અમરેલીમાં જામ્યો વરસાદી માહોલ: સાવરકુંડલા, લીલીયા અને બાબરા પંથકમાં ધોધમાર વરસાદ, બાબરામાં 4 કલાકમાં પોણા બે ઈંચ વરસાદ

Amreli-rain

અસહ્ય ગરમી અને બફારા બાદ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે તથા લોકોને ગરમીથી થોડી ઘણી રાહત મળી છે

અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલીમાં આજે(17મી જૂન) સાવરકુંડલા, લાઠી, લીલીયા અને બાબરા તાલુકામાં બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. બપોરે 2 થી 6 વાગ્યા સુધીના 4 કલાકના સમયગાળા દરમિયાન જિલ્લાના બાબરા પંથકમાં સૌથી વધુ પોણા 2 ઈંચ વરસાદ નોંધાયો છે. અસહ્ય ગરમી અને બફારા બાદ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે તથા લોકોને ગરમીથી થોડી ઘણી રાહત મળી છે.

અમરેલી, લાઠી, લીલીયા, બાબરામાં વરસાદ શરૂ થતા રસ્તા પર પાણી પાણી જોવા મળ્યુ છે. તેમજ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ આવતા ખેડૂતોમાં ઉત્સાહ વધ્યો છે. બાબરાના ચરખા, ચમારડી, નીલવડા, વાવડીમાં વરસાદ શરૂ થયો છે. સાવરકુંડલા અમરેલી, લાઠી, લીલીયા બાદ બાબરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ આવ્યો છે. ગાજવીજ સાથે બાબરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા રસ્તા નદિ જેવા બન્યા છે.

ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં વરસાદી માહોલ જામતા ધરતીપુત્રોમાં ખુશી છવાઈ છે. નોંધનીય છે કે, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકા જિલ્લાના વિવિધ ભાગોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો છે.

નર્મદાના રાજપીપળામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. તેમાં રાજપીપળામાં પવન સાથે વરસાદ શરૂ થતા લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. જેમાં રાજપીપળા સહિત આસપાસના ગામોમાં વરસાદ આવતા ખેડૂતોએ કુદરતનો આભાર માન્યો છે.

વેરાવળ, સોમનાથમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સોમનાથ, ભાલકા, વેરાવળ સહિત વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. કચ્છના માંડવીમાં 15 મિ.મી., દ્વારકામાં 5 મિ.મી. જ્યારે પોરબંદર અને ભાણવડમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.

ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા ઘણાં દિવસોથી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રમાં સવારથી ધોધમાર વરસાદ પડ્યો હતો. દેવભૂમિ દ્વારકા અને ખંભાળિયામાં છ કલાકમાં સાડા નવ ઈંચ વરસાદ ખાબક્યો હતો.

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ડેટા ઑપરેશન સેન્ટર દ્વારા જારી આંકડા અનુસાર, આજે રાજ્યના 17 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં ભાવનગરના ગારિયાધારમાં 1, છોટા ઉદેપુરના ક્વાંટમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય નર્મદાના નાંદોદમાં 20 મિમી, કચ્છના માંડવીમાં 15 મિમી અને દ્વારકા તાલુકામાં 10 મિમી વરસાદ ખાબક્યો છે.