કોંગ્રેસ સાથે AAPનું ગઠબંધન કાયમી નથી, અમે કોઈ લવ મેરેજ કે એરેન્જ મેરેજ કર્યા નથી : અરવિંદ કેજરીવાલ

arvind-kejriwal

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દિલ્હી-ચંડીગઢમાં સાથે ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે પંજાબમાં અલગ-અલગ લડી રહ્યા છે
અમારુ લક્ષ્ય હાલ ભાજપને હરાવવાનું છે, અમે દેશને બચાવવા માટે 4 જૂન સુધી સાથે છીએ, તેને કોઈ નામ આપવાની જરૂર નથી

આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ સાથેના વિપક્ષી ગઠબંધન અંગે અજુગતું નિવેદન આપ્યું છે. અરવિંદ કેજરીવાલે ગઠબંધનના ભવિષ્યને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ સાથે AAPનું ગઠબંધન કાયમી નથી. લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે બંને પક્ષો એકસાથે આવ્યા છે.

કેજરીવાલે સ્પષ્ટ કહ્યું છે કે, દિલ્હીમાં બંને પક્ષો સાથે મળીને ચૂંટણી લડી રહી હોવા છતાં કોંગ્રેસ સાથે AAPનું ગઠબંધન સ્થિર નથી. કેજરીવાલે દાવો કર્યો છે કે ચોંકાવનારા પરિણામોની 4 જૂને રાહ જોવાઈ રહી છે. વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા લોકસભા ચૂંટણી જીતશે. અને કેન્દ્રમાં સરકાર બનાવશે.

એક ટીવી ઈન્ટરવ્યુ દરમિયાન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન કેટલાક દિવસ સુધી ચાલશે, તેવા પ્રશ્ન પર આમ આદમી પાર્ટીના વડા કેજરીવાલે કહ્યું કે, ‘અમે કોઈ લગ્ન કર્યા નથી, અમે એરેન્જ મેરેજ પણ કર્યા નથી, અમે લવ મેરેજ પણ કર્યા નથી. અમે લોકો દેશને બચાવવા માટે ચાર જૂન સુધી ચૂંટણી લડવા માટે સાથે છીએ. તેને કોઈ નામ આપવાની જરૂર નથી. અમારુ લક્ષ્ય હાલ ભાજપને હરાવવાનું અને વર્તમાન શાસનની સરમુખત્યારશાહી અને ગુંડાગીરીનો અંત લાવવાનો છે..’

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દિલ્હી-ચંડીગઢમાં સાથે ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે બંને પક્ષો પંજાબમાં અલગ-અલગ કેમ ચૂંટણી રહ્યા છે? તેના જવાબમાં કેજરીવાલે કહ્યું કે, ‘વર્તમાન સમયમાં દેશને બચાવવો જરૂરી છે. જે બેઠકો પર ભાજપને હરાવવા માટે અમારે સાથે આવું પડ્યું છે, ત્યાં અમે સાથે ચૂંટણી રહ્યા છીએ અને ભાજપ વિરુદ્ધ એક ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે પંજાબમાં ભાજપનું અસ્તિત્વ જ નથી, તેથી અમે બંને પક્ષોએ પંજાબમાં સામ-સામે ઉમેદવારો ઉતાર્યા છે. અમે ચાર જૂન બાદ નિર્ણય લઈશું કે, અમારે આગામી સમયમાં શું કરવાનું છે. વર્તમાન સમયમાં દેશનું બંધારણ અને જનતંત્રને બચાવવું જરૂરી છે. અમારા આ નિર્ણયને પ્રજા આવકારી રહી છે. અમને કોઈએ પણ આવો પ્રશ્ન કર્યો નથી.’

ધરપકડ બાદ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાના પ્રશ્ન પર કેજરીવાલે કહ્યું કે, હું ડરવાનો નથી અને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાનો કોઈ સવાલ જ નથી. દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં કથિત મની લોન્ડ્રિંગના કેસમાં તેમણે કહ્યું કે, ‘હું ફરી જેલમાં જઈશ, તે કોઈ મુદ્દો નથી. આ દેશનું ભવિષ્ય દાવ પર છે. તેઓ જ્યારે ઈચ્છે, ત્યારે મને જેલમાં નાખી દે, પરંતુ હું ડરવાનો નથી. ભાજપ આવું જ ઈચ્છે છે, તેથી દિલ્હીના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાનો કોઈ સવાલ જ નથી.’

જો કે, CM કેજરીવાલે AAP રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલને સંડોવતા કથિત હુમલાના કેસ પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે, આ મામલો કોર્ટમાં છે. ન્યાયાધીશને ન્યાય કરવા દો.

આપને જણાવી દઈએ કે વચગાળાના જામીન પર બહાર આવેલા કેજરીવાલે સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર 2 જૂને જેલ પ્રશાસન સમક્ષ આત્મસમર્પણ કરવું પડશે. AAP સુપ્રીમોને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા.