કાર્યક્રમ “મન કી બાત” શરુ કર્યો હતો. ગત માર્ચમાં સામાન્ય ચૂંટણી દરમિયાન આદર્શ આચાર સંહિતા લાગુ થવા પર આ કાર્યક્રમ બંધ થઈ ગયો હતો. મોદીએ આ મહિનાથી પોતાનો માસિક રેડિયો કાર્યક્રમનો પ્રસારણ શરુ કરવાની જાહેરાત કરી દીધી છે. આ “મન કી બાત” કાર્યક્રમની 111મી કડી હશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ૨૦૧૪માં યુનાઇટેડ નેશન્સ દ્વારા ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે અને ૨૦૧૫ થી આ દિવસ વિશ્વના દેશોમાં ઉજવાય છે. દર વર્ષે ૨૧મી જૂને વ્યાપક લોક ભાગીદારીથી વિવિધ વિષયવસ્તુ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. તદઅનુસાર, ૨૦૨૪નો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘સ્વયં અને સમાજ માટે યોગ’ વિષયવસ્તુ સાથે યોજવાનો છે.