સોલાર સ્ટોર્મ એટલે શું? પૃથ્વી પર તેનાથી કેટલુ નુકશાન થાય છે?

solar-storm

પૃથ્વીવાસીઓએ સૌથી વિધ્વંસક સોલાર સ્ટોર્મ 1859ની પહેલી અને બીજી સપ્ટેમ્બરે અનુભવેલું. એ વખતે સોલાર સ્ટોર્મ્સના પ્રતાપે આખી દુનિયાના ટેલિગ્રાફ મશીન્સ ખોટકાઈ ગયેલાં, એટલું જ નહીં, કેટલાંક ટેલિગ્રાફ સ્ટેશન્સમાં તો આગ પણ લાગી ગઈ હતી.

વાવાઝોડું કે સાયક્લોન જેવા શબ્દોથી આપણે સુપેરે પરિચિત છીએ. દર વર્ષે આખી દુનિયામાં અનેક સ્થળોએ આ પ્રકારનાં તોફાનો આવતાં જ રહે છે, પણ સૌર તોફાનો જરા જુદા જ પ્રકારની, વિરલ ગણાતી ઘટના છે. છેલ્લે 2005માં આપણે, એટલે કે પૃથ્વીવાસીઓએ સૌર તોફાનોનો સામનો કર્યો હતો.

નેશનલ વેધર સર્વિસના સ્પેસ વેધર પ્રિડિક્શન સેન્ટર (SWPC) એ જણાવ્યું છે કે 3 સપ્ટેમ્બરે પૃથ્વી પર સૌર વાવાઝોડું આવ્યું હતું. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના સૌર મિશન આદિત્ય એલ-1 (આદિત્ય-એલ1)ના પ્રક્ષેપણ પછી આ પ્રથમ વખત હતું જ્યારે સૌર તોફાન પૃથ્વી પર ત્રાટક્યું હતું.

આવી સ્થિતિમાં આપણા માટે એ જાણવું જરૂરી છે કે સૌર તોફાન શું છે? શું તેની ટક્કર પૃથ્વી માટે ખતરો બની શકે છે? શું સૌર વાવાઝોડાથી માનવ જીવન માટે કોઈ ખતરો છે? તો ચાલો જાણીએ આ બધા સવાલોના જવાબ…?

સૂર્યની સૌથી બહારનું આવરણ `કોરોના’ તરીકે ઓળખાય છે. આ કોરોનામાં હોટ આયોનાઈઝ્ડ ગેસ – પ્લાઝમા રહેલો હોય છે. જ્યારે સૂર્યનું કોરોના મોટી સંખ્યામાં પ્લાઝમા (ઇલેક્ટ્રોન જેવા વીજભાર ધરાવતા અણુઓ) રિલીઝ કરે, ત્યારે એની સાથે ખાસ પ્રકારના મેગ્નેટિક ફિલ્ડ પણ પેદા થાય છે. આ પ્રકારની ઘટનાને કોરોનલ માસ ઇજેક્શન્સ – CME તરીકે ઓળખવામાં આવે છે. CMEની ઘટના બને ત્યારે સૂર્યના ગોળા ઉપરથી જ્વાળાઓ ઊઠતી હોય એવું દૃશ્ય રચાય છે. આ જ્વાળાઓને સન ફ્લેર કહે છે. આવી કેટલીક સન ફ્લેર્સ પૃથ્વીના વાતાવરણ સુધી પહોંચે છે. ધ્રુવીય પ્રદેશોના આકાશમાં જે નયનરમ્ય રંગબેરંગી રોશની દેખાય છે, એના માટે આ જ સન ફ્લેર્સ કારણભૂત ગણાય, પરંતુ જો કોરોનલ માસ ઇજેક્શન્સ – CME નિયત કરતાં વધુ પ્રમાણમાં થાય, ત્યારે સૂર્યના ગોળા ઉપર જાણે તોફાનો સર્જાયાં હોય એવી પરિસ્થિતિ ઊભી થાય છે. નાસા CME અને સન ફ્લેર સહિતના સોલાર સ્ટોર્મના અભ્યાસમાં ખૂબ મહેનત કરે છે, કારણ કે આ પ્રકારની ઘટનાઓની સંભવિત વિધ્વંસક શક્તિ વિશે નાસાને ખબર છે. વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે પૃથ્વી ઉપર હાજર મોટામાં મોટા ન્યુક્લિયર વેપન કરતાં અનેક ગણી વધારે એક સામાન્ય સોલર ફ્લેરમાં હોય છે! એક અંદાજ મુજબ એક સોલર ફ્લેરમાં અબજો મેગાટન ન્યુક્લિયર બોમ્બ સમકક્ષ એનર્જી હોય છે! રાહતની વાત એ છે કે, સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરને કારણે આપણે સોલર ફ્લેર્સથી બચી જઈએ છીએ. ધારો કે એ કોઈ શક્તિશાળી સોલર ફ્લેર પૃથ્વી સુધી પહોંચી પણ જાય, તો અહીં પહોંચતા સુધીમાં એની મોટા ભાગની ઊર્જા વપરાઈ ચૂકી હોવાની અને જે થોડીઘણી ઊર્જા બચી હોય, એ પૃથ્વીના વાતાવરણમાં શોષાઈ જાય.

પૃથ્વીની સપાટી નજીક પહોંચતા સુધીમાં સોલર ફ્લેરની ઊર્જા ભલે ઘટી ગઈ હોય, પણ આપણને તબાહ કરી નાખવા માટે એટલી ઊર્જા જ પૂરતી છે, કારણ કે આપણે સહુ ઈન્ટરનેટ અને ઈલેકિ્ટ્રસિટી વાપરીએ છીએ, કારણ કે હેવી સોલર ફ્લેર્સ આપણી પાવર ગ્રીડ ખોરવી નાખવા સક્ષમ હોય છે. અને ધારો કે કોઈક વાર CMEની મોટી ઘટના બને અને થોડા કલાકો માટે પૃથ્વીના ઉત્તર (કે દક્ષિણ) ગોળાર્ધમાં આવેલા અનેક દેશો વીજળીવિહોણા થઇ જાય, તો?! સોલર ફ્લેર્સ જો પૃથ્વીની આસપાસ ચકરાવો લેતા સેટેલાઈટ્સને ફૂંકી મારે તો?!

જો ખરેખર આવું થાય તો આંતરરાષ્ટ્રીય સંદેશાવ્યવહાર તો છોડો, શેરમાર્કેટ, હોસ્પિટલ્સ, રેલવે સહિતના માસ ટ્રાન્સપોર્ટેશન્સ સહિતની આધુનિક યુગની મોટા ભાગની વ્યવસ્થાઓ ખરાબ રીતે પડી ભાંગે! પાયાની સુવિધાઓ ખોરવાઈ જવાને કારણે અનેક નિર્દોષ લોકોએ જીવ સુધ્ધાં ગુમાવવો પડે! અવકાશયાત્રીઓ અને દરિયાના પેટાળમાં સંશોધન કરી રહેલા સાહસિકો જો દિવસો સુધી સંપર્કવિહોણા થઇ જાય તો એમણે જીવ ગુમાવવાનો જ વારો આવે અને સાથે જ હજારો કરોડના પ્રોજેક્ટ્સનું પણ અચ્યુતમ કેશવમ થઇ જાય!

નાસા કહે છે કે ફેબ્રુઆરી, 2022ના છેલ્લા અઠવાડિયા દરમિયાન સૂર્ય બહુ વિનાશક મૂડમાં હતો, જે દરમિયાન એની સપાટી પર કેટલાક ભયાનક ધડાકાઓ થયા! સદનસીબે આ ધડાકાઓ પૃથ્વીની દિશામાં નહોતા, એટલે આપણે એની અસરોથી બચી ગયા, પરંતુ જો સોલાર સ્ટોર્મના ઇતિહાસની વાત કરીએ તો પૃથ્વીવાસીઓએ સૌથી વિધ્વંસક સોલાર સ્ટોર્મ 1859ની પહેલી અને બીજી સપ્ટેમ્બરે અનુભવેલું. એ વખતે સોલાર સ્ટોર્મ્સના પ્રતાપે આખી દુનિયાના ટેલિગ્રાફ મશીન્સ ખોટકાઈ ગયેલાં, એટલું જ નહીં, કેટલાંક ટેલિગ્રાફ સ્ટેશન્સમાં તો આગ પણ લાગી ગઈ! એ જમાનામાં આજના જેવી મસમોટી પાવર ગ્રીડ્સ નહોતી, પણ આજની તારીખે જો એ સમય જેવું વિનાશક સોલાર સ્ટોર્મ ત્રાટકે અને વિશ્વભરને ઊર્જા પૂરી પાડતી પાવર ગ્રીડ્સને ફેઈલ કરી નાખે, તો આપણું શું થાય?! તમે આ વાંચતા હશો ત્યાં સુધીમાં અમેરિકન સ્પેસ વેધર પ્રિડિક્શન સેન્ટર દ્વારા જેની આગાહી કરવામાં આવી છે, એ G4 સિગ્નલનું સૌર તોફાન તો પસાર થઇ ગયું હશે, પણ ભવિષ્યમાં મહાવિનાશક તોફાન ત્રાટકે તો આપણે શું કરવાનું? હજી સુધી તો કોઈ પાકો જવાબ નથી.