T20 World Cup 2024: અમેરિકાએ પાકિસ્તાનને સુપર ઓવરમાં હરાવીને અપસેટ સર્જ્યો

usa-beat-pakistan

160 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી અમેરિકન ટીમે 3 વિકેટે 159 રન બનાવીને મેચ ટાઈ કરી હતી
પાકિસ્તાને હવે 9 જૂને ભારતનો સામનો કરવાનો છે ત્યારે હવે તેના માટે ભારત સામેની મેચ કરો યા મરો જેવી બની ગઈ છે

T20 વર્લ્ડ કપ 2024માં, પાકિસ્તાન તેની પ્રથમ મેચમાં ખરાબ રીતે હારી ગયું. પાકિસ્તાન અને અમેરિકા વચ્ચેની પ્રથમ મેચનો નિર્ણય સુપર ઓવરમાં થયો હતો. ડલાસમાં રમાયેલી મેચમાં પોતાનો પહેલો T20 વર્લ્ડ કપ રમી રહેલા અમેરિકાએ સુપર ઓવરમાં પાકિસ્તાનને હરાવીને T20 વર્લ્ડ કપ 2024નો પહેલો અપસેટ સર્જ્યો હતો. પાકિસ્તાને અમેરિકાને 160 રનનો ટાર્ગેટ આપ્યો હતો. અમેરિકાએ 159 બનાવ્યા. જેથી મેચ ટાઈ થતા સુપર ઓવરમાં પાકિસ્તાનને 19 રન પણ બનાવવા દીધા ન હતા અને મેચ જીતીને તેણે તેના ક્રિકેટ ઇતિહાસની સૌથી મોટી જીત નોંધાવી હતી.

સુપર ઓવરમાં અમેરિકાના જોન્સે પહેલા બોલે પાકિસ્તાનના વર્લ્ડ ક્લાસ ફાસ્ટ બોલર મોહમ્મદને 4 રન ફટકાર્યા હતા. આમિરે 3 વાઈડ બોલિંગ કરી. આમ આવી રીતે USAનો સ્કોર 18 રન સુધી પહોંચી ગયો. હવે પાકિસ્તાન સામે 19 રનનો ટાર્ગેટ હતો. બોલિંગમાં સૌરભ નેત્રાવલકર કે જે 2010માં ભારત તરફથી અંડર-19 રમી ચૂક્યો હતો. તેણે માત્ર એક બાઉન્ડરી આપી. પાકિસ્તાનના ઈફ્તિખાર, ફખર જમાન અને શાદાબ માત્ર 13 રન બનાવી શક્યા હતા. આ રીતે યજમાન અમેરિકાએ 2009ના ચેમ્પિયન પાકિસ્તાનને સુપર ઓવરમાં 5 રનથી હરાવ્યું હતું.

પાકિસ્તાનને છેલ્લા 2 બોલમાં 9 રનની જરૂર હતી પરંતુ નેત્રાવલકરે માત્ર 3 રન આપીને પાકિસ્તાનને 13 રન પર રોકીને ઈતિહાસ રચ્યો હતો.

પાકિસ્તાનની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને પાવરપ્લેમાં જ 3 વિકેટ ગુમાવી દીધી હતી.પાવરપ્લેમાં પાકિસ્તાની ટીમ માત્ર 30 રન જ બનાવી શકી હતી જેમાંથી બાબરે 14 બોલમાં માત્ર 4 રન બનાવ્યા હતા. બાબરને તેની પ્રથમ બાઉન્ડ્રી ફટકારવા માટે 25 બોલની રાહ જોવી પડી હતી.

શાદાબ અને બાબરે મળીને 72 રનની મહત્વની ભાગીદારી કરી અને ટીમને 13મી ઓવરમાં 98 રન સુધી પહોંચાડી દીધી. અહીં શાદાબ અને આઝમ ખાન સતત બોલ પર આઉટ થયા હતા. થોડી જ વારમાં બાબર આઝમ પણ પેવેલિયન પરત ફર્યો. અંતે શાહીન શાહ આફ્રિદી (23) અને ઈફ્તિખાર અહેમદ (18)એ કેટલાક ઝડપી રન બનાવ્યા અને કોઈક રીતે ટીમને 160 રન સુધી લઈ ગઈ. અમેરિકા માટે, સ્પિનર ​​નોસાતુશ કેન્ઝિગેએ સૌથી વધુ 3 વિકેટ લીધી જ્યારે સૌરભ નેત્રાવલકરે સૌથી વધુ આર્થિક બોલિંગ કરી અને માત્ર 18 રન આપીને 2 વિકેટ લીધી.

જ્યારે બીજી બાજુ યુએસએની શરૂઆત સારી રહી હતી. સ્ટીવન ટેલર (12) અને કેપ્ટન મોનાંક પટેલે પ્રથમ વિકેટ માટે 5 ઓવરમાં 36 રન જોડ્યા, ત્યારબાદ નસીમ શાહને ટેલરની વિકેટ મળી. કેપ્ટન પટેલે છેલ્લી મેચના હીરો અદ્રિંજ હાઉસ સાથે જબરદસ્ત ભાગીદારી કરી હતી. બંને વચ્ચે 68 રનની પાર્ટનરશિપ થઈ હતી, જેણે અમેરિકાને 13 ઓવરમાં 100 રનથી આગળ કરી દીધું હતું.

મોનાંક (50)એ માત્ર 36 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. અહીંયા જ હરિસ રઉફે હાઉસને આઉટ કરીને પાકિસ્તાન માટે વાપસી કરી હતી અને મોહમ્મદ અમીરે મોનાંકને આઉટ કર્યો હતો. ત્યારબાદ એરોન જોન્સ (અણનમ 36) અને નીતિશ કુમાર ક્રિઝ પર હતા. અમેરિકાને છેલ્લી ઓવરમાં 15 રનની જરૂર હતી પરંતુ હરિસ રઉફ ટીમને જીતાડી શક્યો ન હતો અને 14 રન આપીને મેચ ટાઈ કરી હતી.