ભારતને ‘ઝેનોફોબિક’ ગણાવતા બાઈડેનનાં નિવેદન પર જયશંકરે કહ્યું, ભારત દેશ આતિથ્ય માટે જાણીતો છે

s.jaishankar

ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડનના તે નિવેદન પર પ્રતિક્રિયા આપી છે, જેમાં તેમણે ભારત અને જાપાનને ‘ઝેનોફોબિક’ દેશ કહ્યા હતા. વિદેશ મંત્રી એસ. જયશંકરે એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, ‘ભારત હંમેશાથી એક અનોખો દેશ રહ્યો છે. ભારતનો સમાજ હંમેશા અન્ય સમાજોના લોકો માટે ખુલ્લો રહ્યો છે. ભારત વિવિધ સમાજના લોકોનું સ્વાગત કરે છે. આ દેશ આતિથ્ય માટે જાણીતો છે. જયશંકરે ભારતની અર્થવ્યવસ્થા ડગમગી રહી હોવાના આરોપને પણ નકારી કાઢ્યો હતો.

કેન્દ્રીય વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ નાગરિકતા સુધારો કાયદો (CAA) દર્શાવે છે કે ભારત દરેક સમાજના લોકોને આવકારે છે. CAA મુશ્કેલીમાં ફસાયેલા લોકો માટે દરવાજા ખોલે છે, તેને ભારતની નાગરિકતા આપવાનું કામ કરે છે. આપણે તે લોકોના સ્વાગત માટે તૈયાર રહેવું જોઈએ, જેમને ભારત આવવાની જરૂર છે અને જેનો હક બને છે.’

વિદેશ મંત્રી એસ. જયશંકરે CAAનો વિરોધ કરનારા પર નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, એવા લોકો છે જેમણે સાર્વજનિક રીતે કહ્યું કે, ‘CAAના હોવાથી 10 લાખ મુસ્લિમો ભારતમાં પોતાની નાગરિકતા ગુમાવી દેશે. આ દાવાઓ છતા કોઈની ભારતમાં નાગરિકતા નથી ગઈ.’

જયશંકરે અમેરિકાની યુનિવર્સિટીમાં ચાલી રહેલા ઈઝરાયેલ વિરોધી વિરોધ પર પણ પ્રતિક્રિયા આપી હતી. જયશંકરે કહ્યું કે, “અહીં વૈચારિક રીતે પ્રેરિત રિપોર્ટિંગ ચાલી રહ્યું છે, જે નિષ્પક્ષ નથી.” ‘પશ્ચિમી મીડિયાનો એક ભાગ ગ્લોબલ નેરેટિવને પોતાના હિસાબથી ચલાવવા માગે છે અને આ તબક્કામાં તેઓ ભારતને નિશાન બનાવે છે. આ તે લોકો છે જેમને ભરોસો છે કે તેમણે આ નેરેટિવને કંટ્રોલ કરવો જોઈએ.’

2 એપ્રિલે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેને એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ‘ભારત જેવા દેશો ઝેનોફોબિક(વિદેશીઓ પ્રત્યે ભારે અણગમો અથવા ડર) છે અને આર્થિક શક્તિના રૂપમાં પાછળ રહી જવાનું કારણ આ જ છે. ભારત, ચીન, જાપાન અને રશિયા જેવા દેશો ઝેનોફોબિક દેશો છે. ભારત, ચીન, રશિયા અને જાપાન જેવા દેશો બહારના લોકોને આવકારતા નથી. તે કારણે જ તેમનું અર્થતંત્ર વધુ વિકાસ નથી પામતું. ભારત, ચીન, રશિયા અને જાપાનનો ઝેનોફોબિક સ્વભાવ તેમની આર્થિક સમસ્યાઓ માટે જવાબદાર છે.

બાયડેને આ નિવેદન વોશિંગ્ટનમાં રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રચાર માટે ફંડ એકત્ર કરવાના કાર્યક્રમ દરમિયાન આપ્યું હતું. બિડેને કહ્યું કે રશિયા અને ચીનની સાથે જાપાનની અર્થવ્યવસ્થા પણ મજબૂત બની શકે છે જો તેઓ પણ તેમની ધરતી પર ઇમિગ્રન્ટ્સને આવકારવાનું શરૂ કરે.

ઉલ્લેખનીય છે કે બાઇડેને કહ્યું હતું કે, ‘અમેરિકાની અર્થવ્યવસ્થા વધી રહી છે, કારણ કે આપણે પોતાની ધરતી પર પ્રવાસીઓને આવકારીએ છીએ.’ ચીનનું ઉદાહરણ આપીને બાઇડેને સમજાવ્યું હતું કે, ‘ચીનનું અર્થશાસ્ત્ર શા માટે સ્થગિત થઈ ગયું છે? જાપાન શા માટે મુશ્કેલીમાં છે? ભારત અને રશિયાની સ્થિતિ શું છે? આવું એટલા માટે છે કે તેઓ ઝેનોફોબિક છે. તે લોકો પ્રવાસી સમુદાય નથી ઇચ્છતા. પરંતુ અમેરિકાને તો પ્રવાસીઓ જ મજબૂત કરે છે.’

અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન દ્વારા ભારત પર મોટો આરોપ લગાવ્યા બાદ હવે અમેરિકા ડેમેજ કંટ્રોલ મોડમાં છે. વ્હાઇટ હાઉસે બિડેનના ઝેનોફોબિક નિવેદન પર પ્રતિક્રિયા આપી. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરીન જીન-પિયરે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ બિડેન ઇમિગ્રન્ટ્સ માટે દેશમાં રહેવું કેટલું મહત્વપૂર્ણ છે અને તેઓ આપણા દેશને કેવી રીતે મજબૂત બનાવે છે તે વિશે ટિપ્પણી કરી રહ્યા હતા. તેઓ આ વિશે એટલા માટે વાત કરી રહ્યા હતા કારણ કે તે અમારા સહયોગીઓ સાથેના સંબંધો સાથે સંબંધિત છે. જાપાન અને ભારત સાથે અમારા ચોક્કસપણે મજબૂત સંબંધો છે. રાષ્ટ્રપતિએ છેલ્લા ત્રણ વર્ષમાં આ દેશો સાથે રાજદ્વારી સંબંધો મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.