કેન્દ્રમાં NDAની સરકાર બનવાનું નિશ્ચિત થતાં શેરબજાર ભારે ઉછાળા સાથે બંધ

sensex-high

રોકાણકારોને રાજકીય સ્થિરતા અને સાતત્યમાં વિશ્વાસ અપાવતા બે મુખ્ય સાથીઓએ ભાજપને નવી સરકાર બનાવવા સમર્થન આપતા માર્કેટમાં ઉછાળો આવ્યો

બુધવારના ટ્રેડિંગ સેશન દરમિયાન ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. લોકસભા ચૂંટણી 2024માં એનડીએને ટીડીપીએ સમર્થન આપતાં તેમજ જેડીયુનું પણ સંપૂર્ણપણે સહકાર આપવાની ખાતરી મળતાં શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સે ફરી પાછી 74 હજારની સપાટી પાછી મેળવી લીધી છે. નિફ્ટી પણ 22500નું લેવલ ક્રોસ કરી મજબૂતી સાથે આગેકૂચ કરી છે. સેન્સેક્સ 2303 પોઈન્ટના ઉછાળા સાથે 74,382.24 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 3.36 ટકાના વધારા સાથે 22,620.35 પર બંધ થયો હતો.

આજના કારોબાર દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં 2 ટકાનો વધારો થયો છે. બજાર ખુલતાની સાથે જ અદાણીના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ બાદમાં ગ્રુપના શેરમાં 5 ટકા સુધીનો વધારો થયો હતો. સેશનના અંતે સેન્સેક્સ 2303.19 પોઈન્ટ ઉછળી 74382.24 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 22670.40ના ઈન્ટ્રા ડે હાઈ લેવલ સાથે 735.85 પોઈન્ટ ઉછાળી 22620.35 પર બંધ રહ્યો હતો.

સેન્સેક્સમાં ગઈકાલે 4300 પોઈન્ટના ગાબડાં સાથે રોકાણકારોને 31.26 લાખ કરોડનું નુકસાન થયું હતું. જેમાંથી આજે 13.23 લાખ કરોડ રિકવર થઈ ગયા છે. રોકાણકારોને રાજકીય સ્થિરતા અને સાતત્યમાં વિશ્વાસ અપાવતા બે મુખ્ય સાથીઓએ ભાજપ સાથે નવી સરકાર બનાવવાનું વચન આપ્યું હોવાથી ઉતાર-ચઢાવ આવ્યા હતા.

ભાજપ ફરી સત્તા પર રહેવાની સ્પષ્ટતા સાથે ખરીદી વધી. એનડીએને જેડીયુનું સમર્થન મળવાની ખાતરી અને એનડીએની ફરી પાછી સરકાર બનવા મામલે સ્પષ્ટતા થયા બાદ થોડી જ મિનિટોમાં બેન્ક નિફ્ટી ઇન્ડેક્સ 48,000 ની ઇન્ટ્રાડે ઉચ્ચ સપાટીને સ્પર્શી ગયો હતો. ટીડીપીના નેતા એન ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે તેઓ નિશ્ચિતપણે એનડીએ સાથે છે. તેમણે કહ્યું કે આંધ્ર પ્રદેશના મતદારોએ વધુ સારા આંધ્ર માટે અમને સહકાર આપ્યો છે, અને TDP અને ભાજપ બંને મતદારોની અપેક્ષાઓ પર ખરા ઉતરવા સાથે મળીને કામ કરશે.