લોકસભા ચૂંટણી 2024 માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી બેઠક પર ઉમેદવારી નોંધાવી

Modi-Varanasi

વડાપ્રધાન ત્રીજી વખત કાશીથી ચૂંટણી લડી રહ્યા છે
વારાણસી લોકસભા બેઠક માટે અંતિમ તબક્કામાં પહેલી જૂને મતદાન યોજાશે

LOKSABHA ELECTION 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશની વારાણસી લોકસભા બેઠક પર પોતાની ઉમેદવારી નોંધાવી હતી. પીએમ મોદીએ આ બેઠક પર સતત ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે. આજે પુષ્ય નક્ષત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામાંકન દાખલ કર્યું હતું. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહ્યા હતા. નામાંકન ભરતા પહેલા વડાપ્રધાન મોદી પહેલા બનારસમાં દશાશ્વમેધ ઘાટ ગયા અને ત્યાર બાદ કાલ ભૈરવ મંદિરે દર્શન કર્યા હતા.

વારાણસી લોકસભા બેઠક માટે અંતિમ તબક્કામાં પહેલી જૂને મતદાન યોજાશે. પીએમ મોદીની સાથે ઉમેદવારી નોંધાવતી વખતે ત્યાં 12 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ભાજપના ઘણા મોટા નેતાઓ અમિત શાહ, રાજનાથ સિંહ, ચિરાગ પાસવાન, રામદાસ આઠવલે, અમિત શાહ, જયંત ચૌધરી, ઓમ પ્રકાશ રાજભર, સંજય નિષાદ, અનુપ્રિયા પટેલ, પ્રફુલ પટેલ, ચંદ્રાબાબુ નાયડુ, એકનાથ શિંદે, હરદીપ પુરી, પવન કલ્યાણ પણ હાજર રહ્યા હતા. પીએમ મોદીના નોમિનેશન દરમિયાન સીએમ યોગી તેમની પાછળ બેઠેલા જોવા મળ્યા હતા.

પીએમ મોદીના નામાંકન માટે ચાર પ્રસ્તાવકો હતા – પંડિત ગણેશ્વર શાસ્ત્રી, બૈજનાથ પટેલ, લાલચંદ કુશવાહ અને સંજય સોનકર. તેમજ ત્યાં ચૂંટણી અધિકારીની જવાબદારી નિભાવી રહેલા વારાણસી જિલ્લા મેજિસ્ટ્રેટ એસ. રાજલિંગમ હતા. એ સમયે દેશના સર્વોચ્ચ પદ પર રહેલા પીએમ મોદી ઉભા થઈને લોકશાહીના સૈનિકને સલામ કરે છે. જે લોકશાહીની ખરેખર એક મજબૂત તસવીર છે.

ગઈ કાલે વડાપ્રધાન મોદીએ સોમવારે સાંજે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં મદન મોહન માલવિયાની પ્રતિમાને પુષ્પાંજલિ કર્યા બાદ રોડ શો પણ કર્યો હતો. આ છ કિલોમીટર લાંબા રોડ શો દરમિયાન લોકોએ ફૂલોની વર્ષા કરીને તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદી અઢી કલાક સુધી ચાલેલા છ કિલોમીટર લાંબા રોડ શોનું સમાપન કર્યા બાદ કાશી વિશ્વનાથ ધામ મંદિર પહોંચ્યા હતા.