મોદીની ગેરંટી પર સવાલ ઉઠાવતા ભાજપ પર કર્યાં આકરા પ્રહાર
રાજકોટમાં આજે કોંગ્રેસે પત્રકાર પરિષદ સંબોધી હતી. કોંગ્રેસના ઉમેદવાર શ્રી પરેશભાઈ ધાનાણીના સમર્થનમાં જાહેર સભામાં રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી, ઓલ ઈન્ડિયા કોંગ્રેસના મહામંત્રી અને ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર, સ્થાનિક કોંગ્રેસના આગેવાનો ઈન્દ્રનિલ રાજ્યગુરુ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પત્રકાર પરિષદમાં કોંગ્રેસ નેતાઓએ ભાજપ પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ ગુજરાતની 10 બેઠકો પર કોંગ્રેસની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ગુજરાતમાં કઈ ૧૦ બેઠક પર કોંગ્રેસ વિજેતા થશે? તેવા સવાલના જવાબમાં શકિતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આ અમારી સ્ટેટેજીનો એક ભાગ છે અને બેઠકના નામ અમે અત્યારથી જાહેર ન કરી શકીએ.
રાજકોટમા ઢેબર ચોક ખાતે સંવિધાન બચાવો સંમેલનમાં અધ્યક્ષપદેથી શકિતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં ભાજપની સત્તાનો અહંકાર અને જનતાની સ્વાભિમાનની લડાઈ જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. અવાજ ઉઠે ત્યારે સંઘર્ષને બદલે સંવાદ થવો જોઈએ, તેને બદલે ભાજપે સંવાદને બદલે સંઘર્ષ કર્યો છે અને લોકોના અવાજને દબાવી દીધો છે. પાટીદાર સમાજના 14 યુવાનો શહીદ થયા, ઉનામાં દલિત અને માલધારીઓ સમાજ તેમજ આંગણવાડીની બહેનો કે જૂની પેન્શનની માંગણી કરનાર કર્મચારી હોય, જ્યારે આંદોલનો થયા ત્યારે ભાજપે સહકારને બદલે માત્ર અહંકાર જ બતાવ્યો છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, દેશના વડાપ્રધાન એ માત્ર ભાજપના જ નહીં પરંતુ સમગ્ર દેશના વડાપ્રધાન છે. ગઈ કાલે દેશના પ્રધાન મંત્રીશ્રી બે દિવસ સુધી ગુજરાતમાં અનેક સભાઓ કરીને ગયા પરંતુ દેશની માતાઓ અને બહેનોના માટે અપશબ્દ બોલનાર તથા અસ્મિતાને ઠેસ પહોંચાડનાર માટે એક શબ્દ નથી બોલ્યા માટે જ ભાજપના નેતાઓ બેફામ થયા છે, એ સિવાય 10 વર્ષના શાસનમાં કરેલી કામગીરી પ્રજાને બતાવવી જોઈતી હતી, પણ તેને બદલે માત્ર કોંગ્રેસ પર જ પ્રહારો કરીને પ્રવચનો આપ્યા.
શક્તિસિંહ ગોહિલે રૂપાલા પર આકરા પ્રહારો કર્યા હતા. શક્તિસિંહ ગોહિલે રૂપાલાએ રાજવીઓના કરેલા અપમાન પર પ્રહારો કર્યા હતા. શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે રૂપાલા જ્ઞાતિઓ વિરૂદ્ધ બફાટ કરવા ટેવાયેલા છે. રૂપાલાએ ઈતિહાસથી વિપરિત નિવેદન આપ્યા છે.
શક્તિસિંહે કહ્યુ કે ભાજપના નેતાઓ વારંવાર વાણીવિલાસ કરે છે. શક્તિસિંહ ગોહિલે ભાજપના કનુભાઈ દેસાઈ પર આરોપ લગાવ્યા હતા. ભાજપના નેતા અને મિનિસ્ટર કનુભાઈ દેસાઈ હવે કોળી જ્ઞાતિનુ અપમાન કરે છે . તેઓ અંહકારમાં બોલે છે કે “ કોડીયા એટકે કે કોળી કુટાય અને ધોળિયા ચૂંટાય “. સતાના અહંકારમાં ભાજપના નેતાઓ બેફામ વાણી વિલાસ કરે છે અને ભાજપના નેતાઓ મૌન બની ખેલ જુએ છે.
મોદીની ગેરંટી પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે પીએમ મોદીએ અનેક ગેરંટીઓ આપી હતી, પરંતુ એક પણ ગેરંટી પૂરી થઈ નથી. કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે, વડાપ્રધાનની અમુક હાસ્યાસ્પદ વાતોને ગેસના સિલિન્ડર સસ્તા થવાની વાતો અને બેરોજગારોને રોજગારી આપવાની વાતો માત્ર કાગળ પર જ રહી છે.
પ્રવર્તમાન સરકાર દેશના લોકોની ભોજન અને વસ્ત્રો પહેરવા બાબતે સલાહ આપી રહી છે. ખરેખર તો એક રાષ્ટ્ર, એક ચૂંટણી, એક પાર્ટી એક નેતા હોવા જોઈએ. પરિણામે અનેકતામાં એકતા જોવા મળે છે, પરંતુ ભાજપ સરકાર આ વાતોમાં માનતી નથી. છેલ્લા 10 વર્ષથી એક લાખ ખેડૂતોએ પોતપોતાની માંગણી સંદર્ભે આપઘાત કર્યા છે, છતાં સરકારના પેટનું પાણી હલતું નથી. ગરીબોને કોઈ જાતનો સહકાર અપાતો નથી.
પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકે જણાવ્યું કે, ભાજપ ગમે તેટલો કોંગ્રેસ વિરુદ્ધ પ્રચાર કરે પણ હવે પ્રજા ભાજપને ઓળખી ગઈ છે. પ્રવર્તમાન લોકશાહીનું હનન થાય છતાં સર્વોચ્ચ એટલે કે વડાપ્રધાન પદે બેસેલા વ્યક્તિનું મૌને એ સંપૂર્ણ દેશવાસીઓનું દુર્ભાગ્ય ગણાવ્યું હતું. ભાજપના વિરોધ વચ્ચે કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં 10 સીટો મેળવશે. ભાજપ ખરેખર કોંગ્રેસનું ઘોષણા પત્ર સમજી શક્યું નથી. જૂઠાણાની બૂનિયાદ પર કોઈ રાજ કરે તેવો કોઈ વડાપ્રધાન આજ સુધી જોયો નથી. સામાન્ય વૃદ્ધના નવજવાન કે યુવાનોનું રોજગારી અને શિક્ષણ અપાવવા બાબતે જો કોંગ્રેસની સરકાર આવશે તો 10 ટકા અનામતની જોગવાઈ કરશે. તેવી મુકુલ વાસનિકે ખાતરી આપી હતી. ભાજપનો કોઈ પણ માણસ ગમે તેવા ફ્રોડ કે ગુના કરે તેઓની સામે કોઈ પણ પ્રકારના પોલીસ કે સાઈબર ક્રાઈમ પગલા ભરતી નથી.
રાજકોટમાં કૉંગ્રેસના સંવિધાન બચાવો સંમેલનમાં પરેશ ધાનાણીએ પણ સમાજ વચ્ચે ઝઘડો ન કરવાની વિનંતી કરી હતી. ધાનાણીએ કહ્યુ કે લોકશાહીમાં મતના માલિક તમે છો. મત નામના શસ્ત્રની ધાર બુઠ્ઠી ન થવા દેતા. સાગમટે અને સંગઠીત થઈને મતદાન કરજો. આ ચૂંટણી દેશના બંધારણની સુરક્ષા માટેની ચૂંટણી છે. જનજનના સ્વાભિમાનને બચાવવાની ચૂંટણી છે. સત્તાના અહંકારને ઓગાળવા માટેની ચૂંટણી છે. આ લડાઈ સંસદ સભ્ય બનવાની નથી. ભાજપને રાજકોટમાંથી એકપણ લાયક ઉમેદવાર મળ્યા નથી. અમરેલીથી ભાજપે ઉમેદવારને આયાત કરવા પડ્યા હતા. બધાને પ્રેમના તાંતણે બાંધવા રાજકોટ આવ્યો છું.પોલીસ તંત્રની દાદાગીરીને ખતમ કરવા આવ્યો છું. સંસદ સભ્ય બનવું મારૂ સપનું નથી. આ લડાઈ નવી પેઢીને બચાવવાની છે.
પરેશ ધાનાણીએ ભાજપ વિરુદ્ધ ચાબખા મારતા કહ્યું હતું કે, વર્તમાન સરકારને તેઓના વિપક્ષ સિવાયની કોઈ વાત સુજતીજ નથી ભાજપ સરકારે શાસન સંભાળ્યું તેને 10 વર્ષ થયા આ 10 વર્ષમાં સરકારે શું કર્યું તેની વિગતો પ્રજાને આપવાના બદલે સૌરાષ્ટ્રમાં યોજાયેલી સભાઓમાં વડાપ્રધાને માત્ર કોંગ્રેસ સામેનો વિરોધ જ વ્યક્ત કર્યો છે તે પણ ગુજરાત વાસીઓ માટે દૂર્ભાગ્યની વાત કહેવાય.
બીજી તરફ રાજકોટ કૉંગ્રેસ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરૂના નિવેદનથી વિવાદ થયો છે. ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ મહાત્મા ગાંધી વિશે કરી વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ રાહુલ ગાંધીની બાપુ સાથે સરખામણી કરી હતી. ઈન્દ્રનીલ રાજ્યગુરૂની ટિપ્પણી કરતો વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થયો હતો.