રાજકોટના ટાઉન પ્લાનિંગ ઓફિસર અને ફાયર ઓફિસરની પોલીસે કરી પૂછપરછ
ચાલુ મિટિંગમાંથી પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાને ક્રાઇમ બ્રાન્ચે ઉઠાવ્યા
રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં અત્યાર સુધીના સૌથી મોટા અહેવાલ સામે આવ્યા છે. એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીએ નવું ફરમાન જાહેર કરતાં 2021થી અત્યાર સુધીના તમામ ક્લાસ 1 ઓફિસર્સને એસઆઈટી સમક્ષ હાજર થવા માટે આદેશ કરવામાં આવ્યો છે. અગ્નિકાંડમાં જવાબદાર હોય તેવા IAS-IPSને છોડવામાં નહીં આવે અને તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
મળતી માહિતી અનુસાર એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદી સમક્ષ પૂછપરછ હેતુસર કલેક્ટર, પોલીસ અને મ્યુનિસિપલ કમિશનર સહિત તમામ ક્લાસ 1 અધિકારીઓએ પૂછપરછ માટે હાજર રહેવું પડશે. તેમાં 2021થી અત્યાર સુધી ફરજ પર તહેનાત અધિકારીઓને પૂછપરછ માટે હાજર થવાનું ફરમાન જાહેર કરાયું છે અને બધાને સમન્સ મોકલી દેવામાં આવ્યા છે. બધા જ IAS કે IPS અધિકારીને પૂછપરછ કરવા માટે ગૃહરાજ્યમંત્રીએ સ્પષ્ટ સૂચના આપી છે.
આજે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગેમઝોન અગ્નિકાંડમાં મોટી કાર્યવાહી કરવામાં આવી હતી અને રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર અને ફાયર ઓફિસરની અટકાયત કરવામાં આવી છે. પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ. ડી.સાગઠિયાની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચાલુ મિટિંગમાંથી અટકાયત કરવામાં આવી છે અને હાલ તેઓની ક્રાઈમ બ્રાન્ચ ખાતે પૂછપરછ કરવામાં આવી રહી છે. એમ. ડી.સાગઠિયાની અટકાયત કરાયાની થોડી જ વાર પછી ફાયર ઓફિસર બી.જે. ઠેબાની પણ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. તેમને પણ ક્રાઈમ બ્રાન્ચ ખાતે લઈ જઈ તેમનું વિશેષ નિવેદન નોંધવામાં આવશે.
રાજકોટ અગ્નિકાંડમાં એસઆઈટી વડા સુભાષ ત્રિવેદીએ કાટમાળ ખસેડવાની કામગીરીના સવાલ પર જવાબ આપતા કહ્યું હતું કે ‘ જે લોકો ગુમ છે કે તેના મૃતદેહના અવશેષો શોધવાનું કામ મહત્ત્વનું હતું, તોડીને નાશ કરવાનો આશય બિલ્કુલ ન હતો. ત્યાં કોઈ ગુમ થયેલા લોકો છે તેના કોઈ પ્રકારના અવશેષો છે કે કેમ જેના આધારે આપણે DNA લઈ શકીએ. જેથી DNAના આધારે એફએસએલ દ્વારા આ DNAની તપાસ કરીને જે પરિજનોના માણસો ગુમ હોય તેમને એક સત્યની માહિતી આપી શકીએ તેવો આશયથી કરવામાં આવ્યુ છે.’