વડાપ્રધાન મોદીને શા માટે પાઘડી ન પહેરાવવી એ અંગે જામસાહેબે પત્ર લખી કર્યો સવાલ
અયોગ્ય અને અનુચિત રીતે વ્યક્ત કરાયેલી અશિષ્ટતાને લઇને કેટલાક પ્રશ્ન પૂછ્યા
અન્ય કોઇએ કંઇ કહ્યું હોય તેના કારણે આપણે આપણા રાષ્ટ્રીય નેતાને જવાબદાર ન ઠેરવી શકીએ
ગુજરાતમાં ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વચ્ચે ચાલી રહેલા વિવાદ હજુ શાંત થયો નથી. આ વિવાદને લઈને જામનગરના જામ સાહેબે અનેક વખત પત્ર લખ્યા છે. ત્યારે હવે થોડા દિવસ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર આવ્યા હતા ત્યારે તેઓ જામસાહેબને મળ્યા હતા અને જામસાહેબે તેમને હાલારી પાઘડી પહેરાવી હતી. પીએમ મોદીની મુલાકાત બાદ ક્ષત્રિય સમાજના સંમલેનમાં એક યુવક દ્વારા જામસાહેબના આ નિર્ણયને ખોટો ઠેરવતું નિવેદન કરવામાં આવ્યું હતું. જેના જવાબમાં જામસાહેબ દ્વારા આજે એક પત્ર લખવામાં આવ્યો છે અને એ યુવક દ્વારા આત્મવિશ્વાસ સાથે જે વક્તવ્ય કરવામાં આવ્યું તે બદલ તેને અભિનંદન આપ્યા હતા, સાથે જ અયોગ્ય અને અનુચિત રીતે વ્યક્ત કરાયેલી અશિષ્ટતાને લઇને કેટલાક પ્રશ્ન પૂછ્યા છે. તેમજ શા માટે મોદીને પાઘડી ન પહેરાવવી એ અંગે પણ સવાલ કર્યો છે.
જામસાહેબે પત્રમાં લખ્યું છેકે, સૌ પ્રથમ હું કહું છું કે હું ખૂબ જ આશ્ચર્યચકિત છું કે ગામનો એક સામાન્ય માણસ પણ વિશાળ સંખ્યામાં હાજર પ્રેક્ષકોની સામે ઊભો રહી શકે છે અને આત્મવિશ્વાસથી બોલી શકે છે. જેના માટે હું વક્તાઓને અભિનંદન આપું છું. જો કે તેમનાં પ્રવચનની ભાવના અને વક્તવ્યનું શું પરિણામ આવી શકે છે તે તેમણે વિચાર્યુ નથી. તેણે ખચકાયા વગર કરેલી અનુચિત રીતે વ્યક્ત કરાયેલી અશિષ્ટતાના જવાબમાં હવે મારી પાસે પૂછવા માટે કેટલાક પ્રશ્નો છે.
સૌથી પહેલા તો વડાપ્રધાન મોદીને પહેરાવવામાં આવેલી હાલારી પાઘડીની વાત છે. તો માનનીય વડાપ્રધાન મોદીએ વ્યક્તિગત રીતે ક્યારેય કોઇ પણ સમુદાયની મહિલા કે જાતિ વિશે અશોભનીય શબ્દો વાપર્યા નથી. તેમજ આપણે જાણીએ છીએ કે તેમણે હંમેશા આઉટ ઓફ વે જઈને પણ પોતાની બંધારણીય સત્તાનો ઉપયોગ કરીને દેશની કરોડો મહિલાઓને મદદ કરી છે અને તેમના જીવનને વધુ સારું બનાવ્યું છે. તેથી જ આ રીતે તો વડાપ્રધાન મોદીને ના જ મુલવવા જોઈએ. શું આ રીતે આપણે આપણા રાષ્ટ્રીય નેતાનું મૂલ્યાંકન ન કરવું જોઈએ? અને અન્ય કોઇએ કંઇ કહ્યું હોય તેના કારણે આપણે આપણા વડાપ્રધાનને જવાબદાર ન ઠેરવી શકીએ.
આ સામાન્ય વક્તાઓ સમજી શકતા નથી કે આપણે લોકશાહી વિશ્વમાં જીવી રહ્યા છીએ જ્યાં દરેકને વાણીની સ્વતંત્રતા છે, એટલે કોઈ કશું પણ બોલે તો તેના જવાબમાં તમે પણ જે ઇચ્છો તે જવાબ આપી શકો છો. જો આ પ્રકારનું અનુચિત અપરિપક્વ વર્તન આપણે ચાલવા દઈશું તો તે આપણા લાંબા સંઘર્ષ અને મહાત્મા ગાંધીએ આખા જીવન આપેલી કુરબાની પછી મળેલી સ્વતંત્રતાને વિનાશમાં ફેરવી દઈશું.
છેલ્લે એટલું કહીશ કે કોઈના દ્વારા કશું બોલવામાં આવે તો એનાથી તમારા ચારિત્ર્ય પર કોઈ અસર નથી થતી, એ જ રીતે રૂપાલાના બોલવાથી કોઈ પણ સ્ત્રીની ગરિમાને કેવી રીતે અસર થવાની છે!
— જામ શત્રુશલ્યસિંહજી
મહત્વનું છે કે જ્યારે પીએમ મોદી ગુજરાતમાં પ્રચાર કરવા માટે આવ્યા હતા ત્યારે તેમણે જામનગરમાં જનસભાને સંબોધી હતી.. જનસભાને સંબોધિત કરતા પહેલા તે જામસાહેબને મળવા માટે પહોંચ્યા હતા. જામસાહેબે તેમને પાઘડી આપી હતી અને જનસભાને સંબોધન કરતી વખતે તેમણે તે પાઘડીને પહેરી રાખી હતી અને પોતાના સંબોધનમાં તેમણે પાઘડીનો ઉલ્લેખ પણ કર્યો હતો.