શેરબજારમાં આજે અઠવાડિયાનો સૌથી મોટો કડાકોઃ સેન્સેક્સ 1,062 પોઇન્ટ તૂટી 72,404 પર પહોંચ્યો

stock-market-down

મે મહિનાનો બીજો મોટો ઘટાડો ગુરુવારે શેરબજારમાં જોવા મળ્યો, રોકાણકારોના 7.6 લાખ કરોડ ડૂબ્યા

ભારતીય શેરબજારમાં ભીષણ મંદીનો માહોલ જોવા મળ્યો છે. વિદેશી રોકાણકારોની વેચવાલી તથા ડેરિવેટિવ્ઝ વીકલી એક્સપાયરીના ભાગરૂપે આજે શેરબજારમાં મોટો કડાકો નોંધાયો છે. સેન્સેક્સે 72,500 અને નિફ્ટીએ 22,000ની સપાટી ગૂમાવી દીધી. સેન્સેક્સ 1062.22 પોઈન્ટ તૂટી 72404.17 પર બંધ થયો છે. જ્યારે નિફ્ટીએ 22000નું લેવલ તોડી 345 પોઈન્ટના કડાકા સાથે 21957.50 પર બંધ આપ્યું છે.આ ઉપરાંત મિડકેપ ઈન્ડેક્સમાં 2 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં 2.4 ટકાનો ઘટાડો થયો છે. શેરબજારમાં આવેલા કડાકાને પગલે રોકાણકારોની સંપત્તિમાં રૂપિયા 7.6 લાખ કરોડનું ધોવાણ થયું છે.

મે મહિનાનો બીજો મોટો ઘટાડો ગુરુવારે શેરબજારમાં જોવા મળ્યો હતો. છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશન દરમિયાન શેરબજારમાં 2,563.25 પોઇન્ટ એટલે કે 3.42 ટકાનો કડાકો બોલાઈ ચુક્યો છે. બજારના નિષ્ણાતોના મતે ભારતીય શેરબજારમાં મંદી માટે અનેક કારણો જવાબદાર છે. જેમ કે દેશમાં ચાલી રહેલ લોકસભાની સામાન્ય ચૂંટણી વચ્ચે વિદેશી સંસ્થાગત રોકાણકારો દ્વારા સતત વેચવાલી, ચોથા ત્રિમાસિક ગાળામાં અનેક દિગ્ગજ કંપનીઓ દ્વારા અપેક્ષા કરતાં નબળા પરિણામો, રૂપિયા સામે US ડોલરની મજબૂત સ્થિત. તેમજ અમેરિકામાં વ્યાજ દરોમાં ઘટાડો કરવાને લઈ પ્રવર્તિ રહેલી અનિશ્ચિતતા.

US ફેડરલ રિઝર્વની બેઠકમાં પણ એકંદરે નબળા સંકેત મળ્યા છે. ફેડ દરમાં ઘટાડામાં વિલંબને લઈ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત યુક્રેન-રશિયા યુદ્ધની પણ શેરબજાર પર અસર જોવા મળી રહી છે. રોકાણકારોમાં નવા રોકાણ માટે ફફડાટ જોવા મળ્યો હતો.

સેન્સેક્સ પેકમાં સામેલ 30 પૈકી માંડ પાંચ સ્ક્રિપ્સ ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એસબીઆઈ, ઈન્ફોસિસ, અને એચસીએલ ટેક્. 1.86 ટકા સુધી સુધર્યા હતા. આ સિવાય તમામ 25 શેરો 6 ટકા સુધી ઘટ્યા છે. લાર્સન એન્ડ ટ્રુબો 5.56 ટકા, એશિયન પેઈન્ટ 4.51 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટીલ 3.46 ટકા ઘટાડે બંધ રહ્યો છે.

લોકસભા ચૂંટણીના પ્રથમ ત્રણ તબક્કામાં મતદાન પૂરું થઈ ચુક્યું છે. બજાર મજબૂતપણે એવી અપેક્ષા રાખે છે ભાજપ સત્તા પર પરત ફરી શકે છે. જો NDA 400થી વધારે બેઠક જીતશે તો શેરબજારમાં તેજીનો નવો દોર જોવા મળી શકે છે. જો NDA 300 થી 330 બેઠકો આવશે તો બજારને ઝાટકો લાગી શકે છે અને શેરબજારમાં કંઈક હસ્તક વેચવાલી જોવા મળી શકે છે.