Parcel Scam: છેતરપિંડી કરવાની નવી પદ્ધતિ પાર્સલ કૌભાંડ, જેને લઈને સરકારે આપી ચેતવણી

parcel-scam

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સે જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં પાર્સલના ઘણા કૌભાંડો પ્રકાશમાં આવ્યા છે. લોકોએ આવા કોલની તાત્કાલિક જાણ કરવી જોઈએ.

ઓનલાઈન સ્કેમર્સે છેતરપિંડી કરવાની પદ્ધતિઓમાં ફેરફાર કરી લોકોને છેતરી રહ્યા છે. સરકાર જેટલી ઝડપથી ઓનલાઈન છેતરપિંડી પર કાર્યવાહી કરે છે, તેટલી જ ઝડપથી છેતરપિંડીની નવી પદ્ધતિઓ બજારમાં આવે છે. આમાંથી એક પાર્સલ કૌભાંડ છે, જેને લઈને સરકારે ચેતવણી જાહેર કરવી પડી છે. જેમાં નિર્દોષ લોકોને તેમના પાર્સલમાં ડ્રગ્સ હોવાની માહિતી આપીને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. લોકો ડ્રગ્સના નામે ડરી જાય છે અને સાયબર ફ્રોડ કરનારાઓની જાળમાં ફસાઈ જાય છે અને પૈસા ગુમાવે છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC)એ લોકોને અપીલ કરી છે કે તેઓ આવી જાળમાં ન ફસાય અને તેમને તાત્કાલિક જાણ કરે.

https://x.com/cbic_india/status/1794207008696234242

નકલી કસ્ટમ ઓફિસર કે પોલીસકર્મી બની લોકોને લૂંટતા
સીબીઆઈસીના જણાવ્યા અનુસાર, તાજેતરના સમયમાં આવી ઘણી માહિતી પ્રકાશમાં આવી છે, જેમાં ઓનલાઈન છેતરપિંડી કરનારાઓએ નકલી કસ્ટમ્સ ઓફિસર અથવા પોલીસમેન બની ભોગ બનનારને મેસેજ કે કોલ કરી કહેતાં કે, તેમના નામે એક પાર્સલ આવ્યું છે. તેમાંથી ડ્રગ્સ અને નશીલા પદાર્થો મળી આવ્યા હતા. હવે તેની સામે પોલીસ કાર્યવાહી શરૂ થવાની છે. જો તમારે તેમાંથી બચવુ હોય તો અમને પૈસા મોકલો. આવી વાતો સાંભળીને ઘણા લોકો ડરી ગયા અને પાર્સલની છેતરપિંડીનો શિકાર બનીને લાખો રૂપિયા ગુમાવ્યા છે.

નકલી કોલ આવે તો સાયબર સેલને જાણ કરો
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ અને કસ્ટમ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે લોકોએ કાયદાકીય અમલીકરણ એજન્સીઓને આવા નકલી કોલની જાણ કરવી જોઈએ. આવા ગુનેગારો લોકોને ડરાવીને તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે. તેઓ ભોગ બનનારા ઉપર દબાણ કરીને તેને ઓનલાઈન મોટી રકમ ટ્રાન્સફર કરવાનું કહે છે.

ડ્રગ્સની સાથે ગેરકાયદે સોના-ચાંદીના નામે પણ લોકોને છેતરવામાં આવ્યા છે. આ લોકો પીડિતોને સીબીઆઈ અને આરબીઆઈના નામે નકલી કાગળો પણ મોકલે છે જેથી તે તેમના પર વિશ્વાસ કરી શકે. સીબીઆઈસીએ સ્પષ્ટતા કરી હતી કે તેમના તરફથી આવા કોલ ક્યારેય કરવામાં આવતા નથી.

પૂણેનાં એન્જિનિયરે રૂ. 27.9 લાખ ગુમાવ્યા
પુણેમાં કામ કરતા આઈટી એન્જિનિયર આ પાર્સલ કૌભાંડનો ભોગ બન્યો હતો. ઓનલાઈન ફ્રોડ કરનારાએ તેને રૂ. 27.9 લાખનો ચૂનો લગાવ્યો છે. મુંબઈ પોલીસની સાયબર ક્રાઈમ સેલમાંથી હોવાનો દાવો કરીને તેમણે આઈટી એન્જિનિયરને ધમકાવ્યો હતો કે, તાઈવાનથી મુંબઈ આવેલા પાર્સલમાં ડ્રગ્સ છે. આ પાર્સલ તેના નામે આવ્યુ હોવાથી તેની ધરપકડ કરવાની ધમકી આપી હતી. જથી ડરી જઈને એન્જિનિયરે બચવા માટે નકલી પોલીસને તેમણે માંગેલી રકમ રૂ. 27.9 લાખ મોકલી આપી હતી.