મહારાષ્ટ્રના થાણેમાં કેમિકલ ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ થતા 8 લોકો ઘાયલ, 3KM દૂર સુધી અવાજ સંભળાયો

dombivali-blast

મહારાષ્ટ્રમાં મુંબઈ નજીક થાણેના ડોમ્બિવલી વિસ્તારમાં ગુરુવારે એક કેમિકલ ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાદ તેમાં આગ લાગી હતી. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ લગભગ ત્રણ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. મળતી માહિતી મુજબ, MIDC ફેઝ 2 સ્થિત કેમિકલ ફેક્ટરીની અંદર બોઈલર ફાટવાના કારણે આગ લાગી હતી. બ્લાસ્ટ થવાના કારણે ઓછામાં ઓછા આઠ લોકો ઘાયલ થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘાયલોની સંખ્યા વધી શકે છે

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં લગભગ 30 લોકોને ફેક્ટરીમાંથી બચાવી લેવામાં આવ્યા છે. ફેક્ટરીમાંથી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ શકાય છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, 10 ફાયર એન્જિન ઘટનાસ્થળે હાજર છે. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. અધિકારીઓનો અંદાજ છે કે આગ ઓલવવામાં ચાર કલાકથી વધુ સમય લાગી શકે છે.

https://x.com/ANI/status/1793576394028687687

વિસ્ફોટમાં અનેક વાહનો અને મકાનોને પણ નુકસાન થયું છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસની ઈમારતોના કાચ તૂટી ગયા હતા. આ સિવાય કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગ કારના શોરૂમ સહિત અન્ય બે ઈમારતોમાં ફેલાઈ ગઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, બપોરે લગભગ 1:40 વાગ્યે એક ઈમરજન્સી કોલ આવ્યો હતો, જેમાં આગ લાગવાની માહિતી મળી હતી.

અગ્નિશમન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, ડોમ્બિવલીમાં મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MIDC) વિસ્તારના ફેઝ-2 સ્થિત ‘અંબર કેમિકલ કંપની’ના બોઈલરમાં વિસ્ફોટ થયો હતો. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ કેટલાય કિલોમીટર દૂર સુધી સંભળાયો. તેમણે કહ્યું કે વિસ્ફોટને કારણે નજીકની ઈમારતોની બારીઓમાં તિરાડો પડી ગઈ હતી.