સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઈન મંગાવેલુ પાર્સલ ખોલતા જ થયો બ્લાસ્ટ, 2 વ્યક્તિના મોત, 2 ઈજાગ્રસ્ત

sabarkantha-vadai-blast

પાર્સલ ખોલતાં જ જોરદાર ધડાકો થતા પિતાનું ઘટના સ્થળે અને પુત્રીનું સારવાર દરમિયાન થયું મોત, 2 વ્યક્તિ ઈજાગ્રસ્ત

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વેડા ગામે ઓનલાઈન મંગાવલ પાર્સલમાં બ્લાસ્ટ થતા 2 વ્યક્તિનાં મોત થયા હોવાની દર્દનાક ઘટના સામે આવી છે. જ્યારે અન્ય બે વ્યક્તિને ગંભીર ઈજા થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ અંગે પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે, ઘટના સ્થળની આસપાસ ધણધણી ઉઠ્યો હતો.

ઘટનાની વિગત એવી છે કે, સાબરકાંઠાનાં વેડા ગામના જીતુભાઈ વણઝારા નામની વ્યક્તિએ ઓનલાઈન કેટલીક ઈલેટ્રોનિક વસ્તુ મંગાવી હતી. ઓનલાઈન મંગાવલ વસ્તુનું પાર્સલ આવતા જ પરિવારનાં સભ્યો ભેગા થઈ ગયા હતા. ત્યાર બાદ ઘરે આવેલ પાર્સલ ખોલતાંની સાથે જ તેમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. જેના લીધે જીતુભાઈ વણઝારા (30), ભૂમિકાબેન વણઝારા સહિત પરિવારના અન્ય સભ્યો તેની લપેટમાં આવી ગયા હતા. જોરદાર ધડાકો થતા પિતાનું ઘટના સ્થળે અને પુત્રીનું સારવાર દરમિયાન મોત થવા પામ્યું છે. બંનેના મૃતદેહ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય બે ઈજાગ્રસ્તને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

બ્લાસ્ટની જાણ થતાં વડાલી પોલીસ અને ઈડર ડીવાયએસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. સારવાર હેઠળ ખસેડાયેલા ઈજાગ્રસ્તોના નજીક બ્લાસ્ટ થયો હોવાથી ફોરેન પાર્ટિકલ્સ શરીરમાં ઘૂસ્યા. રેડિયોલોજી અને તબીબો દ્વારા ચોક્કસ અનુમાન લગાવવા તપાસ શરૂ કરાઈ.

મહત્ત્વનું છે કે, ઓનલાઇન મંગાવેલાં ઇલેક્ટ્રિક સામાનમાં બ્લાસ્ટ થતાં 11 વર્ષની કિશોરી અને 30 વર્ષના યુવકનું મોત થયું છે. જીતુભાઈ અને ભૂમિકાબેન દુર્ભાગ્યપૂર્ણ રીતે મૃત્યુ પામી ગયાની માહિતી છે. જ્યારે અન્ય ઘાયલોમાં શિલ્પાબેન વિપુલભાઈ વણઝારા, છાયાબેન જીતુભાઈ વણઝારા નામની બે છોકરીઓ ઘાયલ થઈ હતી. ઓનલાઇન પાર્સલમાં બ્લાસ્ટ થતા સ્થાનિકોમાં ચકચાર મચ્યો છે.