નીટની પરીક્ષા કેન્દ્ર ઉપર તપાસ કરાતા પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિટેન્ડેન્ટની ગાડીમાંથી રૂ. 7 લાખ રોકડા મળી આવ્યા
પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિટેન્ડેન્ટની વ્હોટ્સએપ ચેટથી સમગ્ર મામલો બહાર આવ્યો
એક વિદ્યાર્થી દીઠ 10 લાખ રૂપિયા લેવાનું નક્કી થયુ
પંચમહાલના ગોધરામાં NEETની પરીક્ષામાં રુપયા લઈને વિદ્યાર્થીઓને ચોરી કરાવવાની ઘટનાનો પર્દાફાશ થયો છે. જિલ્લા કલેકટર દ્વારા સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
જિલ્લા કલેક્ટરને મળેલી ચોક્કસ બાતમીના આધારે પરીક્ષા કેન્દ્ર ઉપર જિલ્લા અધિક કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમો તપાસ માટે પરીક્ષા કેન્દ્ર પર પહોચ્યા હતા. ત્યાં જઈને તપાસ કરાતા પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિટેન્ડેન્ટની ગાડીમાંથી રૂ. 7 લાખ રોકડા મળી આવ્યા. પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિટેન્ડેન્ટના મોબાઈલમાંથી વ્હોટ્સએપ ચેટમાં કુલ છ વિદ્યાર્થીઓને ચોરી કરાવી એક વિદ્યાર્થી દીઠ દસ લાખ રૂપિયા લેવાનું નક્કી થયા હોવાનું પણ સામે આવ્યું હતું.
જે વિદ્યાર્થીઓ સાથે પૈસાની ડીલ થઈ હતી તેમને પેપર (OMR) કોરું છોડી દેવાની સૂચના આપવામાં આવી હતી. આખાયે કૌભાંડનો ખુલાસો જિલ્લા કલેક્ટરને મળેલી અંગત માહિતીના આધારે થયો.
આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ગોધરા તાલુકા પોલીસ મથકે ત્રણ ઈસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. જેમાં જય જલારામ સ્કૂલ ગોધરાના શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા નામના ઈસમ સામે વિશ્વાસઘાત, છેતરપિંડી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વડોદરા એસઓજી પોલીસે વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોયની વડોદરાની SOG પોલીસે ધરપકડ કરી હતી.