દ્વારકાના દરિયાકાંઠેથી રૂ.16 કરોડની કિંમતનું 32 કિલો ચરસ ઝડપાયુ, ડ્રગ્સનો જથ્થો ક્યાંથી આવ્યો તે દિશામાં તપાસ શરૂ

dwarka-charas

દ્વારકા અને વરવાળા વચ્ચે બિનવારસી 30 ચરસના પેકેટ પોલીસને મળી આવ્યો

સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી અવારનવાર ડ્રગ્સ પકડાય છે. ગત સપ્તાહે જ ગાંધીધામ નજીક દરિયાકાંઠેથી કરોડોના કિંમતના ડ્રગ્સના બિનવારસી પેકેટ મળી આવ્યા હતા, ત્યારે ફરી એકવાર આજે દ્વારકાના દરિયાકાંઠેથી એસઓજી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન 32 કિલો ચરસ મળી આવ્યું છે. જેની કિંમત આસરે 16 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહી છે. પોલીસે ચરસના 30 પેકેટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

મહત્ત્વનું છે કે, ડ્રગ્સ માફિયાઓએ હવે નવો પેતરો અપનાવ્યો છે. જેમાં ઈન્ટરનેશનલ સી બોર્ડર પરથી ડ્રગ્સના પેકેટ પ્લાસ્ટીકની કોથળીમાં પેક કરી દરિયામાં ફેંકી દેવામાં આવે છે જે તણાઈને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે પહોંચ્યા બાદ ડ્રગમાફિયાઓના એજન્ટો દ્વારા ડ્રગ્સના આ પેકેટો મેળવી પંજાબ, મુંબઈ સહિતના શહેરોમાં વેચી નાખવામાં આવતું હોવાનું એક નેટવર્ક ચાલી રહ્યું છે.

ગઈકાલે રાત્રે દ્વારકા નજીક દરિયામાં ફેંકી દેવાયેલ ડ્રગ્સના પેકેટો તણાઈને રૂપેણ બંદરથી લઈને વરવાળા ગામ વચ્ચે પહોંચ્યા હતાં. મોડી રાત્રે દરિયાયી કાંઠે ડ્રગ્સના પેકેટો તણાઈને આવ્યા હોવાની પોલીસને જાણ થતાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરી દ્વારકાથી લઈને રૂપેણ બંદર વચ્ચે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું.

દ્વારકાના વરવાળા પાસેથી બિનવારસી હાલતમાં ડ્રગ્સના 30 પકેટ ઝડપાયા છે,32 કિલો વજન ધરાવતો ડ્રગ્સનો જથ્થો દરિયા કિનારે બિનવારસી હાલતમાં પડયો હતો,આ ડ્રગ્સની અંદાજિત કિંમત 30 કરોડ જેટલી થાય છે.ડ્રગ્સનો આ જથ્થો ક્યાંથી આવ્યો આટલો જથ્થો હતો કે હજુ પણ વધારે હોઈ શકે તે સહિતની તમામ બાબતોનું રૂપેણ બંદર વરવાળા તેમજ બેટ દ્વારકામાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.SOG તેમજ દ્વારકા પોલીસની ટીમો દ્વારા બંદર વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે, કચ્છના ગાંધીધામ નજીક દરિયાયી કાંઠેથી બાવળની જાળીમાંથી કરોડો રૂપિયાની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું હતું. જેના હજુ સુધી કોઈ આરોપીઓ પકડાયા નથી.