ઘણાં બાળકોને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યા, બચાવ કામગીરી ચાલુ
આગ એટલી વિકરાળ છે કે પાંચ કિલોમીટર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા
રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. ગેમ ઝોનમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી રહી છે. આ ઘટનામાં બેના મોત થયા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને કલેક્ટર ઘટના સ્થળે પહોંચ્યા છે.
જુઓ વીડિયોઃ- https://x.com/ANI/status/1794352388171854009
રાજકોટ શહેરના નાના મવા રોડ આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં અચાનક આગ લાગી છે. ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગ એટલી વિકરાળ છે કે પાંચ કિલોમીટર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. આ આગને લઈને ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ ગેમ ઝોનમાંથી ઘણાં બાળકોને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યા છે. ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર હાજર છે. ગેમ ઝોનમાં આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર નથી આવ્યું.
જુઓ વીડિયોઃ- https://x.com/ANI/status/1794353462974742646
ફાયર ઓફિસર ખેર કહે છે, “આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે. અમને ગુમ થયેલા લોકોનો કોઈ સંદેશ મળ્યો નથી. અમને આગ ઓલવવાની કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે પવનના વેગને કારણે કામચલાઉ માળખું તૂટી પડ્યું છે.
આગની ઘટનાને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ‘X’પર પોસ્ટ કરીને લખ્યું ‘રાજકોટમાં ગેમ ઝોનમાં સર્જાયેલી આગની દુર્ઘટનામાં તત્કાલ બચાવ અને રાહત કામગીરી માટે મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને સૂચનાઓ આપી છે. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર મળે તે માટેની વ્યવસ્થાઓને અગ્રતા આપવા પણ સૂચના આપી છે.’