ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એટલે કે 14મી મેના રોજ વારાણસીથી લોકસભા ચૂંટણી માટે ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન તેમણે ચૂંટણી પંચને આપેલા એફિડેવિટમાં તેમણે તેમની સંપત્તિ, અભ્યાસની વિગતો આપી છે. જે મુજબ જાણો વડાપ્રધાનની કુલ સંપત્તિ કેટલી છે.
એફિડેવિટ મુજબ, તેમની પાસે ન તો કોઈ ઘર છે, ન જમીન કે કાર. વડાપ્રધાન મોદી પાસે 52,920 રૂપિયા રોકડા છે.સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં તેમના બે ખાતા છે. આમાંથી એક ખાતું ગુજરાતનાં ગાંધીનગરમાં છે અને બીજું ખાતું વારાણસીની શિવાજી નગર શાખામાં છે. પીએમ મોદીના ગુજરાતના બેંક ખાતામાં 73,304 રૂપિયા અને વારાણસીના ખાતામાં 7000 રૂપિયા જમા છે. પીએમ મોદી પાસે એસબીઆઈમાં 2 કરોડ 85 લાખ 60 હજાર 338 રૂપિયાની એફડી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમાં 9 લાખ 12 હજાર રૂપિયાનું રોકાણ કર્યું છે. આ ઉપરાંત, જંગમ સંપત્તિમાં તેમની પાસે ચાર સોનાની વીંટી છે, જે તેમણે વર્ષોથી સંભાળી રાખી છે. પરંતુ તેઓ આ વીટીંઓને પહેરતા નથી. જેનું કુલ વજન 45 ગ્રામ છે અને તેની કિંમત 2 લાખ 67 હજાર 750 રૂપિયા છે. વડાપ્રધાન મોદીના એફિડેવિટ મુજબ તેમની પાસે ન તો કોઈ ઘર છે કે ન તો કોઈ જમીન. આ સ્થિતિમાં તેમની કુલ સંપત્તિ 3 કરોડ 2 લાખ 6 હજાર 889 રૂપિયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી એફિડેવિટમાં પોતાની શૈક્ષણિક લાયકાત વિશે પણ માહિતી આપી છે. જે મુજબ પીએમ મોદીએ 1967માં ગુજરાત બોર્ડમાંથી એસએસસીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ તેમણે 1978માં દિલ્હી યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ આર્ટસ કર્યું હતુ અને ત્યારબાદ 1983માં ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ઓફ આર્ટસની ડીગ્રી મેળવી હતી.