અગ્નિકાંડ બાદ રાજકોટ પોલીસ કમિશનર સહિત 6 IPS અને મ્યુનિસિપલ કમિશનરની બદલી

rajkot-pc-mc-transfer

રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રિજેશ ઝાની નિમણુક
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ તેમજ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની કરાઈ બદલી

રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગ બાદ સરકારે મોટી કાર્યવાહી કરી છે. સરકારે રોજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિત છ આઈપીએસ તેમજ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી કરી દીધી છે. રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રજેશ ઝાની નિમણૂક કરવામાં આવી છે. આ પહેલા સાત અધિકારીને પણ સસ્પેન્ડ કરાયા હતા.

રાજકોટમાં સાત અધિકારીઓને સસ્પેન્ડ કર્યા બાદ રાજ્ય સરકાર દોષિતો સામે આકરા પગલા લેવા માટે મક્કમ છે. રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી કરવાના આદેશો કરવામાં આવ્યા છે. બંને ઉચ્ચ અધિકારીઓની સાથે સાથે 6 IPSની બદલી કરવાના આદેશો પણ કરવામાં આવ્યા છે. જ્યારે રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રિજેશ ઝાની નિયુક્તિ કરવામાં આવી છે.

રાજકોટ એડિશનલ પોલીસ કમિશનર વિધી ચૌધરીને પણ હટાવવાના આદેશો આપવામાં આવ્યા છે. મહેન્દ્ર બગડીયાને એડિશનલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સાથે સાથે ઝોન – 2 DCP સુધીર દેસાઇને પણ હટાવાયા છે. જગદીશ બાંગરવાને DCP ઝોન 2 તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજકોટથી હટાવેલા ત્રણયે IPS વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં મૂકવામાં આવ્યા છે. મતલબ કે રાજકોટ અગ્નિકાંડ મામલે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ ત્રણયે IPS અધિકારીઓને પોસ્ટિંગ આપવામાં આવશે નહીં.

સરકારે અગ્નિકાંડ મામલે 7 સરકારી કર્મચારીઓને નોકરી પરથી સસ્પેન્ડ કરી દીધા છે. જે નીચે મુજબ છે.

  • જયદીપ ચૌધરી, (ટાઉનપ્લાનિંગ વિભાગના આસિસ્ટન્ટ એન્જિનિયર)
  • ગૌતમ ડી. જોશી (ટાઉનપ્લાનિંગ વિભાગના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર)
  • એમ. આર. સુમા (નાયબ કાર્યપાલક ઈજનેર)
  • એન. આઈ. રાઠોડ (ગાંધીગ્રામ-2, પોલીસ ઈન્સપેક્ટર)
  • વી. આર. પટેલ (રાજકોટ તાલુકા પોલીસ, પોલીસ ઈન્સપેક્ટર)
  • પારસ એમ. કોઠિયા (નાયબ કાર્યપાલક ઈજનેર “સિ”)
  • રોહિત વિગોરા (સ્ટેશન ઓફિસર – ઇમરજન્સી સર્વિસીસ)

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે 26 મેના રોજ મીડિયા સમક્ષ આવી કહ્યું હતું કે, જેસીપી વિધિ ચૌધરી તપાસ કરશે. ગેમિંગ ઝોનમાં નવેમ્બર-2023માં રૂટિન લાઈસન્સ અપાયું હતું. પહેલી જાન્યુઆરીથી લાઈસન્સ રિન્યૂ કરાયું હતું. SITની ટીમ અધિકારીઓના નિવેદનો લેશે અને તપાસ કરશે. અગ્નિકાંડમાં કાગળો રજૂ કરાયા છે અને તેમાં ફાયર સેફ્ટીના બિલોનો પણ સમાવેશ થાય છે. જે જમીન પર ગેમ ઝોન બાવાયું હતું, તેનું પાર્ટનરશિપ ડિડ હતું, તેના આધારે કાર્યવાહી કરાશે. રાજકોટ પોલીસે ગેમ ઝોન માટે મંજૂરી આપી હતી. તેમણે સ્વીકાર કર્યો છે કે, ગેમ ઝોનની મંજૂરી માટે પોલીસે લાયસન્સ આપ્યું હતું. આ દરમિયાન તેમણે મીડિયા કોઈપણ સવાલનો જવાબ આપ્યો ન હતો અને માત્ર પ્રાથમિક વિગતો આપી હતી.

ઉલ્લેખનીય છે કે અગ્નિકાંડ બાદ એવા આરોપો લાગી રહ્યા હતા કે મસમોટા ગેમ ઝોનને કોઈપણ પ્રકારની પરવાનગી કે સુરક્ષાના માપદંડો જેમ કે ફાયર સેફ્ટી, એક્ઝિટ-એન્ટ્રી ગેટ ચેક કર્યા વિના જ મંજૂરી આપી દેવામાં આવી હતી. જેના પગલે આ મોટી હોનારત સર્જાઈ અને 28 નિર્દોષોએ જીવ ખોવાનો વારો આવ્યો.