ચંદ્ર બાબુ નાયડુ આજે લેશે શપથ, સતત ચોથી વખત આંધ્રપ્રદેશના CM તરીકે પદ સંભાળશે

Today-Chandrababu-Naidu-take-oth

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા ઉપરાંત ઘણા મંત્રીઓ શપથગ્રહણ સમારોહમાં હાજરી આપી શકે છે

ચંદ્રાબાબુ નાયડુ બુધવારે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. તેલુગુ દેશમ પાર્ટીના વડા ચોથી વખત આ પદ સંભાળવા જઈ રહ્યા છે. આ શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા ઉપરાંત અનેક મંત્રીઓ હાજરી આપી શકે છે. આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે મંગળવારે અમિત શાહ અને જેપી નડ્ડા પહોંચ્યા છે.

શપથ ગ્રહણ સમારોહ સવારે 11.27 વાગ્યે વિજયવાડાના બહારના વિસ્તાર કેસરપલ્લીમાં ગન્નાવરમ એરપોર્ટની સામે મેધા આઈટી પાર્ક પાસે યોજાશે, જેમાં તેલુગુ દેશમ પાર્ટીના પ્રમુખ શપથ લેશે. આ શપથ ગ્રહણમાં ચંદ્રબાબુ નાયડુની સાથે જનસેના પ્રમુખ પવન કલ્યાણ, TDP ચીફના પુત્ર નારા લોકેશ અને 22 અન્ય નેતાઓ પણ નાયડુની સાથે શપથ લે તેવી શક્યતા છે.

નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના સૂત્રોના જણાવ્યા અનુસાર પવન કલ્યાણને નાયબ મુખ્યમંત્રી પદની ઓફર કરવામાં આવી છે. જનસેનાને ત્રણ કેબિનેટ મંત્રી પદ અને ભાજપને એક મંત્રી પદની ઓફર કરવામાં આવી રહી છે. આંધ્ર પ્રદેશ એસેમ્બલી (175)ની સભ્ય સંખ્યા અનુસાર, કેબિનેટમાં મુખ્યમંત્રી સહિત 26 મંત્રીઓ હોઈ શકે છે. મંગળવારે તેલુગુ દેશમ ધારાસભ્ય પક્ષ અને NDA ઘટક પક્ષોએ નાયડુને તેમના નેતા તરીકે પસંદ કર્યા હતા. ધારાસભ્યોને સંબોધતા નાયડુએ કહ્યું હતું કે તેઓ અમરાવતીને આંધ્ર પ્રદેશની એકમાત્ર રાજધાની તરીકે વિકસાવવા માટે પ્રતિબદ્ધ છે.

નાયડુએ કહ્યું હતું કે, તમારા બધાના સમર્થનથી હું (મુખ્યમંત્રી તરીકે) શપથ લઈ રહ્યો છું અને આ માટે હું તમારા બધાનો આભાર વ્યક્ત કરું છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ સમારોહમાં આવી રહ્યા છે. રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદી સવારે 10.40 વાગ્યે ગન્નાવરમ એરપોર્ટ પહોંચશે અને સવારે 10.55 વાગ્યે સ્થળ પર પહોંચશે. તેઓ બપોરે 12.45 વાગ્યે ભુવનેશ્વર જવા રવાના થાય તેવી શક્યતા છે. આંધ્રપ્રદેશમાં એનડીએમાં ટીડીપી, ભાજપ અને જનસેના સામેલ છે. એનડીએને 164 બેઠકો સાથે વિધાનસભામાં સંપૂર્ણ બહુમતી મળી છે.