બંધ મદરેસાનો ફોટો પાડતા હતા તે સમયે ટોળાએ હુમલો કર્યો હતો
સીસીટીવી અને અન્ય પુરાવાને આધારે તપાસ ચાલુ
ગુજરાતમાં મદરેસાઓમાં તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદનાં દરિયાપુરમાં સરવે કરવા ગયેલી મદરેસાઓમાં તપાસ કરવા ગયેલી ટીમ પર હુમલો કરાયો હતો. મદરેસામાં તપાસની કામગીરીમાં આચાર્ય પર ટોળાએ હુમલો કરીને માર માર્યો હતો. ત્યારે આચાર્યએ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ગુજરાત શિક્ષણ વિભાગ તરફથી આપવામાં આવેલા આદેશ બાદ રાજ્યમાં ચાલી રહેલ સરકારી અને ગ્રાન્ટેડ મદરેસાઓનો સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત અમદાવાદમાં આવેલ 175 મદરેસાઓના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારે આજે દરિયાપુર વિસ્તારમાં આવેલી એક મદરેસામાં સર્વે કરવા ગયેલા આચાર્ય પર ટાળાએ હુમલો કર્યો હતો અન માર મારવામાં આવ્યો હતો.
DEO કચેરીથી શિક્ષકોને મદરેસાના સર્વે કરવાની કામગીરી સોંપવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા, શિક્ષકોની સંખ્યા સહિત વર્ગોના ક્ષેત્રફળની વિગતો જેવી માહિતી એકત્રિત કરવાની હતી. જે અંતર્ગત બાપુનગર વિસ્તારમાં આવેલ સ્મૃતિ વિદ્યાલયમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા સંદીપ પટેલ આજે દરિયાપુરના સુલતાન મહોલ્લામાં આવેલ સૈયદ સુલતાનની મસ્જીદ ખાતેના મદરેસામાં સર્વે માટે ગયા હતા. જ્યાં મદરેસા બંધ હોવાથી સંદીપ પટેલ પુરાવા સ્વરૂપે ફોટા ક્લિક કરી રહ્યાં હતા.
ફોટા પાડી રહ્યા હતા, તે દરમ્યાન હુમલો
મદરેસા બંધ હોવાની જાણ કરવા માટે જ્યારે આચાર્ય સંદીપ પટેલ ફોટા પાડી રહ્યા હતા, તે દરમ્યાન લોકોનું ટોળુ ત્યાં આવી ગયુ હતું અને તેમની ઉપર હુમલો કર્યો હતો. અહીંયા ફોટા કેમ પાડો છો? કહીને સંદીપ પટેલ સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. આ દરમિયાન ટોળાએ સંદીપ પટેલના હાથમાંથી મોબાઈલ સહિત અન્ય ડોક્યૂમેન્ટની લૂંટ ચલાવી હતી. ત્યાર બાદ શિક્ષક અને જિલ્લા શિક્ષણ અધિકારી ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે ટોળા વિરુદ્ધ ફરિયાદની કામગીરી શરૂ કરી હતી.
પોલીસ ફરિયાદ દાખલ
સંદીપ પટેલે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ટોળા સામે મારામારી અંગેની ફરિયાદ નોંધાવીતા પોલીસે IPCની કલમ 143, 147, 323, 294(B), 392, 186, 332, 506 હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સર્વે કરવા ગયેલા શિક્ષકો આ ઘટનાની જાણ શિક્ષણ વિભાગને લેખિતમાં કરશે.
એફ ડિવિઝનના એસીપી રીના રાઠવાએ જણાવ્યું કે,
આ હુમલા અંગે માહિતી આપતા અમદાવાદ એફ ડિવિઝનના એસીપી રીના રાઠવાએ જણાવ્યું કે, દરિયાપુર વિસ્તારમાં સર્વેની કામગીરી દરમિયાન મદરેસા બંધ હોવાથી શિક્ષકે ફોટા પાડ્યા હતા. ટોળાએ માર માર્યો જે અંગે ફરિયાદ લેવામાં આવી હતી. સીસીટીવી અને અન્ય પુરાવાને આધારે તપાસ ચાલુ છે. રાયોટીંગ સરકારી કામમાં અડચણ ઉભી કરવી અને લૂંટની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરહાન અને ફૈઝલ સહિત પાંચ લોકો સામે ફરિયાદ દાખલ કરાઈ છે. આ ઉપરાંત ટોળાં સામે ફરિયાદ દાખલ કરાઈ છે.
આચાર્ય સંઘની પ્રતિક્રિયા
શિક્ષક પર હુમલાની ઘટના મામલે અમદાવાદ આચાર્ય સંઘની પ્રતિક્રિયા સામે આવી છે. અમદાવાદ શહેર આચાર્ય સંઘના પ્રમુખ રાકેશ પંડ્યાએ કહ્યું કે, આ ઘટના ખૂબ જ દુઃખદ છે. કોઈ મહત્વની જાણકારી મેળવવા માટે સંવેદનશીલ વિસ્તારમાં શિક્ષક જાય ત્યારે રક્ષણ પૂરું પાડવું જોઈએ. જો આ પ્રકારની પરિસ્થિતિ યથાવત રહે તો આવી કામગીરી નહીં થાય. જીવના જોખમે શિક્ષકો કામ કરતા હોય ત્યારે તેમની સુરક્ષાની ચિંતા કરવી જરૂરી છે.
હુમલા બાદ સંદિપ પટેલે જણાવ્યું કે….
હુમલા બાદ શિક્ષક સંદીપ પટેલે કહ્યું કે, સરવે કામગીરી માટે પહોંચ્યો ત્યારે મસ્જિદ બંધ હોવાથી હું ફોટો પાડી રહ્યો. શરૂઆતમાં 10 અને ત્યારબાદ 100 લોકોના ટોળાએ મારા પર હુમલો કર્યો હતો. ટોળામાંથી કોઈ કહ્યું હતું કે આને પતાવી દો. હું મને સોંપેલી કામગીરી કરવા ગયો ત્યારે મારા પર હુમલો થયો હતો. તેથી મેં દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
શહેરમાં 150 થી વધુ શાળા મદરેસાઓમાં જુદી જુદી ટીમ દ્વારા તપાસ કામગીરી હાથ ધરાઈ
ઉલ્લખનીય છે કે, મદરેસાઓમાં બિન મુસ્લિમ બાળકો ભણતા હોવાનો મામલો સામે આવ્યો છે. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના આદેશ બાદ રાજ્યના શિક્ષણ વિભાગમાં દોડધામ વધી ગઈ છે. રાજ્યના શિક્ષણ વિભાગે તપાસના આદેશ કરતા મદરેસાઓમાં મોટાપાયે ચેકિંગ હાથ ધરાયું છે. અમદાવાદ જિલ્લા અને શહેર શિક્ષણાધિકારી ઉપરાંત સ્કૂલ બોર્ડના કર્મચારીઓની ટીમ બની હતી. શહેરમાં 150 થી વધુ શાળા મદરેસાઓમાં જુદી જુદી ટીમ દ્વારા તપાસ કામગીરી હાથ ધરાઈ છે. કેટલીક જગ્યાએ સર્વે પૂરો, કેટલાક સ્થળો પર કાર્યવાહી ચાલી રહી છે.