સાંસદે પોતાના જ દેશની નિંદા કરી, દેશનો સાક્ષરતા દર જોઈને અહીંના નેતાઓને ઊંઘ કેમની આવે છે?
પાડોશી દેશ પાકિસ્તાન વારંવાર ભારતની પ્રશંસા કરતું રહે છે. ત્યારે ફરી એક વાર પાકિસ્તાની સંસદમાં ભારતનો ડંકો વાગ્યો હતો. પાકિસ્તાનના સાંસદ સૈયદ મુસ્તફા કમાલે નેશનલ એસેમ્બ્લીમાં ભારતની શિક્ષણ વ્યવસ્થાની સરખામણી પાકિસ્તાનની શિક્ષણ વ્યવસ્થા સાથે કરી હતી. પોતાના ભાષણ દરમિયાન તેમણે ભારતના વખાણ શરૂ કર્યા હતા. સૈયદ મુસ્તફા કમાલે ભારત અને પાકિસ્તાનના શહેરો વચ્ચે સરખામણી કરતા કહ્યું, “જ્યારે એક તરફ દુનિયા ચંદ્ર પર પહોંચી રહી છે, તો બીજી તરફ કરાચીનાં બાળકો ગટરમાં પડીને મરી રહ્યાં છે.”
સૈયદ મુસ્તફાએ કહ્યું, “30 વર્ષ પહેલાં આપણા પાડોશી દેશ ભારતે પોતાનાં બાળકોને એ શીખવ્યું, જેની સમગ્ર વિશ્વમાં માગ છે. આજે ટોચની 25 કંપનીના સીઇઓ ભારતીય છે. જો ભારત આજે પ્રગતિ કરી રહ્યું છે તો એનું કારણ છે કે ત્યાં જે જરૂરી હતું એ શીખવવામાં આવ્યું હતું. આજે પાકિસ્તાનનું IT એક્સપોર્ટ 7 અબજ ડૉલર છે, જ્યારે ભારતનું IT એક્સપોર્ટ 270 અબજ ડૉલર છે.
મુત્તાહિદા કોમી મૂવમેન્ટ-પાકિસ્તાન (MQM-P) પાર્ટીના નેતાએ તેમના ભાષણ દરમિયાન કહ્યું હતું કે આજે દેશમાં 2 કરોડ એવાં બાળકો છે, જેઓ શાળાએ જઈ શકતાં નથી. જો આજે આપણે ફક્ત આના પર જ ધ્યાન આપીએ તોપણ દેશના નેતાઓને શાંતિથી ઊંઘ કેમની આવે છે? પાકિસ્તાનના સાંસદનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
સૈયદે નેશનલ એસેમ્બલીમાં એક ભાષણમાં કહ્યું કે આજે કરાચીની સ્થિતિ એવી છે કે જ્યારે દુનિયા ચંદ્ર પર જઈ રહી છે ત્યારે કરાચીમાં બાળકો ગટરમાં પડીને મરી રહ્યા છે. એ જ સ્ક્રીન પર સમાચાર આવી રહ્યા છે કે ભારત ચંદ્ર પર ઉતર્યું છે અને માત્ર બે સેકન્ડ પછી સમાચાર છે કે કરાચીમાં એક ખુલ્લી ગટરમાં એક બાળકનું મૃત્યુ થયું.
સૈયદ મુસ્તફાએ કહ્યું કે કરાચી જેવા શહેરને છેલ્લા 15 વર્ષથી એક ટીપું પણ નવું પાણી આપવામાં આવ્યું નથી. પાણી જે લાઈનોમાંથી આવતું હતું તે પાણીને માફિયાઓ ચોરી કરીને વેચી રહ્યા છે. આજે સમગ્ર સિંધમાં 48 હજાર શાળાઓ છે, જેમાંથી 11 હજાર ભૂતિયા શાળાઓ હોવાનું જાણવા મળે છે. આપણા દેશમાં 2 કરોડ 62 લાખ બાળકો શાળાએ જતા નથી. આ આંકડો ભયાનક છે. પાકિસ્તાનના કરાચી જેવા શહેરો પાયાની સુવિધાઓ માટે તરસી રહ્યા છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુઝરે આપ્યા પ્રતિભાવ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક યુઝરે લખ્યું કે પાકિસ્તાનનો ધર્મ તેના વિકાસમાં અવરોધ ઊભો કરી રહ્યો છે. જો તેઓ બિનસાંપ્રદાયિક બનશે તો તેઓ ઝડપથી વિકાસ કરશે. જો પાકિસ્તાનના લોકો વિકાસ ઈચ્છે છે અને એના માટે પ્રયાસ કરશે તો તે ચોક્કસપણે શક્ય બનશે.
અન્ય એક યુઝરે કહ્યું, આજે પાકિસ્તાન અફઘાનિસ્તાન બની રહ્યું છે. સેનાના દબદબાને ખતમ કરવાની જરૂર છે, જેથી કરીને આતંકવાદ પર અંકુશ લાવી શકાય. પાકિસ્તાનમાં આવું થવામાં ઘણી સદીઓ લાગશે.
પાકિસ્તાનમાં વડાપ્રધાનો અને સાંસદો સહિત ઘણા લોકો અવારનવાર દેશની સરખામણી ભારત સાથે કરે છે. થોડા દિવસ પહેલાં પીએમ શાહબાઝ શરીફે કહ્યું હતું કે જો પાકિસ્તાન સખત મહેનત કરે તો તે ભારત અને વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓને પાછળ છોડી શકે છે.
લગભગ બે મહિના પહેલાં પાકિસ્તાનના વિદેશમંત્રીએ ભારત સાથે વેપાર ફરી શરૂ કરવાની વાત કરી હતી. લંડનમાં પાકિસ્તાની હાઈ કમિશનમાં એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન ઈશાકે કહ્યું હતું કે વેપાર ફરીથી શરૂ કરવા માટે પાકિસ્તાન સરકાર આ મામલાને લગતા તમામ લોકોની સલાહ લેશે અને તમામ પ્રસ્તાવોની સમીક્ષા કર્યા પછી જ કોઈ નિર્ણય લેવામાં આવશે.
પાકિસ્તાનની આર્થિક સ્થિતિ પર નજર રાખો…
હાલમાં પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે. છેલ્લા એક વર્ષમાં તેણે ત્રણ વખત IMF પાસેથી લોન લીધી છે. 30 એપ્રિલે IMF તરફથી 9.183 હજાર કરોડ રૂપિયાની નાણાકીય સહાય મળ્યા બાદ મે મહિનામાં પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર વધીને 1.20 લાખ કરોડ રૂપિયા થઈ ગયો.
પાકિસ્તાનની ખરાબ હાલતથી દરેક વ્યક્તિ વાકેફ છે. સ્થિતિ એ સ્તરે પહોંચી ગઈ છે કે આર્થિક સંકટનો સામનો કરી રહેલી પાકિસ્તાનની સરકારે હવે પોતાની તમામ સરકારી કંપનીઓને વેચવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ પીઓકેના લોકો પણ સરકાર સામે વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે.
ગયા મહિને (એપ્રિલ 2024) પાકિસ્તાનમાં ફુગાવાના દરમાં 17.3%નો ઘટાડો નોંધાયો હતો. દેશના નાણા મંત્રાલયના ડેટા અનુસાર, એ 2 વર્ષમાં સૌથી નીચો હતો. બરાબર એક વર્ષ પહેલાં મે 2023માં પાકિસ્તાનમાં મોંઘવારી દર 38% પર પહોંચી ગયો હતો.