દિનેશ કાર્તિકે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી લીધી નિવૃત્તિ, સોશિયલ મીડિયા પર કરી ઈમોશનલ પોસ્ટ

DineshKarthik

દિનેશ કાર્તિકની આંતરરાષ્ટ્રીય કારકિર્દી 2004માં શરૂ થઈ હતી અને લગભગ 20 વર્ષ બાદ તેણે હવે ક્રિકેટને અલવિદા કહી દીધું છે.

ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકે અચાનક ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. વિકેટકીપર બેટર કાર્તિકે તેના 1 જૂન (શનિવાર)ના રોજ તેના 39માં જન્મદિવસે નિવૃત્તિ લેવાની જાહેરાત કરી. હાલમાં જ કાર્તિક IPL સિઝનમાં RCB માટે રમતો જોવા મળ્યો હતો. IPL 2024 માં એલિમિનેટર મેચમાં RCBની હાર સાથે, તેણે IPLમાંથી પણ નિવૃત્તિ લીધી હતી. કાર્તિકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેની બે દાયકાથી વધુ લાંબી ક્રિકેટ કારકિર્દીને યાદ કરી છે.

કાર્તિકે X પર લખ્યું હતું કે, ‘છેલ્લા કેટલાક દિવસોમાં મને જે સ્નેહ, સમર્થન અને પ્રેમ મળ્યો છે, તેનાથી હું અભિભૂત છું. મને આટલો સ્નેહ, પ્રેમ આપવા માટે મારા તમામ ચાહકોની હું હૃદયપૂર્વક આભાર માનું છું. ઘણા લાંબા સમયથી તેના વિશે વિચાર્યા બાદ આજે મેં ક્રિકેટમાંથી દૂર જવાનો નિર્ણય કર્યો છે. હું સત્તાવાર રીતે મારી નિવૃતિની જાહેરાત કરુ છું. મારા રમવાના દિવસો પાછળ છોડીને આગળ આવનારા નવા પડકારો માટે તૈયાર થઈ રહ્યો છું.’

https://x.com/DineshKarthik/status/1796888536894873739

કાર્તિકે કહ્યું કે, ‘હું મારા કોચ, કેપ્ટન, પસંદગીકારો, સાથી ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ સભ્યોનો આભાર માનું છું. જેમણે આટલા લાંબા સમયની મારી લાંબી યાત્રાને સુખદ અને આનંદપ્રદ બનાવી છે. હું મારી જાતને ભાગ્યશાળી લોકોમાંથી એક માનું છું, જેને દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી. તેમજ મોટી સંખ્યામાં ચાહકો અને મિત્રોની શુભકામનાઓ મેળવવા માટે હું વધુ ભાગ્યશાળી છું.

કાર્તિક આગળ વધુ લખતા કહે છે કે, ‘આટલા વર્ષોમાં મારા માતા-પિતા મારી તાકાત અને સમર્થનના આધાર સ્તંભ રહ્યા છે, તેમના આશીર્વાદ વગર હું કાંઈ જ નથી. હું મારી પત્ની દીપિકાનો પણ ખૂબ આભારી છું, જે પોતે એક પણ એક વ્યાવસાયિક ખેલાડી છે. આપણી આ મહાન રમતમાં દરેક ચાહકોનો ખૂબ ખૂબ આભાર. તમારા સમર્થન અને શુભકામનાઓ વગર ક્રિકેટ અને ક્રિકેટરોનું કોઈ અસ્તિત્વ નથી હોતું.

દિનેશ કાર્તિકે નવેમ્બર 2004માં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. તેણે 5 સપ્ટેમ્બર 2004ના રોજ લોર્ડ્સમાં ઈંગ્લેન્ડ સામે તેની ODI ડેબ્યૂ કરી હતી. તેણે 1 ડિસેમ્બર 2006ના રોજ જોહાનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકા સામે ટી20માં પ્રવેશ કર્યો હતો. કાર્તિકનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ એમએસ ધોની પહેલા હતું. ધોનીએ ડિસેમ્બર 2005માં ચેન્નાઈમાં શ્રીલંકા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ધોનીની ODI ડેબ્યૂ ડિસેમ્બર 2004માં બાંગ્લાદેશ સામે ચિટાગોંગમાં થઈ હતી. જોકે, ધોની અને ડીકેનું ટી-20 ડેબ્યૂ એ જ મેચમાં થયું હતું, જે દક્ષિણ આફ્રિકા સામે રમાઈ હતી.

દિનેશ કાર્તિકે ભારત માટે 26 ટેસ્ટ મેચમાં 1025 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેણે 57 કેચ અને 6 સ્ટમ્પ પણ લીધા હતા. 94 વનડેમાં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરતી વખતે, તેણે 1752 રન બનાવ્યા, આ દરમિયાન તેણે 64 કેચ અને 7 સ્ટમ્પ પણ લીધા. 60 T20 મેચ રમીને તેણે 686 રન બનાવ્યા, આ ફોર્મેટમાં તેણે 30 કેચ અને 6 સ્ટમ્પિંગ પણ કર્યા.

દિનેશ કાર્તિક પ્રારંભિક સિઝનથી જ આઈપીએલમાં રમનારા ખેલાડીઓમાં સામેલ છે. તેણે 257 મેચમાં 22 અડધી સદીની મદદથી 4842 રન બનાવ્યા છે. કાર્તિક IPLના ઈતિહાસમાં ટોપ 10 રન બનાવનારા ખેલાડીઓમાં સામેલ છે. આ સમયગાળા દરમિયાન કાર્તિકે 147 કેચ અને 37 સ્ટમ્પિંગ પણ કર્યા હતા. કાર્તિકે IPL 2024માં પણ જોરદાર પ્રદર્શન કર્યું હતું અને ફિનિશરની ભૂમિકા ભજવતા 15 મેચમાં 326 રન બનાવ્યા હતા. પોતાના પ્રદર્શનથી કાર્તિકે પોતાને T20 વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મેળવવાની રેસમાં પાછા લાવી દીધા હતા.