ક્ષત્રિય આંદોલન પુરૂ નથી થયું માત્ર વિરામ આપીએ છીએ
લોકસભા ચૂંટણી દરમિયાન ક્ષત્રિય સમાજ દ્વારા પરષોત્તમ રુપાલા વિરુદ્ધ કરવામાં આવેલ આંદોલનને હાલ પૂરતું સ્થગિત કરવામાં આવે છે. ગુજરાત રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ (કોર કમિટી) દ્વારા ચૂંટણી પૂર્ણ પછી આજે પ્રથમ મીટીંગનું આયોજન કરાયું હતુ. મીટીંગ બાદ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. આ પ્રેસવાર્તામાં ક્ષત્રિયસમાજનું આંદોલન પૂર્ણ થયાની જાહેરાત કરવામાં આવી છે. તાજેતરમાં જ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કાગવડ ખાતેના ખોડલધામ મંદિરમાં દર્શન કરવા ગયા હતાં અને ત્યાં તેમણે કહ્યું હતું કે આ એક કામ પૂર્ણ થયું છે અને તેનો પાર્ટ-2 અને પાર્ટ-3ના હોય. ત્યારે હવે ક્ષત્રિય સંકલન સમિતિએ આંદોલનને વિરામ આપવાની જાહેરાત કરી છે.
આજે સંકલન સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં સંકલન સમિતિના તમામ 15 સભ્યો હાજર રહ્યા હતા. જેમાં સંકલન સમિતિના અગામી સામાજિક કાર્ય અંગે પણ ચર્ચા થઇ હતી. સંકલન સમિતિએ જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજ તરફથી કોઇ શાંતિ ડહોળાઈ નથી, તે બદલ આભાર. આ રાજકીય લડાઇ નહી ચળવળ હતી, જે 45 દિવસ ચાલી હતી. સર્વે સમાજ અને ક્ષત્રિય સમાજના આગેવાનનોને વિનંતી છે કે અંગત રાગ દ્વેષ રાખવો નહી. કોઇ એવા નિવેદન કરવા નહીં, જેથી કોઇ વ્યક્તિગત કે રાગદ્વેષ ઉભો થાય. આ એક અસ્મિતાની લડાઇ હતી. કોઇના દોરી સંચારથી આ આંદોલન ચાલતું નહોતું.
સંકલન સમિતિના કરણસિંહે કહ્યું હતું કે, રાજકોટ લોકસભા બેઠક પર ક્ષત્રિયોએ ભાજપના ઉમેદવાર પરષોત્તમ રુપાલા વિરુદ્ધ મતદાન કર્યું છે. ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજે કરેલા ભાજપ વિરુદ્ધ મતદાનથી પરષોત્તમ રૂપાલાની કારમી હાર થશે.
વધુમાં તેમણે કહ્યું હતું કે હાલ અમે આંદોલન સ્થગિત કરીએ છીએ. અમારા અગ્રણીઓને જો ખોટી રીતે હેરાન કરવામાં આવશે તો અમે ફરીવાર આક્રમક થઈને સામે આવીશું. શંકરસિંહ વાઘેલાએ આંદોલન પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી, તે અમારા આદરણીય જરૂર છે, પરંતુ આંદોલન અંગે અધિકાર તેમનો નથી.’
વધુમાં જણાવ્યું કે, સમાજમાં કોઇ દ્વિધા ઉભીના થાય એટલે આજે સ્પષ્ટતા કરાઈ રહી છે. ક્ષત્રિય સમાજે પોતાની હિંમત બતાવી ભાજપના વિરુધ્ધમાં જઈને મતદાન કર્યું છે. અમે કોઇ પણ પરિણામની ચિંતા કર્યા વગર સતત લડ્યા છીએ. ક્ષત્રિય સમાજે અને અન્ય સમાજે રાજકોટ બેઠક પર 80 ટકા જેટલું મતદાન કર્યું છે.’
આગામી સમયમાં જે બેઠક પર ક્ષત્રિય સમાજની વસ્તી વધુ હશે ત્યાં બંને પાર્ટી પાસેથી ટિકિટની માંગણી પણ કરીશું. ગોતા ખાતે સમિતિના પ્રવક્તા ચાવડાએ કહ્યું હતું કે પરષોત્તમ રૂપાલાએ મતદાન પૂર્ણ થયા પછી માંગેલી માફી અંગે પણ સંકલન સમિતિની બેઠકમાં ચર્ચા થઇ હતી. આ બાબતને કોર કમિટી અને અન્ય સંસ્થાઓ વચ્ચે રજૂ કરવામાં આવશે. તમામ સંસ્થાઓ સાથે મળીને માફી અંગે નિર્ણય કરશે.