20 વર્ષ સુધી જે રીતે તમે મને પ્રેમ આપ્યો તે રીતે રાહુલને પણ આપો
લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ નેતા અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધી પોતાના સંસદીય ક્ષેત્ર રાયબરેલી પહોંચ્યા હતા. લાંબા સમય બાદ રાયબરેલીમાં જનસભાને સંબોધિત કરતા તેઓ ભાવુક જોવા મળ્યાં હતા. તેમણે કહ્યું કે, ‘હું મારા દીકરાને તમને સોંપી રહી છું, 20 વર્ષ સુધી જે રીતે તમે મને પ્રેમ આપ્યો તે રીતે રાહુલને પણ આપો, તે તમને નિરાશ નહીં કરે.’ આ જાહેરસભમાં રાહુલ ગાંધી, પ્રિયંકા અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પણ હાજરી આપી હતી.
સોનિયા ગાંધીએ તેમના સંક્ષિપ્ત ભાષણમાં રાયબરેલીના લોકોનો આભાર માન્યો અને કહ્યું કે, ‘મારું જીવન તમારા પ્રેમ અને આશીર્વાદથી ભરેલું છે. મારી પાસે જે છે તે બધું તમારુ આપેલું છે. હું તમને મારો દીકરો સોંપી રહી છું. જેમ તમે મને પોતાની માનો છો, તે જ રીતે રાહુલને પણ પોતાના જ માનજો, રાહુલ તમને નિરાશ નહીં કરે.’ 20 વર્ષ સુધી જે રીતે તમે મને પ્રેમ આપ્યો તે રીતે રાહુલને પણ આપો.
સોનિયા ગાંધી જે સમયે મંચ પર પહોંચ્યા ત્યારે અખિલેશ યાદવ ભાષણ આપી ચુક્યા હતા અને રાહુલનું ભાષણ ચાલી રહ્યું હતું. ત્યાર બાદ સોનિયા ગાંધીએ જાહેરસભાને સંબોધતા સૌથી પહેલાં રાયબરેલીથી આભાર વ્યક્ત કર્યો. જે બાદ કહ્યું કે 20 વર્ષ સુધી એક સાંસદ તરીકે તમે મને સેવા કરવાની તક આપી. આ મારા જીવનની સૌથી મોટીપૂંજી છે. રાયબરેલી મારો પરિવાર છે. આ દરમિયાન અમેઠીને પણ યાદ કર્યું અને કહ્યું કે અમેઠી મારું ઘર છે. સોનિયા ગાંધીએ કહ્યું કે, અહીં ન માત્ર સારી યાદો જોડાયેલી છે પરંતુ સો વર્ષના અમારા પરિવારની જડ આ માટીથી જોડાયેલી છે. ગંગામાં જેવો આ પવિત્ર સંબંધ કિસાન આંદોલન સાથે શરુ થયો અને આજ સુધી યથાવત છે.
સોનિયા ગાંધીએ પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, ‘ઈન્દિરાજીના હ્યદયમાં રાયબરેલી માટે ખાસ સ્થાન હતું. મેં તેમને નજીકથી કામ કરતા જોયા છે. તેમને તમારા માટે અપાર પ્રેમ હતો. મેં રાહુલ અને પ્રિયંકાને એ જ શિક્ષણ આપ્યું છે જે ઈન્દિરાજી અને રાયબરેલીના લોકોએ મને આપ્યું હતું. દરેકને માન આપો, નબળાનું રક્ષણ કરો. અન્યાય સામે લોકોના અધિકારોની રક્ષા માટે તમારે જે પણ લડવું હોય તે લડો. ડરશો નહીં.. કારણ કે તમારા સંઘર્ષના મૂળ અને પરંપરાઓ ખૂબ જ મજબૂત છે.’
વધુમાં સોનિયા ગાંધીએ કહ્યું કે, તમારા પ્રેમના કારણે હું ક્યારેય એકલી નથી પડી. મારું બધું જ તમારું આપેલું છે. હું તમને મારો પુત્ર સોંપી રહી છું. જે રીતે તમે મને પોતાની ગણી તેવી જ રાહુલને અપનાવી લેજો. રાહુલ તમને નિરાશ નહીં કરે.
રાયબરેલી બેઠકને ગાંધી પરિવારનો ગઢ ગણવામાં આવે છે. સોનિયા ગાંધી છેલ્લાં 20 વર્ષથી રાયબરેલી સીટનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં હતાં. રાયબરેલી બેઠકથી ફિરોઝ ગાંધીથી લઈને ઈન્દિરા ગાંધી, અરુણ નેહરુ અને સોનિયા ગાંધી આ બેઠક પરથી સંસદમાં પહોંચતા રહ્યા છે. હવે સોનિયા ગાંધી રાજસ્થાનથી રાજ્યસભામાં ગયા છે અને આ વખતે રાહુલ ગાંધી રાયબરેલી બેઠક પરથી ઉમેદવાર છે. જો કે રાહુલ ગાંધી વાયનાડથી પણ ચૂંટણી જંગમાં મેદાનમાં છે. રાયબરેલીમાં 20 મેનાં રોજ મતદાન છે. આવતીકાલે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે.