ક્રેડિટ કાર્ડ, આધારકાર્ડ અપડેટ માટે નિયમોમાં ફેરફાર
નવા નિયમ લાગુ થવાથી RTOમાં લાગતી લાંબી લાઈનોથી છુટકારો મળશે
આજથી જૂન મહિનાની શરૂઆત થઈ ગઈ છે. આજથી દેશમાં ઘણા મોટા ફેરફાર જોવા મળશે, જે સીધા તમારા ખિસ્સા પર અસર કરનાર સાબિત થઈ શકે છે. 1 જૂનની શરૂઆતની સાથે જ ઘણા નવા નિયમ લાગુ થવા જઈ રહ્યા છે તો ઘણા જુના નિયમ બદલાઈ રહ્યાં છે જેની સીધી અસર આપણા જીવન પર પડશે. જે નિયમોમાં ફેરફાર થઈ રહ્યાં છે. તેમાં ડ્રાઈવિંગ લાયસન્સ સૌથી મહત્વનું છે. જો તમે રસ્તા પર ગાડી લઈને નિકળી રહ્યા છો તો આજથી ટ્રાફિક નિયમમાં થયેલ ફેરફાર વિશે જરૂર જાણી લો.
પ્રાઈવેટ ડ્રાઈવિંગ ટ્રેનિંગ સેન્ટર પર જઈને ટેસ્ટ આપી શકશે
માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે ડ્રાઈવિંગ લાયસન્સ માટે નવા નિયમોની જાહેરાત કરી છે. 1 જૂન 2024થી કોઈ પણ વ્યક્તિ પ્રાઈવેટ ડ્રાઈવિંગ ટ્રેનિંગ સેન્ટર પર જઈને પોતાનો ટેસ્ટ આપી શકશે. આ તમામ સેન્ટર ટેસ્ટ લેવા અને સર્ટિફિકેટ ઈશ્યૂ કરવા માટે સરકારથી અધિકૃત કરવામાં આવશે. આ ટેસ્ટ પહેલા માત્ર આરટીઓ ઓફિસોમાં જ થતાં હતાં. નવા નિયમથી RTOમાં લાગતી લાંબી લાઈનોથી છુટકારો મળશે.
25,000નો દંડ ભરવો પડશે
જો તમે ઝડપી ગતિથી ગાડી ચલાવો છો તો 1000 રૂપિયાથી 2000 રૂપિયાનો દંડ આપવો પડશે. જો કોઈ સગીર ગાડી ચલાવતો પકડાઈ ગયો તો તેને 25,000 રૂપિયાનો દંડ આપવો પડશે. સાથે જ ગાડીના માલિકનું રજિસ્ટ્રેશન કેન્સલ થઈ જશે. સગીર વ્યક્તિ 25 વર્ષ સુધી લાયસન્સ ઈશ્યૂ કરાવી શકશે નહીં.
કેન્દ્રીય સરકારે 1 જૂનથી ડ્રાઈવિંગ લાયસન્સ અરજી અને રિન્યૂ કરવા માટે સંબંધિત ચાર્જમાં પણ ફેરફાર કર્યા છે. નવા નિયમ હેઠળ પરમનેન્ટ ડ્રાઈવિંગ લાયસન્સ કે લર્નિંગ લાયસન્સ પ્રાપ્ત કરવા કે પછી રિન્યૂ કરવા માટે 200 રૂપિયાનો ચાર્જ આપવા પડશે.
નવા નિયમો દ્વારા સરકાર લગભગ 900000 જૂના વાહનોને હટાવવા ઈચ્છે છે. સરકાર વધતા પ્રદૂષણ પર નિયંત્રણ કરવા માટે આ પ્રયત્ન કરી રહી છે.
આધાર કાર્ડ અપડેટ કરાવવાની તારીખ
જો તમે પોતાનું આધાર કાર્ડ અપડેટ કરાવવા ઈચ્છો છો તો 14 જૂન સુધી તેને કરાવી લો. કોઈ પણ સરળતાથી ઓનલાઈન આધારકાર્ડ અપડેટ કરાવી શકે છે. ઓફલાઈન પસંદ કરવા પર વ્યક્તિને 50 રૂપિયાનો દંડ આપવો પડશે.
SBI ક્રેડિટ કાર્ડ પર રિવોર્ડ પોઈન્ટ મળશે નહીં
તાજેતરમાં જ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા કાર્ડે પોતાના નોટિફિકેશનમાં કહ્યું હતું કે અમુક ક્રેડિટ કાર્ડ્સ પર સરકાર સંબંધિત લેવડ-દેવડ પર રિવોર્ડ પોઈન્ટ મળશે નહીં. આ નિયમ આજે એટલે કે 1 જૂનથી લાગુ થઈ ગયો છે. બેન્કે આવા ક્રેડિટ કાર્ડ્સની પૂરી લિસ્ટ જાહેર કરી છે.