તિહાર જેલમાંથી બહાર આવતા જ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું, કહ્યું- દેશને સરમુખત્યારશાહીથી બચાવવાનો છે
દિલ્હી લિકર પૉલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડ્રિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે કેજરીવાલને 1 જૂન સુધીના વચગાળાના જામીન આપ્યા હતા. જેલમાંથી બહાર નીકળતા જ તેઓ પોતાની ગાડીમાં બેસીને ત્યાં હાજર લોકોનું અભિવાદન કર્યું અને સીધા જ ઘરે જવા માટે રવાના થઈ ગયા. અરવિંદ કેજરીવાલનું સ્વાગત કરવા માટે તિહાર જેલની બહાર તેમના પત્ની સુનીતા કેજરીવાલ તેમજ આમ આદમી પાર્ટીના હજારો કાર્યકર્તા હાજર હતા.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે એટલે કે 10 મે શુક્રવારે સાંજે 6.55 કલાકે 39 દિવસ પછી જેલમાંથી બહાર આવી ચૂક્યા છે. તિહાર જેલમાંથી તેઓ પોતાના ઘરે જવા માટે રવાના થયા હતા. આમ આદમી પાર્ટીના મહાસચિવ સંદીપ પાઠક ગાડીમાં તેમની સાથે હાજર હતા, તો તેમના પત્ની સુનીતા કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ તિહાર પહોંચ્યા હતા.
પહેલા માનવામાં આવતું હતું કે કેજરીવાલ જેલમાંથી નીકળ્યા બાદ પાર્ટી નેતાઓ અને કાર્યકર્તાઓને કંઈક સંદેશો આપશે પરંતુ તેઓ કંઈ બોલ્યા વગર જ સીધા જ પોતાના નિવાસસ્થાને જવા માટે રવાના થઈ ગયા. જો કે રસ્તામાં એક જગ્યાએ થોડીવાર માટે તેઓ રોકાયા અને કાર્યકર્તાઓને સંબોધિત કરતા દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું, હું તમામ લોકોનો આભાર માનું છું. દેશભરના લોકોના આશીર્વાદ અને દુઆઓ મોકલી, તે માટે તેમનો આભાર.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, સુપ્રીમ કોર્ટનો આભાર. આપ સૌનો આભાર. કરોડો લોકોનો આભાર. તમારી વચ્ચે આવીને ખુબ સારું લાગી રહ્યું છે. દેશને તાનાશાહીથી બચાવવાનો છે. તાનાશાહી વિરૂદ્ધ સંઘર્ષ છે. કેજરીવાલે કહ્યું કે, કાલે 1 વાગ્યે પાર્ટી કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરવામાં આવશે. આ દરમિયાન આગળની રણનીતિ પણ બનાવવામાં આવશે.
અરવિંદ કેજરીવાલે ત્યાં હાજર લોકોને લોકતંત્રની રક્ષા માટે લડવાની અપીલ કરી.કહ્યું કે, હું તન, મન અને ધનથી દેશને સરમુખત્યારશાહીથી બચાવવા માટે લડી રહ્યો છું. પરંતુ આ લડાઈ મારા એકલાની નથી. આ લડાઈમાં દેશના 140 કરોડ લોકોનો સાથ જોઈએ. તેમણે કાર્યકર્તાઓને કહ્યું કે, કાલે 11 વાગ્યે તમામ લોકો હનુમાન મંદિર પહોંચો, ત્યાં આપણે લોકો આપણી લડાઈને યથાવાત રાખવા માટે હનુમાનજીના આશીર્વાદ લઈશું.
આજે મુખ્યમંત્રી કેજરીવાલ જેલમાંથી બહાર આવતા દિલ્હીમાં AAP કાર્યકરોએ તિહાર જેલની બહાર ઉજવણી કરી હતી અને એકબીજાને મીઠાઈ ખવરાવી હતી.
કેજરીલવાલને પાંચ શરતો સાથે મળ્યા જામીન
- જામીન બોન્ડ માટે 50 હજાર રૂપિયા જમા કરાવવા પડશે.
- તેઓ મુખ્યમંત્રી કાર્યાલય કે સચિવાલય જઈ શકશે નહીં.
- સત્તાવાર ફાઈલો પર સહી કરી શકશે નહીં. ખૂબ જરૂરી ફાઇલ પર સહી કરવા માટે LGની પરમીશન લેવી લડશે.
- કેસમાં પોતાની ભૂમિકા મામલે કોઈ ટિપ્પણી નહીં કરી શકે.
- કોઈ પણ સાક્ષી સાથે વાતચીત નહીં કરી શકે.