અમરેલીમાં દોઢ વર્ષની બાળકી બોરવેલમાં પડી, બાળકીને બહાર કાઢવા રેસ્ક્યૂ ઓપરેશન શરૂ

amreli-borwell

અમરેલી જિલ્લાના સુરાગપુર ગામમાં દોઢ વર્ષની બાળકી બોરવેલમાં પડી ગઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. સુત્રો અનુસાર ગામના વાડી વિસ્તારમાં ખેત મજૂરની દોઢ વર્ષની બાળકી બોરવેલમાં પડી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ, NDRF, ફાયર વિભાગ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બાળકીને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપેરશન હાથ ધર્યું છે. આ ઉપરાંત કલેકટર સહિતના સ્થાનિક તંત્ર પણ ઘટના સ્થળ પહોંચી રહ્યાં છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, અમરેલીના સુરાગપુર ગામમાં ખેતમજૂરી કરતા એક પરિવારની દોઢ વર્ષની આરોહી નામની બાળકી રમતાં રમતાં બોરવેલમાં પડી જતાં દોડધામ મચી ગઈ છે. આ બનાવ અંગે સ્થાનિકો દ્વારા 108ની ટીમને જાણ કરતા 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બોરવેલમાં ઓક્સિજન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બાળકી બોરવેલમાં 45થી 50 ફૂટના અંતરે હોવાનું પ્રાથમિક અનુમાન છે.

અમરેલી સુરગપુરા ખાતે સાંસદ ભરત સુતરીયા અને ધારાસભ્ય જનકભાઈ તળાવિયા પહોંચ્યા છે. લાઠીના પ્રાંત અધિકારી અને મામલતદાર પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. તંત્ર દ્વારા બાળકીને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ટીમને કડક સુચના આપવામાં આવી છે કે જેમ બને તેમ ઝડપથી નાની બાળકીને બહાર કાઢવામાં આવે. રાજુલાથી યંત્ર રોબોટની ટીમને બોલાવવામાં આવી છે. બાળકી આરોહી માટે પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે.

ગામના સ્થાનિક કાળુભાઈએ જણાવ્યું છેકે, મજૂરના છોકરા રમતા હતા અને મોટા બધા કપાસિયા છોલતા હતા. છોકરાઓએ રમતા-રમતા બોરવેલ પરનો પથરો ખેંચી લીધો હતો અને રમતા-રમતા દોઢ વર્ષની બાળકી બોરવેલમાં પડી ગઇ હતી. બનાવ અંગે અમરેલી ફોન કર્યો હતો. તંત્રના અધિકારીઓ અને બધા અહીં આવી ગયા છે. બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.