PM મોદીની પોપ ફ્રાન્સિસ સાથેની મુલાકાત પર કોંગ્રેસે કરી ટિપ્પણી, ત્યાર પછી માંગી માફી

modi-and-pope

જો અમારી પોસ્ટથી કોઈને દુઃખ થયું હોય તો અમે માફી માંગીએ છીએઃ કેરળ કોંગ્રેસ
PM મોદીએ ઇટલીમાં G7 સમિટ દરમ્યાન પોપ ફ્રાન્સિસ સાથે મુલાકાત કરી હતી.

G7 સમિટ માટે ઇટાલી પહોંચેલા પીએમ મોદીએ પોપ ફ્રાન્સિસ સાથે મુલાકાત કરી હતી. PM મોદીની પોપ ફ્રાન્સિસ સાથે મુલાકાતને લઈને કોંગ્રેસે ટિપ્પણી કરી હતી. પીએમ નરેન્દ્ર મોદી અને પોપ ફ્રાન્સિસ વચ્ચે થયેલ બેઠક મુદ્દે કોંગ્રેસે કરેલ ટિપ્પણીના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. જેના લીધે કેરળ કોંગ્રેસે માફી માંગી હતી.

ઈટાલીમાં યોજાયેલ G7 સમિટ દરમ્યાન વડાપ્રધાન મોદી પોપ ફ્રાન્સિસને મળ્યા હતા. કોંગ્રેસે પીએમ મોદી અને પોપ ફ્રાન્સિસ વચ્ચેની બેઠક પર કટાક્ષ કર્યો હતો. કેરળ કોંગ્રેસે પીએમ મોદી અને પોપની બેઠકનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરીને કહ્યું હતું કે, ‘આખરે પોપને ભગવાનને મળવાનો મોકો મળ્યો.’ આ મામલે ભાજપે કોંગ્રેસની ટિપ્પણી સામે વાંધો ઉઠાવ્યો હતો અને ઠપકો આપ્યો હતો. ભાજપે ખ્રિસ્તી ધર્મનું અપમાન ગણાવ્યું હતું.

કોંગ્રેસનો આ ટોણો દેશમાં તાજેતરમાં પૂર્ણ થયેલ લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીના નિવેદનને લઈને આવ્યો છે. પીએમ મોદીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મને ભગવાને આ ધરતી પર મોકલ્યો છે.

ભાજપે કોંગ્રેસની પોસ્ટ બાદ તેના પર ઈસાઈ ધર્મનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપના નેતાઓએ કોંગ્રેસની આ પોસ્ટ સામે વાંધો ઉઠાવ્યો હતો અને કોંગ્રેસ પક્ષને ઠપકો આપ્યો હતો. ત્યારબાદ કોંગ્રેસે માફી માંગી અને કહ્યું કે ધર્મનું અપમાન કરવું અમારી પરંપરા નથી.

ભાજપ નેતા અમિત માલવિયાએ કોંગ્રેસની પોસ્ટ શેર કરતા કહ્યું કે, જે પાર્ટી અત્યાર સુધી હિન્દુઓની મજાક ઉડાવતી હતી તે હવે ખ્રિસ્તીઓનું અપમાન કરી રહી છે. હિન્દુઓની આસ્થાની મજાક ઉડાવ્યા બાદ કોંગ્રેસમાં ઈસ્લામવાદી-માર્કસવાદી સાંઠગાંઠ હવે ખ્રિસ્તીઓનું અપમાન કરવા પર ઉતરી આવી છે. આ ત્યારે થઈ રહ્યું છે જ્યારે લાંબા સમય સુધી કોંગ્રેસ અધ્યક્ષ રહી ચુકેલા સોનિયા ગાંધી પોતે કેથોલિક છે.

અમિત માલવિયાની સાથે સાથે ભાજપના અન્ય નેતાઓ કે સુંદરન, એનિલ એન્ટની અને જ્યોર્જ કુરિયને પણ કોંગ્રેસને ઠપકો આપ્યો હતો. કુરિયને કહ્યું કે આ શરમજનક છે કે કોંગ્રેસ આ સ્તરે આવી ગઈ છે. ચારે બાજુથી ઘેરાયેલા અને ટીકા કર્યા બાદ કેરળ કોંગ્રેસ તરફથી પણ માફી માંગવામાં આવી છે.

કેરળ કોંગ્રેસે આગળની પોસ્ટમાં લખ્યું કે, ‘આખો દેશ જાણે છે કે કોંગ્રેસ પાર્ટી ક્યારેય કોઈ ધર્મ, ધાર્મિક સમુદાય, પૂજારીનું અપમાન કરતી નથી. કોઈપણ ધર્મ, ધાર્મિક પૂજારીઓ અને મૂર્તિઓનું અપમાન અને અનાદર કરવું એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની પરંપરા નથી. અમે બધા ધર્મોને સાથે લઈએ છીએ અને કોંગ્રેસનો કોઈ કાર્યકર પોપનું અપમાન કરવાનું વિચારી પણ શકતો નથી, જેમને સમગ્ર વિશ્વમાં ખ્રિસ્તીઓ તેમના ભગવાન સમાન માને છે.

જોકે, પોતાને ભગવાન ગણાવતા નરેન્દ્ર મોદીની મજાક ઉડાવવામાં કોંગ્રેસને કોઈ વાંધો નથી. કોંગ્રેસે કહ્યુ કે જો મોદી અને તેમના સહયોગીઓ ખ્રિસ્તી લોકોને ખરેખર પ્રેમ કરતા હોય તો તેમણે મણિપુરમાં ચર્ચ સળગાવવાની ઘટના પર તેઓ શા માટે ચૂપ રહે છે? ખ્રિસ્તી સમુદાયને જો અમારી પોસ્ટથી દુઃખ થયું હોય તો અમે માફી માંગીએ છીએ.

સતત ત્રીજી વખત દેશની બાગડોર સંભાળ્યા બાદ પીએમ મોદીએ તેમની પ્રથમ વિદેશ યાત્રા માટે ઈટાલીની મુલાકાત લીધી હતી. પીએમ મોદી પીએમ મેલોનીના આમંત્રણ પર અહીં જી-7 સમિટ માટે ઇટાલી પહોંચ્યા હતા. અહીં તેઓ વિશ્વભરના રાજ્યોના વડાઓને મળ્યા. આ દરમિયાન પીએમ મોદીની પોપ ફ્રાન્સિસ સાથેની મુલાકાતની તસવીર પણ સામે આવી હતી. સોશિયલ મીડિયા પર આ તસવીર શેર કરતી વખતે કેરળ કોંગ્રેસે ઝાટકણી કાઢી હતી.