દિલ્હી કેપિટલ્સની ટીમને લાગ્યો મોટો ઝટકો, ઋષભ પંતરોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામેની મેચમાં નહી રમી શકે
IPL 2024માં દિલ્હી કેપિટલ્સ માટે મુશ્કેલીઓ વધી છે. રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મેચમાં સ્લો ઓવર રેટની પેનલ્ટીનાં કારણે દિલ્હી કેપિટલ્સનાં કેપ્ટન ઋષભ પંત પર એક મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સિવાય ઋષભ પંતને 30 લાખ રુપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. દિલ્હી કેપિટલ્સને પ્લેઓફમાં પહોંચવા માટે આ મોટો ફટકો છે.
રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ સ્લો ઓવર રેટ માટે દંડ ફટકાર્યો
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત પર IPL કોડ ઓફ કન્ડક્ટના ઉલ્લંઘન કરવા માટે એક મેચ માટે પ્રતિબંધ મૂકી દેવાયો છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં 7 મે, 2024નાં રોજ રમાયેલ IPLની મેચ નંબર 56 દરમિયાન ઋષભ પંતની ટીમ દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ સ્લો ઓવર રેટ અંતર્ગત બોલિંગ કરી હતી. IPLના કોડ ઓફ કન્ડક્ટ અંતર્ગત ઋષભ પંતની ટીમ દિલ્હી કેપિટલ્સની આ સીઝનની ત્રીજી ભૂલ હતી, તેથી ઋષભ પંત પર 30 લાખ રુપિયાનો દંડ અને એક મેચ માટે પ્રતિબંધ મૂકી દેવાયો છે. સ્લો ઓવર રેટના કારણે માત્ર પંત જ નહીં પરંતુ ઈમ્પેક્ટ પ્લેયર્સ સહિત અન્ય તમામ ખેલાડીઓએ 12 લાખ રૂપિયા અથવા મેચ ફીના 50 ટકા ચૂકવવા પડશે.
IPLમાં આ રીતે સ્લો ઓવર રેટ થવા પર દંડ થાય છે
IPLમાં સ્લો ઓવર રેટ સાથે સંબંધિત આચારસંહિતા હેઠળ જો કોઈ ટીમનો કેપ્ટન પહેલો ગુનો કરે છે તો તેને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. જો તે કેપ્ટન IPL સીઝનમાં બીજી વખત સ્લો ઓવર રેટનો ગુનો કરે છે, તો 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. જો ત્રીજી વખત ભૂલ થાય છે તો કેપ્ટન પર એક મેચનો પ્રતિબંધ અને 30 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવે છે.
દિલ્હી કેપિટલ્સે નિર્ણયને પડકાર આપ્યો હતો, પછી…
IPL કોડ ઓફ કન્ડક્ટના આર્ટિકલ 8 મુજબ, દિલ્હી કેપિટલ્સે મેચ રેફરીના નિર્ણયને પડકારતા અપીલ કરી હતી. જે બાદ અપીલની સમીક્ષા માટે BCCI લોકપાલ પાસે મોકલવામાં આવ્યો. લોકપાલે જે બાદ આ મામલાની વર્ચ્યુઅલ સુનાવણી કરી. જે બાદ મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને બાધ્યકારી માનવામાં આવ્યો.