ટ્રાફિક નિયમ તોડશો તો થશે 25000 રુપયા સુધીનો દંડ, 1 જૂન 2024થી લાગુ થશે ડ્રાઇવિંગ લાઇસન્સના નવા નિયમ

rto-new-rules

ડ્રાઇવિંગ લાઇસન્સ માટે હવે RTOમાં જઇને ટેસ્ટ આપવાની જરૂર નથી

જો તમે કોઈ કાર, બાઈક કે અન્ય કોઈ અન્ય વાહન ચલાવતા હોવ તો આ સમાચાર તમારા માટે જ છે, કારણ કે 1 જૂન 2024થી ડ્રાઇવિંગ લાઈસન્સના નવા નિયમો લાગુ થઈ જશે. અને જો તમે આ નિયમોનું ઉલ્લંઘન કરશો તો તમારે મોટો દંડ ભરવો પડી શકે છે. તો જાણી લો કે 1 જૂન 2024થી ડ્રાઇવિંગ લાઇસન્સના કયા નવા નિયમો લાગુ થશે.

25,000 રુપિયા સુધીનો દંડ
1 જૂન, 2024થી સરકારી પ્રાદેશિક પરિવહન કાર્યાલય (RTO) નવા વાહન નિયમો લાગુ કરવા જઈ રહ્યું છે. આ નિયમ હેઠળ, જો કોઈ 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ વધુ ઝડપે વાહન ચલાવતા પકડાશે તો તેને 25,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. આ સિવાય જો તમે 18 વર્ષથી ઓછી ઉંમરના છો અને વાહન ચલાવો છો, તો તમારું લાઇસન્સ રદ થઈ જશે અને તમને 25 વર્ષ સુધી નવું લાઇસન્સ મળશે નહીં.

કયા નિયમ તોડવાથી કેટલો દંડ થશે તે જાણો

ગુનોદંડની રકમ
ફૂલ સ્પીડ વાહન માટે1000 થી 2000 રૂપિયા સુધીનો દંડ
સગીર(18 વર્ષથી ઓછી ઉંમર) દ્વારા ડ્રાઇવિંગ25,000 રૂપિયા સુધીનો દંડ
લાઈસન્સ વિના વાહન ચલાવવું500 રૂપિયાનો દંડ
હેલ્મેટ ન પહેરવા બદલ100 રૂપિયાનો દંડ
સીટ બેલ્ટ ન પહેરવા બદલ100 રૂપિયાનો દંડ
આ સિવાય અન્ય નિયમોનું ઉલ્લંઘન કરવા પર દંડની જોગવાઈ છે.

RTOમાં ટેસ્ટ આપવાની જરૂર નથી, ડ્રાઇવિંગ ટેસ્ટ ક્યાં આપી શકાય?
જો તમે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે RTOમાં ટેસ્ટ આપવાથી ડરતા હોવ તો હવે સરકાર આ પ્રક્રિયાને સરળ બનાવી રહી છે. ધારો કે તમે ડ્રાઇવિંગ શીખવા માંગો છો અને લાઈસન્સ મેળવવા માંગો છો, તો હવે તમારે RTOમાં ટેસ્ટ આપવાનો રહેશે નહીં, તમારી પાસે અન્ય વિકલ્પ પણ હશે. 1 જૂન 2024 થી તમે સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત વિશેષ ખાનગી સંસ્થાઓમાં ડ્રાઇવિંગ લાઇસન્સ ટેસ્ટ આપી શકો છો.

16 વર્ષની ઉંમરે પણ ડ્રાઇવિંગ લાઇસન્સ મળશે
જો કોઈ વ્યક્તિ 18 વર્ષની થઈ ગઈ હોય તો તે તેનું ડ્રાઈવિંગ લાઇસન્સ મેળવી શકે છે. પરંતુ 50 સીસીની ક્ષમતાવાળી મોટરસાઇકલનું લાઈસન્સ 16 વર્ષની ઉંમરે પણ મેળવી શકાય છે. પરંતુ આ લાઇસન્સ 18 વર્ષ થયા પછી અપડેટ કરવું પડશે.

ડ્રાઈવિંગ લાઇસન્સ ક્યારે રિન્યૂ કરાવવુ
ડ્રાઇવિંગ લાઈસન્સની વેલિડીટી લાઈસન્સ મળ્યાની તારીખથી 20 વર્ષ સુધીની હોય છે. તમારે તમારું લાઇસન્સ 20 વર્ષ પછી અપડેટ કરવું પડશે. 40 વર્ષની ઉંમર પછી તમારે તમારું લાઇસન્સ દર 10 વર્ષે અને ત્યાર બાદ દર 5 વર્ષે રિન્યૂ કરાવવુ પડશે.

પ્રાઈવેટઃ જો તમે ખાનગી વાહન ચલાવો છો તો આ લાઇસન્સ તમારા માટે છે. તેને બનાવ્યા પછી 20 વર્ષ સુધી અથવા તમારી ઉંમર 50 વર્ષ (જે વહેલું હોય) થયા ત્યાં સુધી તેને રિન્યૂ કરવાની જરૂર નથી.

કોમર્શિયલઃ આ લાઈસન્સ એવા લોકો માટે છે જેઓ ટેક્સી, ટ્રક વગેરે જેવા કોમર્શિયલ વાહનો ચલાવે છે. તેને દર ત્રણ વર્ષે રિન્યુ કરાવવું પડશે.

જો તમારી પાસે કોમર્શિયલ લાઈસન્સ છે અથવા તમારી ઉંમર 40 વર્ષથી વધુ છે, તો લાઈસન્સ રિન્યુ કરતી વખતે તમારે ડૉક્ટર દ્વારા આરોગ્ય તપાસ કરાવવી પડશે અને મેડિકલ સર્ટિફિકેટ જમા કરાવવું પડશે.