ગંગા સપ્તમી પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગંગામાં સ્નાન કરવા આવે છે.
વહીવટીતંત્રની વિનંતી પર મોડી રાત સુધી શ્રદ્ધાળુઓને મંદિરમાં દર્શન આપવામાં આવ્યા હતા.
ભીડને કાબૂમાં રાખવા પોલીસ પરેશાન, સુરક્ષા-વ્યવસ્થાના તમામ પ્રયાસો ચાલુ છે
ઉત્તરાખંડની વિશ્વ પ્રસિદ્ધ ચારધામ યાત્રા 2024 હર્ષોલ્લાસ સાથે શરૂ થઈ ગઈ છે. અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના દિવસે કેદારનાથ ધામની સાથે યમુનોત્રી ધામના કપાટ ખુલ્યા હતા. ત્યારબાદ હજારો ભક્તો અહીં પહોંચી રહ્યા છે. આ વખતે યમુનોત્રી અને ગંગોત્રી ધામ પહોંચેલા તીર્થયાત્રીઓએ અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ખાસ કરીને છેલ્લા બે દિવસથી વિક્રમી ભીડ ભેગી થવાને કારણે મંદિર સમિતિએ મોડી રાત સુધી ધામોમાં દર્શનની છૂટ આપી છે, જ્યારે યમુનોત્રીની ભીડ અને ગંગા સપ્તમી પર મોટી સંખ્યામાં ભક્તોની ગંગોત્રી પહોંચવાનો ટ્રેન્ડ ચાલુ છે. જેના કારણે ધામમાં ભારે ચહલપહલ જોવા મળી રહી છે.
અહીં રેકોર્ડ ભીડ એકત્ર થતાં પોલીસ-પ્રશાસન દ્વારા મોડી રાત સુધી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં વહીવટી તંત્રની ચિંતા વધી ગઈ છે કારણ કે ક્ષમતા કરતા વધુ શ્રદ્ધાળુઓ આવવાના કારણે લોકોના જીવ પર જોખમ વધી ગયું છે. ભીડ પર કાબુ મેળવવા પોલીસને પણ પરસેવો છુટી ગયો છે. આ કારણે પોલીસે લોકોને હાલ યમુનોત્રી ન આવવા અપીલ કરી છે.
આ વખતે ચારધામમાં વિક્રમી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. લગભગ 6 કિમીના અંતરે ચાલીને યમુનોત્રી ધામમાં પણ વિક્રમી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. 2023માં 28 મેના રોજ સૌથી વધુ 12045 તીર્થયાત્રીઓ યમુનોત્રી ધામ પહોંચ્યા હતા, જે છેલ્લા ઘણા વર્ષોનો રેકોર્ડ હતો, પરંતુ આ વર્ષે 12148 યાત્રિકો છેલ્લા દિવસે યમુનોત્રી પહોંચ્યા હતા અને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. ઉલ્લેખનીય છે કે યમુનોત્રી ધામમાં દર્શન કરવા માટે ઉમટી રહેલી શ્રદ્ધાળુઓની ભીડને કારણે લગભગ પાંચથી છ કિલોમીટરના ચાલવાના માર્ગ કે જે ખૂબ જ સાંકડો છે ત્યાં અકસ્માતનો ભય રહે છે.
હાલ યમુનોત્રીમાં ભક્તોની ભીડને કાબુમાં લેવા માટેનો સિલસિલો યથાવત્ છે. ભક્તોને કોઈપણ અગવડતા ઉભી ન થાય તે માટે વહીવટી તંત્રએ બેરિયર અને ગેટ સિસ્ટમની શરૂઆત કરી દીધી છે. તો બીજી તરફ યમુનોત્રીના ભક્તોએ ગંગોત્રી ધામ તરફ પ્રયાણ કરતા ત્યાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે. ગંગોત્રીમાં બે દિવસમાં રેકોર્ડ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે.
ગંગા સપ્તમી પર પણ મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. 29 મે-2023ના રોજ યમુનોત્રી બાદ ગંગોત્રીમાં એક દિવસમાં રેકોર્ડ 13670 શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા, જ્યારે આ વર્ષે આ આંકડો 18973 પર પહોંચી ગયો છે. એટલે કે બહોળી સંખ્યામાં ઉમટેલા ભક્તોએ ગત વર્ષોના તમામ રેકોર્ડો તોડી નાખ્યા છે. ભક્તોનો સૌથી વધુ ભીડ ગંગા સપ્તમી પરની ટિહરી અને ઉત્તરકાશી જિલ્લામાં જોવા મળી રહી છે, જેને કાબુમાં લેવા માટે વહિવટી તંત્ર અને પોલીસ ખડેપગે ઉભી રહી સતત સુરક્ષા-વ્યવસ્થાના તમામ પ્રયાસો કરી રહી છે.
જિલ્લા અધિકારી ડૉ.મેહરબાન સિંહ બિષ્ટે કહ્યું કે, યમુનોત્રી ધામમાં ગેટ સિસ્ટમ શરૂ કરાયા બાદ તમામ ટ્રાફિક ગંગોત્રી માર્ગ તરફ ડાયવર્ટ થઈ ગયો છે. આ કારણે રસ્તાઓ પણ ઘણી બસો ફસાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. ગંગોત્રીમાં ભારે ભીડ સર્જાતા ભક્તોને મોડી રાત સુધી દર્શન કરવા દેવાયા છે. યાત્રાના માર્ગ પર અધિકારીઓ અને કર્મચારીઓને પણ તહેનાત કરાયા છે. આ ઉપરાંત ભક્તોને ભોજન, પાણી, મેડિકલ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા પણ આદેશ અપાયા છે. હાલ બંને ધામોમાં ભારે ભીડ જોવા મળી રહી છે.