સિક્કિમમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી તબાહી, 9 મોત, 1200થી વધુ પ્રવાસી ફસાયા, પ્રશાસને એલર્ટ જાહેર કર્યું

sikkim

વડોદરાનો પરિવાર સિક્કિમમાં ફસાયો:3 વર્ષની બાળકી સહિત ફરવા ગયેલા નવ લોકોનો 3 દિવસથી કોઈ સંપર્ક નહીં

ભારતના ઉત્તર-પૂર્વ રાજ્યોમાં તાજેતરમાં ખૂબ વરસાદનો માહોલ છે. ખાસ કરીને સિક્કિમમાં સ્થિતિ બેકાબુ હોવાનું સામે આવી રહ્યું છે. અહીં મંગન જિલ્લામાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી રસ્તાઓ બંધ થઇ ગયા છે જેના કારણે 1,200 થી વધુ સ્થાનિક અને 15 વિદેશી પ્રવાસીઓ લાચુંગમાં ફસાઇ ગયા છે. વરસાદ અને પૂરના કારણે 9 લોકોના મોત થયા છે જ્યારે ઘણા ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોને વિવિધ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. મંગનમાં ગુરુવારે (13 જૂન) એક જ દિવસમાં 220 મીમીથી વધુ વરસાદ થયો હતો. ગત વર્ષે બનેલો સંગકલંગ બ્રિજ પણ ભારે વરસાદને કારણે તૂટી ગયો છે.

વડોદરામાં રહેતો રાણા પરિવારના 9 સભ્યો 7, જુનના રોજ પાર્થ ટ્રાવેલ્સમાંથી સિક્કિમ ફરવા ગયા હતા. ત્યાં પહોંચ્યા બાદ સિક્કિમના લાચુંગમાં વાદળ ફાટ્યું હતું. અને ભૂસ્ખલ સર્જાયું હતું. જેમાં અસંખ્ય પરિવારો ફસાયા હતા. તેવામાં લાચુંગમાં ગયેલા રાણા પરિવારના સભ્યો વડોદરા રહેતા પરિજનોથી સંપર્ક વિહોણા બન્યા હતા. વિતેલા બે દિવસથી ફરવા ગયેલા રાણા પરિવારના સભ્યોનો કોઇ સંપર્ક થઇ શક્યો નથી. જેને લઇને રાણા પરિવારના સમા સ્વાતિ સોસાયટીમાં રહેતા રમેશચંદ્ર રાણા ચિંતિત થયા હતા.

https://x.com/ANI/status/1801930253239209991

છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા વરસાદ અને ભૂસ્ખલનના કારણે સિક્કિમમાં ભારે નુકસાન થયું છે. કેટલીક જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા છે તો કેટલીક જગ્યાએ રસ્તાઓ નદીમાં ડૂબી ગયા છે. પૂર્વ સિક્કિમના ડિકચુમાં રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે અને ઘણા ઘરોને નુકસાન થયું છે. દક્ષિણ સિક્કિમમાં લિંગી-પ્યોંગને જોડતો મુખ્ય માર્ગ વરસાદને કારણે સંપૂર્ણપણે નાશ પામ્યો છે. તિસ્તા નદી સતત ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે, જેના કારણે નદી કિનારે રહેતા લોકોમાં ગભરાટ વધી ગયો છે.

સિક્કિમ પર્યટન અને નાગરિક ઉડ્ડયન વિભાગના અગ્ર સચિવ સી એસ રાવે જણાવ્યું હતું કે, “રિપોર્ટ્સ મુજબ, ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ઘણા વિસ્તારોમાં રોડ કનેક્ટિવિટી, વીજળી, મોબાઈલ ટાવરને ભારે નુકસાન થયું છે. રસ્તા બ્લોક થવાથી લગભગ 1200 સ્થાનિક અને 15 વિદેશી પ્રવાસીઓ ફસાયા છે. જેમાં થાઇલેન્ડના બે, નેપાળના 3, બાંગ્લાદેશના 10 મંગન જીલ્લાના લાચુંગમાં ફસાયા છે. ફસાયેલા તમામ પ્રવાસીઓ સુરક્ષિત હોવાનું કહેવાય છે.

મુખ્યમંત્રી પ્રેમ તમાંગે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી
ભારે વરસાદના કારણે થયેલા ભૂસ્ખલન બાદની સ્થિતિની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગે મિન્ટોકગંગમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. સિક્કિમમાં હાલ ભૂસ્ખલનની સ્થિતિ હોવાના કારણે સ્થાનિક અધિકારીઓએ ત્યાં ફસાયેલા પ્રવાસીઓને તેમના સ્થાનો પર રહેવા અને કોઈપણ જોખમ લેવાનું ટાળવાની સલાહ આપી છે. તમામ ફસાયેલા લોકોને ખોરાક આપવા માટે પૂરતો પુરવઠો અને રાશન ઉપલબ્ધ છે.

https://x.com/ANI/status/1801933884688671222

આ ઉપરાંત મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે, મુખ્ય સચિવની કચેરીએ હવામાનની સ્થિતિના આધારે તમામ પ્રવાસીઓને હવાઈ માર્ગે લાવવા માટે કેન્દ્ર સાથે વાતચીત શરૂ કરી છે. જો જરૂર પડશે તો પ્રવાસીઓને રોડ માર્ગે પણ બહાર કાઢવામાં આવશે. વિભાગ સ્થાનિક પ્રવાસન હિતધારક તેમજ મંગનમાં જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ અને પ્રવાસન અધિકારીઓ સાથે સંકલન કરીને ફસાયેલા લોકોને બચાવવા માટે કામ કરી રહ્યું છે.

મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગે આ કુદરતી આફતમાં પ્રવાસીઓને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી છે. હાલ સિક્કિમમાં એક માત્ર લાચુંગ સિવાય અન્ય તમામ ભાગ મુસાફરી માટે ખુલ્લા અને સલામત છે.

આપને જણાવી દઈએ કે, સિક્કિનો મંગન જિલ્લો ગુરુડોંગમાર લેક અને યુનથાંગ વેલી જેવા પ્રવાસન સ્થળો માટે ખૂબ જ પ્રખ્યાત છે. પરંતુ વરસાદ અને પૂરના કારણે આ જિલ્લાના જોંગુ, ચુંગથાંગ, લાચેન અને લાચુંગ જેવા શહેરો દેશના અન્ય ભાગોથી કપાઈ ગયા છે.