ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ ડૉ. કમલા બેનીવાલનું 97 વર્ષની વયે જયપુરની ફોર્ટિસ હોસ્પિટલમાં નિધન થયું છે. ડૉ. કમલા બેનીવાલ રાજસ્થાનના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન પણ હતા. તેઓ 7 વખતના ધારાસભ્યપદે રહ્યાં હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેઓ કોંગ્રેસના વરિષ્ઠ રાજકારણી હતા.
કમલા બેનીવાલને 27 નવેમ્બર 2009ના રોજ ગુજરાતના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અગાઉ કેન્દ્ર સરકારે તેમને ત્રિપુરાના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા હતા. જ્યારે તે ગુજરાતના રાજ્યપાલ બન્યા ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. તેમની સાથે અનેક મુદ્દે મતભેદો હતા. જેમાં લોકાયુક્તની નિમણૂકનો મુદ્દો ખૂબ ચર્ચાયો હતો.
1954માં 27 વર્ષની વયે વિધાનસભા ચૂંટણી જીતીને કમલા બેનીવાલ રાજસ્થાન સરકારમાં પ્રથમ મહિલા મંત્રી બન્યા હતા. અગાઉ અશોક ગેહલોતની સરકારમાં કમલા બેનીવાલ ગૃહ, શિક્ષણ અને કૃષિ મંત્રાલય સહિત અનેક વિભાગોના મંત્રી હતા. તે રાજ્યના નાયબ મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે.
કમલા બેનીવાલનો જન્મ રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના ગોરીર ગામમાં એક જાટ પરિવારમાં થયો હતો. તેમનું પ્રાથમિક ભણતર ઝુંઝુનુમાં જ થયું હતું. તેમણે અર્થશાસ્ત્ર, રાજકીય વિજ્ઞાન અને ઇતિહાસમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. તેમણે ઈતિહાસ વિષયમાં એમ.એ.નો અભ્યાસ કર્યો હતો. કમલા બેનીવાલને સ્વિમિંગ, ઘોડેસવારી અને કળાનો શોખ હતો. તેમણે 11 વર્ષની ઉંમરે ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો હતો. 27 વર્ષની વયે 1954માં વિધાનસભાની ચૂંટણી જીતીને તેઓ રાજસ્થાન સરકારમાં પ્રથમ મહિલા મંત્રી બન્યા હતા. દિવંગત પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા તેમને કોપર પ્લેટથી સન્માનિત કરવામાં આવ્યા હતા.