કાળઝાળ ગરમી વચ્ચે અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠામાં કમોસમી વરસાદ, ભિલોડામાં ધોધમાર વરસાદ

rain

ભર ઉનાળે અંબાજી પંથકમાં કમોસમી વરસાદ, લોકોને ગરમીથી રાહત મળી

ગુજરાતની 25 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે ત્રણ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. ભિલોડા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભિલોડા તાલુકાના મોડાસાના ટીંટોઈ પંથકમાં વરસાદ વરસ્યો હતો. ભર ઉનાળે અચાનક વાતાવરણમાં પલટો આવી ગરમીના બફારા વચ્ચે કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી

ધોમધખતા તાપ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતાં લોકોને ઉકળાટથી થોડી રાહત મળી છે. અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. મોડાસાના ટીંટોઈ પંથકમાં પણ વરસાદ છે. મોડાસા શામળાજી હાઈવે પર વરસાદ છે. વરસાદ પડતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે, વિઝિબીલિટી ઘટતાં લોકો હેડ લાઇટ શરૂ કરીને વાહન ચલાવતાં જોવા મળ્યા હતા. આકરી ગરમી વચ્ચે અનાચક વરસાદ થતાં વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

મતદાનના દિવસે હવામાન વિભાગે ભારે ગરમી અને ઉકળાટની આગાહી કરવામાં આવી હતી. તેવામાં આજે બનાસકાંઠાના અંબાજી પંથકમાં બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ હળવો વરસાદ પડ્યો હતો. ગરમીની આગાહી વચ્ચે વરસાદની પધરામણી થઈ હતી. દાંતીવાડા, પાંથાવાડા અને ધાનેરાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે.

સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. ઇડર અને વડાલી પંથકમાં વાતાવરણ પલટાયુ છે. ભર ઉનાળે ઇડર અને વડાલીમાં વરસાદી ઝાપટા પડ્યા છે. ઇડરના ભૂતિયા અને વડાલીના જેતપુર કંપા,ચુલ્લા અને વડ ગામડામાં વરસાદી ઝાપટા પડ્યા છે. કમોસમી વરસાદને કારણે લોકોને ગરમી અને ઉકળાટથી રાહત મળી છે.

આગામી પાંચ દિવસ હવામાન સૂકું રહેવાની શક્યતાઓ
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિકના કહેવા મુજબ, આગામી પાંચ દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે. જ્યારે છઠ્ઠા અને સાતમા દિવસે હળવા વરસાદની સંભાવનાઓ કેટલાક વિસ્તારો માટે વ્યક્ત કરવામાં આવી છે. વરસાદની શક્યતાઓ દક્ષિણ ગુજરાત માટે વ્યક્ત કરાઈ રહી છે. આગામી 5 દિવસ દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત 12 અને 13 મેના રોજ સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમી સાથે બફારાની સ્થિતિ આગામી દિવસોમાં રહેવાની સંભાવનાઓ છે. મહત્તમ તાપમાનમાં આગામી દિવસોમાં કોઈ મોટા ફેરફારની સંભાવનાઓ નથી.

રાજ્યમાં બે દિવસ હીટવેવ રહેશે. કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, દમણ દાદરા નગર હવેલી, વલસાડમાં હીટ વેવની આગાહી છે.