બંધારણ ને માથે લઈને નાચનારા લોકો ત્વચાના રંગના આધારે મારા દેશવાસીઓનું અપમાન કરી રહ્યા છેઃ વડાપ્રધાને મોદી
લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન નેતાઓ પોતાની જીભ પર કાબુ ન રાખતા બેફામ નિવેદનો આપી રહ્યા છે. ત્યારે હવે કોંગ્રેસ નેતા સામ પિત્રોડાએ વધુ એક વિવાદિત નિવેદન આપ્યું છે. વારસાગત ટેક્સ પર ટિપ્પણી કર્યા બાદ ફરી એક વખત વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. પીએમ મોદી તો પિત્રોડાના નિવેદન પર કોંગ્રેસ પર લાલઘૂમ થઇ ગયા હતા. ભાજપના અન્ય નેતાઓ, મંત્રીઓ અને પ્રવક્તાઓમાં રોષની લાગણી ફરી વળી છે.
સામ પિત્રોડાએ કહ્યું કે ‘આપણા દેશમાં પૂર્વના લોકો ચીની જેવા, પશ્ચિમના લોકો આરબ જેવા અને દક્ષિણના લોકો આફ્રિકન જેવા દેખાય છે, પરંતુ તેનાથી કોઈ ફરક પડતો નથી, આપણે બધા ભાઈ-બહેનની જેમ રહીએ છીએ.’ સામ પિત્રોડાનાં આ નિવેદનથી વિવાદ ઉભો થયો છે. આ વિવાદીત નિવેદન બાદ ભાજપે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે. ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધીને કહ્યું કે ‘કોંગ્રેસની વિચારધારા દેશના ભાગલા પડાવવાની છે.’
વડાપ્રધાન મોદીએ તેલંગણામાં સભાને સંબોધતા કહ્યુંઃ શહેજાદાનાં અંકલે દેશવાસીઓને ગાળો આપી છે.
તેલંગાણાના વારંગલમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સામ પિત્રોડાના નિવેદન પર કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘આજે મને ખબર પડી કે શહેજાદાના કાકા અમેરિકામાં રહે છે. તેઓ શહેજાદાનાં ફિલોસોફર ગાઈડ છે. જેવી રીતે ક્રિકેટમાં થર્ડ અમ્પાયર હોય છે, અને જો કોઈ મૂંઝવણ હોય તો અમ્પાયરને પૂછે છે, એવી રીતે આ શહેજાદાને કોઈ મૂંઝવણ હોય ત્યારે તે આ થર્ડ પ્લેયર પાસેથી સલાહ લે છે.’
વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, ‘કોઈ મને ગાળો આપે છે, જેનાથી મને ગુસ્સો નથી આવતો, પરંતુ આજે શહેજાદાના ફિલોસોફરે દેશવાસીઓને ગાળો આપી છે. આજે હું ખૂબ ગુસ્સામાં છું. શું મારા દેશમાં ચામડીના રંગના આધારે કોઈની યોગ્યતા જોવામાં આવશે. બંધારણને માથે લઈને નાચનારા લોકો ત્વચાના રંગના આધારે મારા દેશવાસીઓનું અપમાન કરી રહ્યા છે.’
આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુનો ઉલ્લેખ કરતા વધુમાં કહ્યું હતું કે ‘અમારા કાર્યકાળમાં અમે આદિવાસી દીકરી દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ બનાવી પરંતુ કોંગ્રેસે આનો જોરદાર વિરોધ કર્યો. હું ઘણું વિચારી રહ્યો હતો કે દ્રૌપદી જી, જે ખૂબ જ સારી પ્રતિષ્ઠા ધરાવે છે, આદિવાસી સમુદાયની પુત્રી છે. અમે તેમને રાષ્ટ્રપતિ બનાવી રહ્યા છીએ તો કોંગ્રેસ તેમને હરાવવા માટે આટલી મહેનત કેમ કરી રહી છે? હું સમજી ન શક્યો. મને લાગતું હતું કે શહેજાદા પાસે આવા જ વિચાર હશે અને તેથી જ તે વિરોધ કરી રહ્યા છે, પરંતુ આજે મને ખબર પડી કે કોંગ્રેસ પાર્ટી મૂર્મુને હરાવવા મેદાનમાં કેમ ઉતરી હતી.’
મારા દેશના ઘણા લોકો સાથે તેમની ત્વચાના રંગના આધારે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. ચામડીનો રંગ ગમે તેવો હોય, અમે એવા લોકો છીએ જેઓ શ્રી કૃષ્ણની પૂજા કરીએ છીએ, જેમની ત્વચાનો રંગ આપણા જેવો છે.’ શહેજાદાએ જવાબ આપવો પડશે. ચામડીના રંગના આધારે મારા દેશવાસીઓનું અપમાન દેશ સહન કરશે નહીં અને મોદીતો ક્યારેય સહન કરશે નહીં.
સામ ભાઈ, હું નોર્થ ઈસ્ટનો છું અને હું ભારતીય જેવો દેખાઉં છુંઃ હિમંતા બિસ્વા શરમા
આ મામલે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પિત્રોડાને આડેહાથ લીધા હતા. તેમણે પોસ્ટ કરતા કહ્યું કે સામ ભાઈ, હું નોર્થ ઈસ્ટનો છું અને હું ભારતીય જેવો દેખાઉં છું. આપણો વૈવિધ્યસભર દેશ છીએ, આપણે જુદા દેખાઈ શકીએ છીએ, પરંતુ આપણે બધા એક છીએ. આપણા દેશ વિશે થોડું સમજો.
આનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે સામ પિત્રોડા ભારત વિશે શું વિચારે છેઃ રવિશંકર પ્રસાદ
ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું, ‘આનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે સામ પિત્રોડા ભારત વિશે શું વિચારે છે. તેઓ રાહુલ ગાંધીના સલાહકાર છે. હવે મને સમજાયું કે શા માટે રાહુલ ગાંધી વાહિયાત વાતો કરે છે… આ હારની હતાશા છે. તેઓ ન તો ભારતને સમજે છે અને ન તો તેના વારસાને.
નિર્મલા સીતારમણ કહે છે, “હું દક્ષિણ ભારતની છું અને હું ભારતીય દેખાવું છું.”
દેશની મૂળભૂત ઓળખનું અપમાનઃ સુધાંશુ ત્રિવેદી
સામ પિત્રોડાના નિવેદન પર નિશાન સાધતા ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે તેઓ કહી રહ્યા છે કે રામ મંદિર, રામ નવમી અને ભારતના પીએમના રામ મંદિરની મુલાકાતને કારણે ભારતની વિવિધતા અને લોકશાહી નબળી પડી છે. હું કહેવા માંગુ છું કે જેઓ આ વિદેશી સલાહકારોના વિચારોથી પ્રભાવિત છે તેઓ સમજી શકતા નથી કે ભારત લોકશાહીની જનની છે. તેઓ કેમ વિચારે છે કે વિદેશીઓએ આપણને બધું જ આપ્યું છે ? તેમનું નિવેદન દેશની મૂળભૂત ઓળખનું અપમાન છે. તેમણે વધુમાં કહ્યું કે તમે બાબરીના ઢાંચાને બચાવવા કોર્ટમાં ગયા અને રામ મંદિરને બદનામ કરવાનો પ્રયાસ કર્યો.
સોશિયલ મીડિય પર વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં સામ પિત્રોડાએ દેશના ઉત્તર-પૂર્વ અને દક્ષિણ પ્રદેશના રાજ્યોમાં રહેતા લોકો વિશે ટિપ્પણી કરી છે. તેણે કહ્યું છે કે, ‘ભારત જેવા વિવિધતાવાળા દેશમાં બધા એક સાથે રહે છે. અહીં પૂર્વ ભારતના લોકો ચીનના લોકો જેવા, પશ્ચિમ ભારતમાં રહેતા આરબો જેવા અને દક્ષિણમાં રહેતા આફ્રિકન લોકો જેવા દેખાય છે. પરંતુ તેમ છતાં, અમે બધા હજુ પણ સાથે રહીએ છીએ.’
સામ પિત્રોડાના નિવેદન પર કોંગ્રેસે સ્પષ્ટતા આપતા જયરામ રમેશે તેમના X હેન્ડલ પર લખ્યું કે, ‘ભારતની વિવિધતા માટે સામ પિત્રોડા દ્વારા આપવામાં આવેલી સામ્યતાઓ અત્યંત ખોટી અને અસ્વીકાર્ય છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આ સામ્યતાઓથી પોતાને સંપૂર્ણપણે અલગ કરે છે.’