સ્કૂલ વાનના ભાડામાં રૂ. 200 અને રિક્ષાભાડામાં રૂ. 100નો વધારો

schoolVaan

બાળકોને સ્કૂલે મોકલવા હવે વધુ મોંઘાં પડશે, વાલીઓ પર વધુ એક મોંઘવારીનો માર
RTO રજિસ્ટ્રેશન, ફિટનેશન પાર્સિંગનો 50 હજાર સુધીનો બોજો આવતા ભાવ વધારવાનો નિર્ણય લેવાયો

13 જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય એ પહેલા જ અમદાવાદમાં વાલીઓ પર વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે. આ વર્ષથી સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાના ભાડામાં અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા વધારો કરવા નિર્ણય કર્યો છે. જે મુજબ સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાના ભાડામાં 20 ટકાનો વધારો કરાયો છે. RTO રજિસ્ટ્રેશન, ફિટનેશન પાર્સિંગનો રૂપિયા 50 હજાર સુધીનો બોજો આવતા ભાવ વધારો કરવામાં આવ્યો છે તેવું અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને જણાવ્યું છે.

આજે અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિયેશનની બેઠક મળી હતી, જેમાં રીક્ષા ભાડું અને સ્કૂલ વાનના ભાડા વિશે આ નિર્ણય લીધો છે. નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલ વાનના ₹200 અને કુલ રિક્ષામાં ₹100 નો વધારો કર્યો છે. એટલે કે વાલીઓએ મિનિમમ રિક્ષા ભાડું ₹650ને બદલે 750 જ્યારે સ્કૂલ વાનનું મિનિમમ ભાડું 1,000 ને બદલે 1200 રૂપિયા ચૂકવવાના થશે.

ત્રણ વર્ષ બાદ સ્કૂલ રીક્ષા ભાડું અને સ્કૂલ વાનના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે.
સ્કૂલ-રિક્ષાનાં ભાડામાં વધારો
સ્કૂલ રિક્ષામાં એક કિમી સુધીનું ભાડુ પ્રતિ મહિને 650 રૂપિયાથી વધારી 750 રૂપિયા જ્યારે 2 કિમી સુધીનું ભાડુ 750 રૂપિયાથી વધારી 850 રૂપિયા તેમજ 5 કિમીનું ભાડુ 1050 રૂપિયાથી વધારી 1150 રૂપિયા કરવામાં આવ્યા છે.

સ્કૂલ-વાનનાં ભાડામાં વધારો
સ્કૂલ-વાનમાં એક કિમી સુધીનું ભાડુ પ્રતિ માહ રૂપિયા 1000થી વધારી 1200 રૂપિયા તેમજ 5 કિમીના રૂપિયા 1800થી વધારી 2000 રૂપિયા કરવામાં આવ્યા છે. નવા શૈક્ષણિક સત્રથી નવો ભાવ વધારો અમલી કરાયો છે.

આરટીઓના ખર્ચ વીમો સ્પેરપાર્ટ તેમજ મોંઘવારીના કારણે વધારો કરાયો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજકોટની ઘટના બાદ RTO કચેરીઓમાં સ્કૂલવર્ધીના વાહનોની ફિટનેસની કામગીરીમાં નિયમોનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. સોમવારે ઘણી RTOએ નિયમો ન જાળવતા વાહનો પરત કાઢતા વિવાદ વકર્યો હતો, ક્યાંક ઘર્ષણના કિસ્સા પણ બન્યા હતા, જેના કારણે સ્કૂલવર્ધી એસોસિએશનની ચિંતા વધી ગઈ છે. હાલ સ્કૂલવર્ધી વાહનચાલક 20 કિમીની સ્પીડે વાહન ચલાવવાની એફિડેવિટ રજૂ કરનારના જ RTOમાં ફિટનેસ કરી અપાય છે. એફિડેવિટ નહીં આપનારને વાહનનું ફિટનેસ કરી અપાતું નથી.

રાજ્યમાં સ્કૂલવાન અને રિક્ષાચાલક માટે કડક નિયમો રાખવામાં આવ્યા છે, જેમાં વાહન પાસીંગ ફરજિયાત કરવામાં આવ્યું છે ત્યારે સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા વાહન વ્યવહાર કમિશનરને પત્ર લખીને માંગ કરવામાં આવી છે કે, સ્કૂલ શરૂ થવા જઇ રહી છે ત્યારે વાહન પાસિગની મુદત વધારવામાં આવે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનએ વાહન વ્યવહાર વિભાગને આવેદન પત્ર આપ્યું છે. જેમાં સ્કૂલ વર્ધીના વાહનોમાં ફિટનેસ સર્ટિફિકેટ લેવા સમય વધારી આપવા માંગ કરાઈ છે. અમદાવાદમાં 15 હજાર વાહનો હોવાથી ફિટનેસની કામગીરી ઝડપી કરવા એસોસીએશને રજૂઆત કરી છે.