સ્વાતિ માલિવાલ સાથે ગેરવર્તન થયું હોવાનો ‘આપ’નો સ્વીકાર, કેજરીવાલના પીએ સામે કડક પગલાં લેવાની ખાતરી

કેજરીવાલના PAએ મારી પર હુમલો કર્યોઃ AAP સાંસદ સ્વાતિ માલીવાલની ફરિયાદને 30 કલાક બાદ આપ પાર્ટીએ મૌન તોડ્યું

આમ આદમી પાર્ટીનાં રાજ્યસભા સાંસદ અને દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલ સાથે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને ગેરવર્તન થયાની વાત સ્વાતિ માલીવાલની ફરિયાદને 30 કલાક બાદ આપ પાર્ટીએ સ્વીકારી હતી. અને કહ્યું હતું કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ મામલે સંજ્ઞાન લીધું છે અને કેજરીવાલનાં પીએ વિભવકુમાર સામે કડક પગલા લઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલ પર કથિત હુમલાના મામલે આમ આદમી પાર્ટીએ લગભગ 30 કલાક બાદ મૌન તોડ્યું છે.

સોમવારે સવારે બનેલી ઘટના બાદ છેક મંગળવારે સાંજે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, ‘કાલે એક નિંદનીય ઘટના બની. કાલે સવારે સ્વાતિ માલીવાલ અરવિંદ કેજરીવાલજીને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યાં હતાં. સ્વાતિ માલીવાલ ડ્રોઈંગ રુમમાં કેજરીવાલની રાહ જોઈ રહ્યાં હતાં. ત્યારે કેજરીવાલનાં પીએ બિભવ કુમારે સ્વાતિ માલીવાલજીની સાથે અયોગ્ય અને અભદ્ર ગેરવર્તન કર્યું હતું. જે અંગેની જાણકારી સ્વાતિ માલીવાલે 112 પર કોલ કરીને પોલીસને આપી. આ ઘટનાની જેટલી નિંદા કરવામાં આવે તેટલી ઓછી છે. મુખ્યમંત્રીએ આ મામલે સંજ્ઞાન લીધું છે અને તેઓ યોગ્ય કાર્યવાહી કરશે.

વધુમાં સંજય સિંહે કહ્યું કે, અરવિંદ કેજરીવાલજીએ સમગ્ર ઘટનાને ધ્યાનમાં લીધી છે અને કડક કાર્યવાહી કરવાનું કહ્યું છે. તેમણે કહ્યું, સ્વાતિ માલીવાલજીએ દેશ અને સમાજ માટે મોટું કામ કર્યું છે. સ્વાતિ માલીવાલ પાર્ટીની જૂના અને સીનિયર લીડરમાંથી એક છે. અમે તેમની સાથે જ છીએ. નિશ્ચિત રુપે આ જે સમગ્ર પ્રકરણ થયું તેને મુખ્યમંત્રીજીએ ગંભીરતાથી સંજ્ઞાનમાં લીધી અને કાર્યવાહી કરશે. આમ આદમી પાર્ટી આવા લોકોનું સમર્થન નથી કરતી.

દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષા સ્વાતિ માલીવાલની પીસીઆર કોલ અને પોલીસ સ્ટેશનની ઘટના બાદથી અનેક અટકળો ચર્ચાઈ રહી છે. જો કે આમ આદમી પાર્ટી કે સ્વાતિ માલીવાલ દ્વારા કોઈ સાર્વજનિક નિવેદન નથી કરવામાં આવ્યં. મંગળવારે રાજ્યસભા સાંસદ સંજય સિંહ પાર્ટીનો મેસેજ લઈને મીડિયાની સામે આવ્યા. તેમણે ઘટનાની વિગત આપતા કહ્યું કે, સમગ્ર પાર્ટી માલીવાલની સાથે જ છે અને બિભવ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

ભાજપ કોર્પોરેટરોએ દિલ્હી નગર નિગમની બેઠકમાં સ્વાતિ માલીવાલના મુદ્દે આમ આદમી પાર્ટીને ઘેરી હતી. મંગળવારે 11 વાગ્યે દિલ્હી નગર નિગમની બેઠકમાં મેયર શૈલી ઓબેરોય પોતાની સીટ પર પહોંચતા જ ભાજપના કોર્પોરેટરોએ હોબાળો કર્યો હતો અને કેજરીવાલના રાજીનામાની માંગ કરવા લાગ્યા હતા. આ બધુ જોઈને મેયરે બેઠકને સ્થગિત કરી દીધી.

ઉલ્લેખનિય છે કે, સોમવારે સવારે સ્વાતિ માલીવાલે પીસીઆરને કોલ કરીને કહ્યું હતું કે મુખ્યમંત્રી નિવાસસ્થાને તેની સાથે મારપીટ કરવામાં આવી હતી. તે પોલીસ સ્ટેશન પણ પહોંચી હતી, પરંતુ એક ફોન કોલ બાદ તેઓ FIR નોંધાવ્યા વગર એવું કહીને પરત ફર્યાં હતા કે પછીથી આવીને લેખિત ફરિયાદ કરશે.