કુવૈતમાં 6 માળની એક ઈમારતમાં ભીષણ આગ લાગતા 41 લોકોનાં મોત, 50થી વધુ લોકો ઘાયલ

kuwait-fire

ભારતીય દૂતાવાસ આવ્યું એક્શનમાં, કુવૈતમાં ભારતીય દૂતાવાસે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો
આગને લીધે ભયનો માહોલ સર્જાયો, ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા
વિદેશ મંત્રી એસ.જયશંકરે ટવિટ કરી કુવૈત અગ્નિકાંડ મુદ્દે ઊંડા શોકની લાગણી દર્શાવી

ગલ્ફ કન્ટ્રી કુવૈતના દક્ષિણ શહેર મંગફમાં બુધવારે એક ઇમારતમાં ભીષણ આગ લાગી ગઇ હતી. વહેલી સવારે ઈમારતમાં અચાનક આગ લાગતા તેમાં 41 લોકો માર્યા ગયા છે. જેમાં 40 ભારતીય હોવાનું પણ સામે આવ્યું છે. ઈમારતમાં વહેલી સવારે અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસમાં ગભરાટનો માહોલ છવાયો હતો. ઘટનાને પગલે ફાયર વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. અહેવાલ અનુસાર આગની આ ઘટનામાં અનેક ફ્લોર તેની લપેટમાં આવી ગયા હતા.

https://x.com/AymanMatNews/status/1800792852303118648

અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ બુધવારે પરોઢિયે કુવૈતના દક્ષિણી અહમદી પ્રાંતના મંગાફ વિસ્તારમાં છ માળની ઈમારતમાં કિચનમાં લાગી હતી. આગ લાગવાના કારણોની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ બિલ્ડિંગમાં આશરે 160 લોકો રહેતાં હતાં. જે એક જ કંપનીના કર્મચારીઓ હતા. કુવૈતમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું કે ભારતીય મજૂરો સાથે સંકળાયેલી આગની દુ:ખદ ઘટના અંગે દૂતાવાસે એક ઈમરજન્સી હેલ્પલાઈન નંબર +965-65505246 શરૂ કર્યો છે. તમામ લોકોને વિનંતી છે કે તેઓ માહિતી અપડેટ માટે હેલ્પલાઇન સાથે જોડાવ. દૂતાવાસ તમામ પ્રકારની મદદ કરશે.

ભારતીય રાજદૂત ઈજાગ્રસ્તોને મળ્યા

કુવૈતમાં ભારતના રાજદૂત આદર્શ સ્વૈકાએ અલ-અદન હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જ્યાં આગના ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા 30થી વધુ ભારતીય મજૂરોને દાખલ કરવામાં આવ્યા છે. તેઓ દર્દીઓના ખબર-અંતર પૂછ્યા હતા. તેમને ભારતીય દૂતાવાસ તરફથી પૂરતી મદદનું આશ્વાસન આપ્યું હતું. હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે તમામની સ્થિતિ સારી છે.

જે ઈમારતમાં આગ લાગી છે તે 6 માળની ઈમારતમાં ભારતના દક્ષિણ ભાગમાં આવેલા મલયાલમ લોકોની મોટી વસ્તી રહે છે. મૃતકોમાં બે તમિલનાડુ અને બે ઉત્તર ભારતના હતા. જો કે, સત્તાવાળાઓ તરફથી સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે.

માહિતી અનુસાર મૃત્યુ પામનારા ભારતીય નાગરિકો કેરળના હોવાનું સામે આવ્યું છે. કુવૈતની ઓથોરિટીએ કહ્યું કે અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ અને આગ લાગવાના કારણો જાણવાના પ્રયાસો થઇ રહ્યા છે.

કુવૈતના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, તમામ ઘાયલ લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે. ઘાયલોમાંથી કેટલાકની હાલત ગંભીર છે, મંત્રાલયે જણાવ્યું હતું કે તબીબી ટીમો બિલ્ડિંગમાં લાગેલી આગમાં ઘાયલ થયેલા લોકોને યોગ્ય તબીબી સંભાળ પૂરી પાડવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.

દરમિયાન વિદેશ પ્રધાન આ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. કુવૈતમાં ભારતીય દૂતાવાસે અસરગ્રસ્ત લોકોની મદદ માટે હેલ્પલાઇન નંબર પણ શરૂ કર્યો છે. એસ જયશંકરે પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે. ”જે લોકોએ દુ:ખદ ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના. જેઓ ઘાયલ થયા છે તેઓને જલ્દી અને સંપૂર્ણ સ્વસ્થ થવાની કામના. અમારું એમ્બેસી આ સંબંધમાં તમામ સંબંધિતોને સંપૂર્ણ મદદ કરશે. એમ્બેસી તમામ શક્ય સહાય આપવા માટે પ્રતિબદ્ધ છે. ” વિદ્શ પ્રધાને એમ પણ જણાવ્યું હતું કે કુવૈતમાં ભારતીય રાજદૂતે કેમ્પની મુલાકાત લીધી છે જ્યાં ઘાયલ કામદારોની સંભાળ રાખવામાં આવી રહી છે.

અહેવાલો અનુસાર બુધવારે સવારે 4.30 વાગ્યે લેબર કેમ્પના રસોડામાં આગ લાગી હતી. કેટલાક લોકો આગ જોઈને એપાર્ટમેન્ટમાંથી બહાર કૂદીને મૃત્યુ પામ્યા હતા, જ્યારે અન્ય લોકો બળી અને ધૂમાડાને કારણે ગૂંગળામણને કારણે મૃત્યુ પામ્યા હતા. આગ એટલી ભીષણ હતી કે સમગ્ર ઈમારત બળીને ખાખ થઈ ગઈ હતી.