મિની બસમાં 23 શ્રદ્ધાળુ સવાર હતા જે બદ્રીનાથનાં દર્શન કરવા જઈ રહ્યા હતા,
ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં શ્રદ્ધાળુઓથી ભરેલો ટેમ્પો ટ્રાવેલર બદ્રીનાથ હાઈવે પર રૂદ્રપ્રયાગ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક રસ્તાની બાજુમાં આવેલ અલકનંદા નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 12 લોકોના કરૂણ મોત થયા છે જ્યારે 8 ગંભીર રીતે ઘાયલ હોવાની માહિતી મળી છે.
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લાના રૈતોલી પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. રુદ્રપ્રયાગ શહેરથી પાંચ કિલોમીટર આગળ બદ્રીનાથ હાઈવે પર રૈતોલી પાસે 23 મુસાફરોને લઈ જતી ટેમ્પો ટ્રાવેલર અલકનંદા નદીમાં ખાબકતાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 12 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જ્યારે 8 ગંભીર રીતે ઘાયલ હોવાની માહિતી મળી છે.
https://x.com/ANI/status/1801888948177785030
આ વાહન નોઈડાથી મુસાફરો સાથે રવાના થયું હતું. તમામ મુસાફરો શ્રીનગર તરફથી બદ્રીનાથ હાઈવે પર જઈ રહ્યા હતા. આ દરમિયાન રૂદ્રપ્રયાગ પાસે આ વાહન અલકનંદા નદીમાં ખાબક્યું હતું.
ઉત્તરાખંડનાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ X પર પોસ્ટ કરીને આ ઘટનાની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે SDRFની સાથે પોલીસની ટીમ અને સ્થાનિક વહીવટીતંત્ર પણ રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃત્યુઆંક વધી શકે છે. સીએમ ધામીએ જિલ્લા મેજિસ્ટ્રેટને ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી ધામીએ દુર્ઘટનાના સમાચાર પર શોક વ્યક્ત કરતા કહ્યું કે “હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ દિવંગતના આત્માઓને તેમના ચરણોમાં સ્થાન આપે અને શોકગ્રસ્ત પરિવારને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે. હું બાબા કેદારને ઇજાગ્રસ્તોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું,”
સુત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે મિની બસમાં 23 મુસાફરો હતા. ઘાયલોને હેલિકોપ્ટર દ્વારા હાયર સેન્ટરમાં લઈ જવામાં આવી રહ્યા છે. ગુપ્તકાશીથી હેલિકોપ્ટર રૂદ્રપ્રયાગ પહોંચ્યું. 12 ઘાયલોને હેલિકોપ્ટર દ્વારા એઈમ્સમાં લઈ જવામાં આવ્યા છે.