યુપીના ગવર્નર આનંદીબેન પટેલ અને મધ્યપ્રદેશના ગવર્નર મંગુભાઇ પટેલ પણ ગુજરાત આવશે અને મતદાન કરશે
ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024 માટે આવતી કાલે 7 મે, મંગળવારના રોજ 25 બેઠકો પર મતદાન થવાનું છે. ત્યારે આજે મતદાન અંગેની તમામ તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મંગળવારે ગુજરાતમાં મતદાન કરવા આવી રહ્યા છે. આ સાથે ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ આજે ગુજરાત આવી પહોંચશે. વડાપ્રધાન મોદી મંગળવારે રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરશે. જેથી સુરક્ષા ભાગરુપે ત્યાં આજે SPG અને રાણીપ પોલીસ દ્વારા અધિકારીઓએ શાળામાં ચેકિંગ અને નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત રાણીપના મતદાન બુથ પર બેરિકેડ્સ લગાવી દેવામાં આવ્યા છે તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજ સાંજે ગુજરાત આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રી રોકાણ રાજભવન ખાતે કરી શકે છે. અને ત્યારબાદ આવતીકાલે સવારે 7.30 કલાકની આસપાસ તેઓ રાણીપની નિશાન સ્કૂલ ખાતે મતદાન કરશે. નિશાન સ્કૂલ ખાતે પોલીસનું ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. વડાપ્રધાન મોદી સવારે મતદાન કરી ગુજરાત સહિત ત્રીજા તબક્કામાં આવનારા રાજ્યોના મતદારોને લોકશાહીના પર્વમાં મતાધિકારનો ઉત્સવ મનાવવા અપીલ કરી સીધા પોતાના નિર્ધારિત પ્રચાર પ્રવાસ માટે નીકળી જશે.
આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ શીલજ ગામમાં મતદાન કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સવારે 10 વાગે નારણપુરા અંકુરમાં આવેલી મ્યુનિસિપલ કચેરીએ મતદાન કરશે. યુપીના ગવર્નર આનંદીબેન પટેલ પણ મતદાન માટે ગુજરાત આવશે અને મધ્યપ્રદેશના ગવર્નર મંગુભાઈ પણ મતદાન માટે આજે રાત્રે ગુજરાત આવશે અને કાલે મતદાન કરશે.