બિહારમાં ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે. ગરમીનો પારો 48 ડિગ્રીની નજીક છે. ત્યારે કાળઝાળ ગરમીના કારણે બુધવારે 8 જિલ્લાનાં 70થી વધુ બાળકો ગરમીને કારણે બેભાન થઈ ગયાં હતાં. રાજ્યમાં બે દિવસ માટે હીટવેવનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. બિહારમાં છેલ્લા 12 વર્ષનો ગરમીનો રેકોર્ડ તૂટી ગયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ બિહારની બેગુસરાય, મુંગેર, શેખપુરા, જમુઈ અને બાંકા સરકારી શાળાઓમાં કાળઝાળ ગરમીના કારણે 70થી વધુ બાળકો બેભાન થઈ ગયા હતા. શાળા પ્રશાસનનું કહેવું છે કે ભારે ગરમીના કારણે વિદ્યાર્થીનીઓની તબિયત અચાનક બગડી હતી. વિદ્યાર્થીઓના પરિવારજનોમાં રોષ જોવા મળ્યો હતો. બેભાન થયેલ વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
https://x.com/ANI/status/1795708511672004634
આ અંગે વાલીઓનું કહેવું છે કે આવી કાળઝાળ ગરમીમાં પણ બાળકોને શાળામાંથી રજા આપવામાં આવી નથી. આ અંગે જ્યારે અરજી કરવામાં આવે છે ત્યારે જવાબ મળે છે કે શિક્ષણ વિભાગના મુખ્ય સચિવ કે.કે.પાઠકે શાળાને બંધ કરવાનો આદેશ આપ્યો નથી. 42 થી 45 ડિગ્રી તાપમાનના કારણે બાળકો શાળામાં જ બીમાર પડી રહ્યા છે, બેભાન થઈ રહ્યા છે ત્યારે આવી ગરમીમાં વિદ્યાર્થીઓને શાળામાંથી રજા આપી દેવી જોઇએ.
હવામાન વિભાગે બુધવારે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશમાં હીટવેવનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. રાજસ્થાનમાં 23થી 29 મે સુધી ગરમીના કારણે 55 લોકોનાં મોત થયાં છે. રાજ્યનું ચુરુ મંગળવારે દેશનું સૌથી ગરમ શહેર હતું. અહીં તાપમાન 50.5 ડિગ્રી નોંધાયું હતું.
https://x.com/AHindinews/status/1795714597284102172
કાળઝાળ ગરમી વચ્ચે બેગુસરાયમાં વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા 41થી વધુ વિદ્યાર્થીઓ બેભાન થયા હતા. બેભાન અવસ્થામાં વિદ્યાર્થીઓને ઉપાડીને પીએચસીમાં સારવાર માટે દાખલ કરાયા હતા. આ સિવાય માનકૌલ ગામની હાઈસ્કૂલમાં એક પછી એક 13થી વધુ બાળકો બેભાન થયા હતા. શિક્ષકોએ સ્થાનિક લોકોની મદદથી આ વિદ્યાર્થીઓને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. જમુઈની અપગ્રેડ કરેલી શાળામાં ત્રણ બાળકો, નરબાડા અપગ્રેડ મિડલ સ્કૂલમાં એક બાળક, બરહાટ બ્લોકની અપગ્રેડ મિડલ સ્કૂલ ચૌહાણગઢમાં બે, ગર્લ્સ મિડલ સ્કૂલ મલયપુરમાં આઠ છોકરીઓ અને બે શિક્ષકો, અપગ્રેડ મિડલ સ્કૂલ નરસોટામાં એક વિદ્યાર્થીની પણ બેભાન થઇ હતી. મુંગેરના ધરહરા બ્લોકની ત્રણ શાળાના પાંચ વિદ્યાર્થીઓ બેભાન થઈ ગયા હતા. હેમરાજપુર હાઈસ્કૂલમાં પરીક્ષા દરમિયાન એક શિક્ષક પણ બેભાન પણ થઈ ગયા હતા. બાંકા જિલ્લાના શંભુગંજની મિર્ઝાપુર પંચાયત સ્થિત પ્રમોટેડ મિડલ સ્કૂલમાં ભોજન બનાવતી વખતે રસોઈયો બેહોશ થઈ ગયો અને જમીન ઢળી પર પડ્યો હતો. લક્ષ્મીપુર બ્લોક હેઠળના મટિયા સ્કૂલના બે બાળકો જમીન પર બેભાન થઈ ગયા હતા. જ્યાં શાળાના શિક્ષકોએ સમયસૂચકતા દાખવી બાળકને ક્લાસ રૂમમાં બેંચ પર સુવડાવીને ભાનમાં લાવ્યા હતા અને બાળકના વાલીઓને આ અંગે જાણ કરવામાં આવી હતી.