કાળઝાળ ગરમી અને લૂથી લોકોને મળશે રાહત
પશ્ચિમ બંગાળ, આસામ, અરુણાચલ, મેઘાલયમાં ભારે વરસાદનું અનુમાન
દેશમાં હાલ પ્રચંડ ગરમીથી લોકો ત્રસ્ત થઈ રહ્યા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ગરમીથી રાહત મળે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી બે દિવસ ઉત્તર ગુજરાત અને કચ્છ-સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને પાટણમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. જેના કારણે તાપમાનમાં ઘટાડો થશે અને લોકોને ગરમીથી થોડી રાહત મળશે. હવામાન વિભાગે દેશના ચાર રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. પશ્ચિમ બંગાળ, આસામ, અરુણાચલ, મેઘાલયમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, ઉપ-હિમાલય પશ્ચિમ બંગાળ, નાગાલેન્ડ અને સિક્કિમમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો હતો. આ રાજ્યોમાં 2 જૂન સુધી ભારે વરસાદની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન, 115.5-204.4 મીમી વરસાદ નોંધી શકાય છે. 11 જૂન પછી રાજ્યમાં અનેક વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જૂન મહિનાના અંતમાં ચોમાસુ તમામ વિસ્તારમાં શરૂ થઈ જશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પંજાબ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા-ચંદીગઢ-દિલ્હી, બિહાર અને ઓડિશામાં અલગ-અલગ સ્થળોએ 2 જૂન સુધી ગરમીનો પ્રકોપ ચાલુ રહેવાની સંભાવના છે. શનિવારે પૂર્વી ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડમાં વિવિધ સ્થળોએ કાળઝાળ ગરમી પડશે. આ રાજ્યોમાં હિટવેવને લઈને એલર્ટ અપાયું છે. ગરમીના કારણે 270 થી વધુ લોકોના મોત થયા છે.
આગામી 24 કલાક દરમિયાન, લક્ષદ્વીપ, કેરળ, અંદામાન અને નિકોબાર ટાપુઓ, સિક્કિમ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને ઉત્તર પૂર્વ ભારતમાં ધોધમાર વરસાદની સંભાવના છે. તટીય અને દક્ષિણ આંતરિક કર્ણાટક, પૂર્વોત્તર બિહાર, ઓડિશા, ઝારખંડ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને પશ્ચિમ હિમાલયમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આગામી બે દિવસ દરમિયાન ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનમાં ધૂળની ડમરી ઉડે તેવી સંભાવના છે. વિદર્ભ, છત્તીસગઢ અને કોંકણ અને ગોવામાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.