કોરોના મહામારી પછી અત્યાર સુધીનો આ સૌથી મોટો ઘટાડો
BSE સેન્સેક્સ 4389 પોઈન્ટના ઘટાડા સાથે 72,073.93 પર, જ્યારે NSE નિફ્ટી 1379.40 પોઈન્ટના ઘટાડા સાથે 21,884.50 પોઈન્ટ પર બંધ રહ્યો હતો
રોકાણકારોએ એક દિવસમાં સૌથી વધુ 45 લાખ કરોડથી રુપિયા વધુ ગુમાવ્યા હતા
લોકસભા ચૂંટણી 2024ના પરિણામોએ એક્ઝિટ પોલને ખોટો ઠેરવતાં શેરબજાર આજે પત્તાના મહેલની જેમ કડડભૂસ થયુ હતું. શેરબજારમાં એવી સુનામી આવી હતી કે બીએસઈ સેન્સેક્સ 6000 પોઈન્ટ તૂટ્યો હતો, જ્યારે એનએસસી નિફ્ટી 1900 પોઈન્ટથી વધુ ઘટી ગયો હતો. કોરોના મહામારી પછી અત્યાર સુધીનો આ સૌથી મોટો ઘટાડો છે.
સૌથી પહેલા વાત કરીએ શેર બજારની તાજેતરની સ્થિતિની, મંગળવારે બજાર ખુલતાની સાથે જ શરૂ થયેલ ઘટાડાનો ટ્રેન્ડ અટકવાના કોઈ સંકેત દેખાતો નથી. સેન્સેક્સ 1700 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો અને બપોરે 12.20 વાગ્યા સુધીમાં તે 6094 પોઈન્ટ ઘટીને 70,374ની સપાટીએ પહોંચી ગયો હતો. બીજી તરફ નિફ્ટી ઈન્ડેક્સ લગભગ 1947 પોઈન્ટના જંગી ઘટાડા સાથે સરકીને 21,316ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. સોમવારે અગાઉના ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ 2500 પોઈન્ટના વધારા સાથે અને નિફ્ટી 733 પોઈન્ટના વધારા સાથે બંધ થયો હતો.
શા માટે આગલા દિવસે ઉછાળો અને બીજા જ દિવસે ઘટાડો થયો? આની પાછળ ઘણા કારણો છે, ચાલો તેમને વિગતવાર સમજાવીએ…
મંગળવારે શેરબજારમાં આવેલા મોટા ઘટાડા પાછળના કારણોમાં મુખ્ય કારણ વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળની એનડીએને અપેક્ષિત બેઠક ન મળી હોવાનું છે. એક્ઝિટ પોલના અંદાજોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારને 361-401 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી હતી, પરંતુ એક્ઝિટ પોલના અંદાજો ખોટા ઠરતાં રોકાણકારો નિરાશ થયા છે.
શેરબજારમાં ઘટાડાને કારણે રોકાણકારોએ એક દિવસમાં સૌથી વધુ રૂ. 46 લાખ કરોડ ગુમાવ્યા હતા. પીએસયુ, ટાટા, અદાણી, અને રિલાયન્સ ગ્રુપના શેરોમાં મોટા ગાબડાં નોંધાયા છે. ખાસ વાત એ છે કે શેરબજારમાં આવેલો આ મોટો ઘટાડો દેશમાં કોરોના મહામારીના પ્રકોપ દરમિયાન થયેલા ઘટાડા કરતા પણ મોટો છે. તે સમયે સેન્સેક્સ લગભગ 6 ટકા ઘટ્યો હતો અને મંગળવારે સેન્સેક્સ 7.97 ટકા ઘટ્યો હતો, જ્યારે નિફ્ટી 50મા 8.37 ટકાનો ઘટાડો આવ્યો હતો.
આ પહેલીવાર નથી કે ચૂંટણીના પરિણામોથી શેરબજારમાં ભારે મોટો કડાકો નોંધાયો હોય. 2004ની લોકસભા ચૂંટણીમાં વાજપેયી સરકારની હાર સમયે સૌથી ખરાબ શરૂઆત સાથે શેરબજાર ખૂલ્યુ હતુ અને શેર બજારના ઈતિહાસમો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો.