એનડીએની સંયુક્ત બેઠકમાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મારા માટે ખુશીની વાત છે કે મને આજે આટલા સમૂહોનું સ્વાગત કરવાની તક મળી છે. જે મિત્રો જીત્યા છે તેઓ અભિનંદનને પાત્ર છે. લાખો શ્રમિકોએ દિવસ-રાત મહેનત કરી છે. આટલી ગરમીમાં દરેક પક્ષના કાર્યકર્તાઓએ કરેલી મહેનત અને પરિશ્રમ માટે આજે અમે બંધારણ સભાના સેન્ટ્રલ હોલ તરફથી માથું નમાવીને સલામ કરીએ છીએ.
લોકસભા ચૂંટણી 2024ના પરિણામ બાદથી ભાજપ એનડીએ ગઠબંધન હેઠળ ફરી એકવાર વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી બિરાજિત થવાની તૈયારી કરી રહ્યા છે. શુક્રવારે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની બેઠકમાં નરેન્દ્ર મોદીને ત્રીજી વખત સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. સંસદના સેન્ટ્રલ હોલમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAના નવા ચૂંટાયેલા સાંસદોની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠક બાદ એનડીએ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. સંસદીય દળના નેતા નરેન્દ્ર મોદીએ સભાને સંબોધી અને સહયોગી પક્ષોનો આભાર માન્યો.
એનડીએના નેતા તરીકે ચૂંટાયા બાદ નરેન્દ્ર મોદી માટે સતત ત્રીજી વખત વડાપ્રધાન બનવાનો રસ્તો સાફ થઈ ગયો છે. તેઓ દેશના બીજા નેતા બનશે જે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. આ પહેલા આ રેકોર્ડ પંડિત જવાહર લાલ નેહરુના નામે હતો. પીએમ પદના શપથ લેતાની સાથે જ મોદી આ રેકોર્ડની બરાબરી કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શું બોલ્યાં?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનડીએના તમામ સહયોગી પક્ષો અને ભાજપના કરોડો કાર્યકરોનું અભિનંદન કર્યું હતું. એનડીએ નેતા તરીકે હું ચૂંટાયો તે બદલ આપ સૌનો આભાર. 2019માં એનડીએ નેતા તરીકે ચૂંટાયો ત્યારે મેં એક શબ્દ કહ્યો હતો – વિશ્વાસ. આજે દર્શાવે છે કે આપણી સૌ વચ્ચે આ વિશ્વાસ કાયમ છે. એનડીએને 22 રાજ્યોમાં સરકાર બનાવી લોકોએ સેવા કરવાની તક આપી. મોદીએ કહ્યું કે મારા માટે આ ભાવુક ક્ષણ છે. દેશને આગળ લઈ જવામાં કોઈ કસર નહીં છોડીએ. એનડીએને તેમણે શુદ્ધરૂપે ઓર્ગેનિક ગઠબંધન ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે એનડીએના કેન્દ્રમાં ગરીબનું કલ્યાણ છે. સરકારની જેટલી દખલ ઓછી તેટલી લોકશાહી મજબૂત થાય છે. મારા માટે બધા એક સમાન છે. સરકાર ચલાવવા બહુમત ખૂબ જ જરૂરી છે. અમે દેશને આગળ લઈ જવામાં કોઈ કસર નહીં છોડીએ.
જે મિત્રો જીત્યા છે તેમને અભિનંદન
NDAની સંયુક્ત બેઠકમાં મોદીએ કહ્યું, મારા માટે ખુશીની વાત છે કે મને આજે આટલા મોટા સમૂહનું સ્વાગત કરવાની તક મળી છે. જે મિત્રો જીત્યા છે તેઓ અભિનંદનને પાત્ર છે. લાખો કામદારોએ રાત-દિવસ મહેનત કરી છે. આટલી ગરમીમાં દરેક પક્ષના કાર્યકર્તાઓએ કરેલી મહેનત અને પરિશ્રમ માટે આજે અમે બંધારણ સભાના સેન્ટ્રલ હોલ તરફથી માથું નમાવીએ છીએ અને સલામ કરીએ છીએ.
આગામી 10 વર્ષમાં વિકાસનો નવો અધ્યાય લખીશું: મોદી
નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતું, કે ‘અમે આગામી 10 વર્ષમાં સુશાસન, વિકાસ, સામાન્ય માનવીના જીવનમાં સરકારની જેટલી ઓછી દખલ હોય એ રીતે કામ કરવા માટે પ્રયાસ કરીશું. આ જ લોકશાહીની તાકાત છે. અમે વિકાસનો નવો અધ્યાય લખીશું. અમે સૌ સાથે મળીને વિકસિત ભારતના સપનાને સાકાર કરીશું.’
કોંગ્રેસ 100 બેઠકો પણ જીતી ન શકી: મોદી
નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું હતું, કે ‘કોંગ્રેસ 10 વર્ષ બાદ પણ 100 બેઠકોના આંકડાને પાર કરી શકી નથી. 2014, 2019, 2024ની ચૂંટણીમાં કોંગ્રેસ જીતેલી બેઠકો ભેગી કરી નાંખો તેનાથી પણ વધારે બેઠકો ભાજપને મળી છે.
નામ બદલી લેવાથી UPAના કૌભાંડો નહીં ભૂલાય: મોદી
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, કે NDAને જ્યારે પણ મોકો મળે ત્યારે તે સ્થિર સરકાર સાથે દેશની સેવા કરે છે. યુપીએ ગઠબંધન કૌભાંડો માટે જાણીતું છે. નામ બદલી લેવાથી દેશ તેમના કૌભાંડોને ભૂલી નહીં જાય.
10 વર્ષમાં જે કામ થયા એ તો માત્ર ટ્રેલર: મોદી
નરેન્દ્ર મોદીએ આગામી સરકારના વિઝનને લઈને કહ્યું હતું, કે NDA પર દેશનો અતૂટ વિશ્વાસ છે. લોકોની અપેક્ષાઓ હજુ વધશે. 10 વર્ષમાં જે કામ થયા એ તો માત્ર ટ્રેલર છે. હવે આપણે હજુ તેજીથી કામ કરવું પડશે. જનતા ઈચ્છે કે આપણે જૂના તમામ રેકોર્ડ તોડી નાંખીએ.
EVMને લઈને I.N.D.I.A. પર કર્યા આકરા પ્રહાર
4 જૂન પહેલા વિપક્ષ સતત EVMને ગાળો આપી રહ્યું હતું. મને લાગતું હતું કે આ વખતે આ લોકો ઈવીએમની અર્થીનું સરઘસ કાઢશે, પરંતુ ઈવીએમએ તેને ચૂપ કરી દીધા. આ ભારતની લોકશાહીની તાકાત છે.
આ મારા માટે ભાવનાત્મક ક્ષણ છેઅગાઉ મોદીએ કહ્યું હતું કે, જ્યારે તમે બધા મને ફરી એકવાર આ જવાબદારી આપો છો, ત્યારે તે સાબિત કરે છે કે અતૂટ સંબંધ અને વિશ્વાસ મજબૂત જમીન પર છે અને આ મારા માટે સૌથી મોટી સંપત્તિ છે. આ ક્ષણો મારા માટે ભાવનાત્મક પણ છે. હું તમારા બધાનો પૂરતો આભાર માની શકતો નથી. અમારું જોડાણ ખરેખર ભારતના આત્માનું પ્રતિબિંબ છે, તેના મૂળમાં રહેલું છે. દેશમાં આવા 10 રાજ્યો છે, જ્યાં આપણા આદિવાસી ભાઈઓ અસરકારક રીતે સંખ્યામાં છે. તે નિર્ણાયક રીતે છે. NDA 7 રાજ્યોમાં સેવા આપી રહ્યું છે જ્યાં આદિવાસીઓની સંખ્યા વધુ છે. અમે સંપૂર્ણ સમર્પણ સાથે સમર્પિત છીએ. ગોવા હોય કે ઉત્તર પૂર્વ, જ્યાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમુદાય રહે છે, એનડીએને તે રાજ્યોમાં પણ સેવા કરવાની તક મળી છે.